ઝાકળ
ઝાકળ કહે પર્ણને સરી પડીશ હવે હું
પર્ણવ કહે ના ના હજી થોડું વધારે ઝૂલ
તારી ચમકમાં વસે છે મેઘધનુના રંગ
સવાર મ્હોરી ઉઠે છે સુંદર તારી સંગ
ટાઢક એવી થાય મનને શીતળ તારા સ્પર્શે
સૂર્યકિરણે પછી મુજ કોમળ કાયા બળશે
કમનીય તુજ કાયા કરે છે મુજને ઘાયલ
નિસર્ગની નજાકતમાં તું છે સૌથી ઉજ્જવલ
પલકવારમાં સરી ગયું ઝાકળનું એ ટીપું
બની જાણે પર્ણવનું લીલાશભર્યું એ અશ્રુ
પર્ણ પછી પીળું પડીને અવની ઉરે ખર્યું
ક્ષણજીવી એ સંબંધોનું આયખું થયું પૂરું.
*********************************
અભિસારિકા
શરમાતી લજવાતી હું તો હળવે પગલે હાલી,
પિયુ મિલનની આશમાં સંતાતી હું તો ચાલી.
સામે મળ્યા સર્વેથી મેં તો નીચી નજર્યું ઢાળી,
પછી પાદરે પહોંચી હું તો લાંબો ઘૂમટો તાણી.
સૂરે સૂરે પાવાના હું મારગ ગઈ પીછાણી ,
સોળ સજી શણગાર અંગે ઇતરાતી હું ચાલી.
દૂરથી દીઠું છોગું લાલ મનમાં હું હરખાણી,
નજીક સરતાં સાવરે હું તો થઈ ગઈ પાણી પાણી.
અવશ થઈને બાથમાં પિયુની હું સમાણી,
હૈયે હૈયું મળતાં ફૂટી આનંદની સરવાણી






