બાંગ્લા નાટક – અનાત્મજ
લેખક : નિરુપ મિત્ર
ગુજરાતી અનુવાદ : મલ્લિકા મુખર્જી
ચરિત્ર : સચિન,બિપાશા, અનિરુદ્ધ, સુહાસ
ભાગ-૩
(ડાબી બાજુની રૂમમાં બિપાશા સ્તબ્ધ ઊભી છે. સુહાસ પપ્પાના રૂમમાં જવા આગળ વધે છે. બિપાશા હાથ પકડીને એને રોકે છે.)
બિપાશા : ક્યાં જાય છે?
સુહાસ : પપ્પાના રૂમમાં જાઉં છું.
બિપાશા : ના જઈશ બેટા. અત્યારે ના જઈશ.
સુહાસ : હું જઈશ મમ્મી,તમે મારો હાથ છોડી દો.
બિપાશા : ના હું તને નહીં જવા દઉં.
(સુહાસ હાથ છોડાવીને ચાલી જાય છે.)
સચિન : મારી રૂમ અવ્યવસ્થિત હોય એમાં કોને શું? મારા કપડાં ગંદા હોય તેથી આ ઘરમાં કોને તકલીફ થાય છે? મેં તો કોઈને પણ પોતાની રીતે રહેતા રોક્યા નથી, તો પછી મારી બાબતમાં કોઈએ માથું મારવાની શું જરૂર છે?
(સુહાસ આવીને સચિન ની પાછળ ઉભો રહે છે. સચિન તેને જોઈ શકતો નથી.)
સચિન : કાવર્ડ…જવાબ પણ નથી આપતા. કબૂલ કરવાની હિંમત નથી કોઈના મા?
સુહાસ : પપ્પા..
સચિન : કોણ… કોણ છે?ઓહ તું? શું કામ છે?
સુહાસ : પપ્પા, મેં તમારી રૂમ ગોઠવી છે. આ બધું જ મેં કર્યું છે.
સચિન : કેમ? કેમ કર્યું તે આ બધું?(ઉભો થાય છે)
સુહાસ : બસ એમજ. હવેથી હું તમારું બધું જ કામ કરીશ પપ્પા. બધુ આમ જ ગોઠવીને વ્યવસ્થિત રાખીશ.
સચિન : તારે કશું જ કરવાનું નથી. આ હું તને કહી દઉં છું…હા.
સુહાસ : કેમ પપ્પા?
સચિન : બસ મને નથી ગમતું આ બધું.
સુહાસ : કેમ નથી ગમતું?
સચિન : આમ સામો પ્રશ્ન ના પૂછ. મને નથી ગમતું.
સુહાસ : (રડમસ અવાજે) કેમ નથી ગમતું પપ્પા? તમે જાતે તમારા કપડાં ધુઓ છો, ઘર સાફ કરો છો, તો પછી હું કરું એમાં વાંધો શું છે?
(સચિન થોડીવાર સુહાસ તરફ તાકી રહે છે. પછી બે હાથ જોડીને કહે છે.)
સચિન : સુહાસ હું તને હાથ જોડું છું.આઈ બેગ ઑફ યુ. મેં તો તમારા લોકો પાસેથી કશું જ ઇચ્છ્યું નથી. મારો એકલા રહેવાનો અધિકાર છીનવી લેવા માટે શા માટે આમ ષડયંત્ર રચો છો તમે બધા? મને શું મારા ઘરમાં બે ઘડી આરામ કરવાનો પણ અધિકાર નથી?
(સચિન પગમાં સ્લીપર પહેરીને, ઝભ્ભો પહેરીને બહાર નીકળી જાય છે. સુહાસ પલંગ પર બેસીને ધ્રુસકે ધ્રુસકે રડે છે. થોડીવાર પછી આંખો લૂછીને લાઇટ બંધ કરીને જતો રહે છે. ડાબી બાજુની રૂમમાં બિપાશા સ્તબ્ધ બેઠેલી જોવા મળે છે. અનિરુદ્ધ આવે છે બિપાશા નુંધ્યાન નથી.)
અનિરુદ્ધ : બિપાશા..સચિનબાબુની રૂમમાં અંધારું જોઈને જ મને લાગ્યું કે તેઓ ઘરમાં નથી.એટલે…(બિપાશા બેધ્યાનપણે બેસી રહે છે) કેમ આમ બેસી રહી છે?
(તો પણ બિપાશા નું ધ્યાન નથી. અનિરુદ્ધ બિપાશા ના ખભે હાથ મૂકીને)એઈ વિપા..
