બાંગ્લા નાટક – અનાત્મજ
લેખક : નિરુપ મિત્ર
ગુજરાતી અનુવાદ : મલ્લિકા મુખર્જી
ચરિત્ર : સચિન,બિપાશા, અનિરુદ્ધ, સુહાસ
અંતિમ ભાગ
(સુહાસ દોડતો રૂમમાં પ્રવેશ્યો છે. શર્ટ પર લોહી છે. ડાબા હાથની નસમાંથી લોહી વહે છે. જમણા હાથથી ડાબો હાથ પકડી રાખ્યો છે.)
સુહાસ : પપ્પા, લોહી…. મમ્મી, લોહી બંધ નથી થતું.
સચિન : લોહી? આટલુ બધુ લોહી? કેવી રીતે વાગ્યું? (દીકરાને પાસે ખેંચતા) આ શું થયું દીકરા? આવી રીતે શું વાગ્યું?
સુહાસ : પપ્પા લોહી બંધ નથી થતું.
સચિન : શું કરું વિપાશા? શું કરું?
બિપાશા : કેવી રીતે વાગ્યું દીકરા?
સુહાસ: ચાકુથી કાપ્યું મમ્મી. મેં મારી જાતે કાપ્યું.
બિપાશા : કેમ? કેમ આવું સર્વનાશ કર્યું બેટા, કેમ?
સુહાસ : પપ્પા જોયું કેટલું બધું લોહી?
સચિન : (આઘાત સાથે લથડિયાં ખાતાં સુહાસને છાતીસરસો ચાંપીને) આ શું કર્યું પાગલ? મારી વાત પર ગુસ્સો કરીને આ શું કર્યું તેં?
સુહાસ : જોયું, કેટલું બધું લોહી?
(સચિન ની છાતી પર ઢળી પડે છે, બેહોશ થઈ જાય છે)
બિપાશા : આ શું થયું?
સચિન : (એના ગાલ પર મારતાં) સુહાસ… સુહાસ…
બિપાશા : શું થયું એને?
(સચિન પેન્ટના ખિસ્સામાંથી રૂમાલ કાઢીને સુહાસના હાથ પર બાંધે છે, પછી એને ખભે ઊંચકીને)
હું હોસ્પિટલ જાઉં છું. લાગે છે બેહોશ થઈ ગયો છે.
બિપાશા : હું આવું?
સચિન: ના જરૂર નથી.
(જલદીથી બહાર જાય છે. બિપાશા થોડાક ડગલા આગળ વધે છે. સ્ટેજ પાછળ સચિનનો
અવાજ આવે છે. ‘ટેક્સી’… એક ટેક્સી રોકાવાનો અવાજ આવે છે. દરવાજો ખોલવાનો અને પછી બંધ થવાનો અવાજ આવે છે. પછી ટૅક્સી ઉપડવાનો અવાજ……….બિપાશા પાછી આવીને સચિનના દિવાન પર બેસે છે અને પછી ઓશિકા પર માથું મૂકીને રડે છે. થોડીજ વારમાં અનિરુદ્ધ બાજુની રૂમમાં પ્રવેશે છે. બિપાશાને જોઈને વચ્ચેનાદરવાજાથી બીજા રૂમમાં પ્રવેશે છે.)
અનિરુદ્ધ : તું આ રૂમમાં? રડે છે, શું થયું? બિપાશા શું થયું?
(બિપાશા આંખો લૂછી ને બેસે છે)
શું થયું બિપાશા?
બિપાશા : તમે આવ્યા… એ બહુ સારું થયું.
અનિરુદ્ધ : આવ્યા વિના રહી ન શક્યો. આખી જિંદગી ભાગતો જ રહ્યો છું, પણ હવે નહીં. આ શું? આટલું બધું લોહી? શું થયું છે બિપાશા?
વિપાશા : કંઈ નહીં. સુહાસને હાથમાં થોડું વાગ્યું છે. સચિન એને હોસ્પિટલ લઈ ગયા છે.
અનિરુદ્ધ : હોસ્પિટલ?
વિપાશા : ઉતાવળા ના થાઓ. મને લાગે છે કે સુહાસને નિશ્ચિંત અને ઉચિત આશ્રય મળ્યો છે. બસ એ કુશળ છે એટલા સમાચાર મળતાં હું અહીંથી ચાલી જવા માંગુ છું.
અનિરુદ્ધ : તું અહીંથી ચાલી જવા માંગે છે?
બિપાશા : હા, હું ત્યાં જવા માંગુ છું જ્યાં સુહાસનો આક્ષેપ મારા સુધી પહોંચી ન શકે કેમાં તુ સારી નથી.
અનિરુદ્ધ : મને તો કંઈ સમજાતું નથી. સાચી હકીકત શું છે?
