પ્રભાત
તિમિર ગયું સંતાઈ કોઈ અણજાણી દિશામાં
કંકુવરણા આભે ફૂટ્યા તેજ તણા ફૂવારા
ગગનગોખથી ક્ષિતિજે ઊતરી સૂર્ય કરે ચમકારા
ધરતી આળસ મરડી ઉઠી જોઈ રંગનજારા
પહાડોના પાલવ પર ચમકે ધવલ ધોધની ધારા
સોનલ વરણે દીપી ઉઠ્યાં સરિતાના જળ ન્યારાં
જાગ્યાં જંગલ ખીલ્યાં ઉપવન રંગ દીસે અલગારા
સૃષ્ટિ સઘળી મુખરિત સોહે આનંદના અણસારા
ઘંટારવ મંદિરમાં જાગ્યો ને ઝાલરના ઝણકારા
પ્રભાતિયાં નરસિંહના ગાતાં ધન્ય થતા ભજનારા
******
મધ્યાહ્ન
સૂર્ય થઇ ભુરાયો ધમધોકાર તાપને રેડે
ધરતી થઇ શિયાંવિયાં રાગ વિષાદનો છેડે
તરસ્યાં માનવ પશુ પંખીડા ઊનાં આંસુ સારે
ધોમધખતા તડકાથી બચવા જાત ઘરમાં સંતાડે
સૂના મારગ સૂની શેરી સૂના બાગબગીચા
સૂકકાં સરવર સૂકકાં ઝરણા કોરાં સાવ સપૂચા
ઊની વરાળો ચઢી આભમાં દિલ સૌના દઝાડે
અસવાર સાત ઘોડાનો આવી સહુ જીવને રંજાડે
સૂની સડકો કાજળઘેરી સાપણ સરતી જાણે
નીરવ આખું ગામ ને સૂનકાર સીમ સીમાડે
ભાન ભૂલેલો ભાનુ જોને દિપક રાગને છેડે
ઝંખે સઘળા તપ્ત જીવ કોઈતો મલ્હારને તેડે
*************
સંધ્યા
સૂર્ય જરા ઝાંખો થયોતો
રંગ છટા ચોમેર વેરતો
અસ્તાચળની ઓર સર્યોતો
સમી સાંજની રંગલીલાનો
આકાશે અંબાર ભર્યોતો
રક્તિમ સુવર્ણ આભાએ જાણે
સાથિયો ગગનપટે પૂર્યોતો
માળે સરતાં પંખીની હારે
કલરવથી સૂનકાર ભર્યોતો
ધીરે ધીરે અંધાર ઉતરતો
પ્રકાશને પરાજિત કરતો
આથમણી દિશાની કોરે
સૂર્ય અંતર્ધ્યાન થયો તો
સાંધ્ય આરતી સમય વેળાનો
ઘંટારવ મંદિરે થયોતો
****************
રજની
કાજળઘેરી રાત્રી ને તારાનો ઝગમગાટ
ઉદય ચંદ્રનો થતા પહેલાં તારાની છે ભાત
રજનીગંધા ખીલી ઉઠીને મઘમઘતી છે રાત
રાતરાણીના ઉઘડ્યાં લોચન સુગંધની સોગાત
પોયણી પુષ્પો અધખીલ્યાં જુએ ચંદ્રની વાટ
પુરાયા મકરંદ ઝંખે મુક્ત થવાની વાટ
સૃષ્ટિ સારી શાંત થઈને ઉજમાળી છે રાત
શમ્યા સંતાપ દિવસભરના મનમાં છે નિરાંત