(બિપાશા ચમકી ઉઠે છે. આર્તનાદ ભર્યા સ્વરે)
બિપાશા : હાથ ના લગાડશો તમે મને. અડશો નહીં.
અનિરુદ્ધ : શું થયું બિપાશા?
બિપાશા : તમારા સ્પર્શથી બધું જ સળગી ગયું મારું. દેહ.. ઘર.. સંસાર..બધું જ.
અનિરુદ્ધ : તું આ બધું શું બકે છે?
બિપાશા : સાચું જ કહું છું… તમે મારા જીવનમાં એક શનિ રૂપે પ્રવેશ્યા છો. કેમ છોડી નથી દેતા મને?મને બાળીને રાખ કર્યા પછી જ શું છોડશો તમે મને?
અનિરુદ્ધ :(આહત સ્વરે) પણ હું તો… હું તો… સુહાસને મળવા આવ્યો છું. તેં જ તો મને પરવાનગી આપી હતી.
બિપાશા: ના આવશો.. હવેથી ક્યારેય ન આવશો. સુહાસ તમને ધિક્કારે છે. સાંભળો છો? સુહાસ તમને ધિક્કારે છે. હી હેટ્સ યુ. (થોડીવાર સુધી બિપાશા જ્વલંત દ્રષ્ટિથી તાકી રહે છે.)
અનિરુદ્ધ :(માથું નીચું રાખીને) ઠીક છે, હું જાઉં છું.(દરવાજા તરફ જાય છે)
બિપાશા : જાઓ, તમે બધા જતા રહો અહીંથી. પાપની ચિતા મેં જ સળગાવી છે, તો તમારે શા માટે એમાં બળવું જોઈએ? વાહ! શું ચમત્કાર છે ….
અનિરુદ્ધ : ચમત્કાર!
(અનિરુદ્ધ ઉભો રહે છે, પાછા વળીને એક કદમ આગળ આવે છે)
જાવ જાઓ પાછા કેમ આવ્યા કોઈના ભૂતકાળને આમ કચડીને ચાલ્યા જવાની જ તો રીત છે તમારી… જાઓ.
(આજ સમયે સુહાસ જમણી બાજુના રૂમમાં પ્રવેશે છે. હાથમાં બધા ઈનામો છે. તે બધા પલંગ પર મૂકીને ચૂપચાપ અનિરુદ્ધ બિપાશા ની વાતો સાંભળે છે.)
અનિરુદ્ધ : (આગળ આવીને બિપાશાનો હાથ પકડે છે)
શું થયું છે તને? શું થયું છે? શું મને પણ નહીં કહે?
બિપાશા : બસ હવે સહન નથી થતું મારાથી. હવે નથી સહેવાતું અનિરુદ્ધ. કોઈ અશુભ આશંકાથી મારુ હૃદય થર થર ધ્રુજે છે. હું પાગલ થઈ જઈશ.
અનિરુદ્ધ : બિપાશા, ઘણીવાર મેં કહ્યું છે તને, આજે ફરીથી કહું છું… આ રીતે પોતાની જાતને ખતમ ના કરીશ. આ રીતે રિબાવીનેના મારીશ પોતાની જાતને. (બિપાશા પોતાનો હાથ છોડાવે છે.)
બિપાશા : (થોડીવાર ચૂપ રહીને) તો એ સિવાય હું બીજું શું કરું?
અનિરુદ્ધ : તને થયેલા અન્યાયની જવાબદારી એકલી તારી નથી. એનો પ્રાયશ્ચિત કરવાનો મોકો
આપ મને. પ્લીઝ તું ચાલ મારી સાથે.
બિપાશા : તમે ક્યાં લઈ જશો મને?
અનિરુદ્ધ : મારી સાથે, મારા ઘરે.
બિપાશા : તમારા ઘરે… તો પછી તમારો પરિવાર, તમારી પત્ની, તમારી પુત્રી નું શું? તમારા
પિતા જેમને ખબર હતી કે તમારા વંશનો દીકરો મારા ગર્ભમાં આકાર લઈ રહ્યો છે,
છતાં પણ કોઈ દયા કે કરુણાનહોતી બતાવી, તેમનું શું?
અનિરુદ્ધ : એ લોકો આગળ હું મારી ભૂલનો એકરાર કરીશ. માફી માગીશ. સહાનુભૂતિની યાચના
કરીશ.
બિપાશા : છતાં તમને માફી નહીં મળે તો?
અનિરુદ્ધ : જે થવાનું હશે તે થશે… છતાં હું તને….