બિપાશા : અનુ, એક ટેક્સી બોલાવી લાવોને. હું તૈયાર થઈને આવું છું.
અનિરુદ્ધ : (ખુશીથી) તું સાચે જ મારી સાથે આવીશ, વિપા?
બિપાશા : ના.
અનિરુદ્ધ : તો પછી?
બિપાશા : એ બધું પછી કહીશ, પહેલા ટેક્સી બોલાવી લાવો. હું આવું છું.
(બિપાશા બહારની તરફ જાય છે. અનિરુદ્ધ થોડીવાર પછી ચાલ્યો જાય છે. થોડી ક્ષણો સ્ટેજ ખાલી પડે છે. સચિન તેના રૂમમાં પ્રવેશે છે. વચ્ચેના દરવાજેથી વિપાશાના રૂમમાં આવે છે, બૂમ પાડે છે.)
સચિન :બિપાશા….. બિપાશા….
(બિપાશા દોડતી આવે છે. સાડી બદલાય છે.)
મને બોલાવી? તમે મને બોલાવી?
સચિન : સુહાસને ઓપરેશનથિયેટરમાં લઈ ગયા છે. હું તને લેવા આવ્યો છું.
બિપાશા : એને કેમ છે? સારું તો થઈ જશે ને?
સચિન : ડોક્ટરે કહ્યું છે કે ચિંતાનું કોઈ કારણ નથી. એને સમયસર સારવાર મળી ગઈ છે. થોડુંક પણ મોડું થયું હોત તો ખબર નહીં શું થાત!
બિપાશા : ડોક્ટરે તમને કહ્યું ને કે ચિંતાનું કોઈ કારણ નથી?
સચિન : હા કહ્યું તો છે, પણ કદાચ લોહી ચઢાવવું પડશે. મેં કહ્યું છે કે હું આપીશ. જો જરૂર પડશે તો મારા શરીરમાં રહેલ લોહીનું છેલ્લું ટીપું પણ આપી દઈશ.
બિપાશા : સચિન, મને ખબર છે કે તે સારો થઈ જશે. હવે એને કોઈ ડર નથી.
સચિન : ચાલ, તું તૈયાર છે ને?
બિપાશા : ના.
સચિન : તારે સુહાસને મળવા નથી જવું?
બિપાશા : હું જાણું છું કે સુહાસે છેવટે તમારું દિલ જીતી લીધું છે. આ ઘરમાં હવે મારી કોઈ જરૂર નથી.
સચિન : એટલે તું કહેવા શું માંગે છે?
બિપાશા : હું અહીંથી ચાલી જવા માંગુ છું. અહીંથી વિદાય લેવાનો આટલો સુંદર પ્રસંગ ફરી ક્યારેય નહીં આવે.
સચિન : અશક્ય. એવું બની જ ના શકે.
(બહાર એક ટેક્સીનો થોભવાનો અવાજ આવે છે. થોડી જ વારમાં અનિરુદ્ધ બાજુની રૂમમાં પ્રવેશી બિપાશા અને સચિન નો સંવાદ સાંભળે છે)
સચિન : (બિપાશાની સન્મુખ આવીને ઊભો રહે છે) જવું છે, કહેવાથી થોડું જવાય છે?
બિપાશા : નાદાની ન કરો, મને જવા દો.
સચિન : નહિ બિપાશા, એ કેવી રીતે બને? સુહાસ પાછો આવશે ત્યારે?
બિપાશા : મને જવા દો. સુહાસ જો ફરીથી મારી તરફ જોઈને કહેશે કે મા તું સારી નથી. માતું ખરાબ છે…(બિપાશા ના અવાજમાં આશંકા અને હાહાકાર વર્તાય છે)
સચિન : (દૃઢ સ્વરે) નહીં, તું અહીંથી જઈ શકે નહીં. હું તને નહીં જવા દઉં.
બિપાશા : મને જવા દો સચિન, પ્લીઝ. એ પાછો આવશે ત્યારે….
સચિન: ત્યારે હું કહીશ, સુહાસ તું મારો…. તું અમારો દીકરો છે.
બિપાશા : શું બોલ્યા તમે? જરા ફરીથી કહો…
સચિન :એ તારો એકલાનો નથીબિપાશા. એ આપણો દીકરો છે. આપણા બંનેનો દીકરો છે.
(બિપાશા સચિનને પગે લાગે છે. સચિન તેના ખભે હાથ મૂકીને સ્થિર થાય છે અનિરુદ્ધ ધીમેથી બહારની તરફ જાય છે. એક ટેક્સી ઉપડવાનો અવાજ આવે છે અને ધીમું સંગીત વાગે છે.)
**********************સમાપ્ત **********************