કાપીને પાંખોને મારી,
બંધ ગજવામાં મૂકશો નહીં.
અધિકાર તેના પર મારો
વિહરુ આકાશે, રોકશો નહીં.
છે અભિલાષા મનની જે મારા,
કોઈની સત્તા કે જાગીર નથી.
થાય અભિવ્યક્ત જ્યારે પણ એ,
ખબરદાર જો ડામશે કોઈ.
ખબર મને લક્ષ્મણ રેખાની,
નક્કી મારે જ કરવી રહી.
અંગત નિર્ણય હું જ કરીશ ને,
હસ્તક્ષેપ કોઈ કરશો નહીં.
મુક્ત વિચારોની હું મલિકા,
પણ છું કર્મઠ ને સાધક પણ.
હા હું ભક્તિ ને શક્તિ પણ,
ખબરદાર, બગાડી નજર જો કોઈ.
હું છું ગંગા ને છું જમના,
નિર્મળ જળની ધારા છું.
પાપ કર્મ ધોઈ ને તમારાં,
કરશો ના એને મેલી કોઈ.
થશે ઉન્નતિ કુટુંબ દેશ ની,
પંથે પ્રગતિના જો નડશો નહીં.
મલિન વિચારોથી તમારા,
મારગ કોઈનો રોકશો નહીં.
સાચવતી સંસાર એ સઘળો,
કરતી કાજ એ રાણી થઈ.
હોય સંદેહ એની શક્તિ પર,
વાંચો એના ઇતિહાસે જઈ.
કાપીને પાંખો ને મારી,
બંધ ગજવામાં મૂકશો નહીં.
અધિકાર તેના પર મારો,
વિહરુ આકાશે, રોકશો નહીં.