બિપાશા : (દીર્ઘ નિશ્વાસ નાખતા) ના. હવે કાંઈ ના થાય અનિરુદ્ધ. તમે ઘણું મોડું કર્યું છે. ખૂબ
જ મોડું થઈ ગયું છે.
અનિરુદ્ધ : કેમ ના થાય?
બિપાશા : હું સચિનને છોડીને ક્યાંય જઈ શકું નહીં.
અનિરુદ્ધ : એક વ્યર્થતાને પકડી રાખવાનો શું ફાયદો થવાનો છે?
બિપાશા : તમે એમને જોયા નથી. એ જાણે કે મૃત્યુની સાધના કરી રહ્યા છે. એકલા…તદ્દન એકલા. તમે એમની પાસેથી હવે બીજું કેટલું છીનવી લેવા માંગો છો?(બંને જણા થોડી ક્ષણો બેસી રહે છે.) અનિરુદ્ધ, આ મને શું થઈ ગયું છે? કંઈ ખબર નથી પડતી. એક તરફ અતીતની પીડા બીજી તરફ ભવિષ્ય માટેનો આતંક, હું એમનેછોડવા માંગતી નથી અને હું તમને પણખોવા માગતી નથી.
અનિરુદ્ધ : હું તારી સાથે જ હોઈશ, બિપાશા. હંમેશા તારી સાથે. જો કોઈ દિવસ એવો આવશે તો હું એ સાબિત કરી આપીશ. તું ધારે છે એટલો અમાનુષ હું નથી.
(સુહાસ જે અત્યાર સુધી બાજુની રૂમમાંથી એમની વાતો સાંભળી રહ્યો હતો, અચાનક ઘણા દિવસથીબંધ બંને રૂમનો વચ્ચેનો દરવાજો ખોલી નાખે છે. અનિરુદ્ધને વિપાશા
ચમકી જાય છે અને એકદમ એકબીજાથી દૂર ખસી જાય છે.)
સુહાસ: (તિરસ્કારની ભાવનાથી) મમ્મી, તમે જરા પણ સારા નથી. તમે બહુ ખરાબ છો. મમ્મી..
તમે બહુ જ ખરાબ છો.
બિપાશા : શું બોલ્યો તું સુહાસ?
સુહાસ :હું તમનેધિક્કારું છું. મમ્મી, હું તમને ધિક્કારું છું.
બિપાશા : આ તું શું બોલી રહ્યો છે, તેનું તને ભાન છે?
સુહાસ : હું તમને કેટલું ચાહતો હતો મમ્મી, પણ હવે તમને ધિક્કારું છું.
બિપાશા : (ચીસ પાડીને) ચૂપ થઈ જા સુહાસ, ચૂપ થઈ જા. તારી મમ્મીને તું આ કહી રહ્યો છે?
સુહાસ : હું કહીશ, જરૂર કહીશ. હું તમને….
અનિરુદ્ધ : સુહાસ તું કોને શું કહી રહ્યો છે, તેની તને ખબર નથી.
સુહાસ : (ઘૃણાથી) તમે લોકોએ મારા પપ્પાને ખૂબ દુઃખ પહોંચાડ્યું છે. તમે લોકો ખૂબ ખરાબ છો.
અનિરુદ્ધ : સુહાસ….
સુહાસ : તમે ના આવશો… હવેથી ક્યારેય ન આવશો અમારે ત્યાં. ક્યારેય ન આવશો.
બિપાશા : સુહાસ, મહેરબાની કરીને તું ચૂપ થઈશ?તું શું કહી રહ્યો છે? તને ખબર છે કે આ તારા કોણ થાય છે?
સુહાસ : હું કંઈ જાણવા માગતો નથી. મારે કંઈ જાણવું નથી.
બિપાશા : (સુહાસને બે હાથથી ઢંઢોળીને) જાણવું પડશે. આજે તારે જાણવું જ પડશે.
અનિરુદ્ધ : (બિપાશાને છોડાવીને) બિપાશા, શું તું પાગલ થઈ ગઈ છે?
બિપાશા : હા હું પાગલ થઈ ગઈ છું. તમે બધાએ ભેગા મળીને મને પાગલ બનાવી દીધી છે.
અનિરુદ્ધ :બિપાશા, સાંભળ. મારી વાત તો સાંભળ.
બિપાશા : નથી સાંભળવી, મારે કોઈની વાત નથી સાંભળવી. દયા કરો, મહેરબાની કરો મારાઉપર… મારી નાખો…. મને મારી નાખો
(ઘરની બહાર નીકળી જાય છે. અનિરુદ્ધ અને સુહાસ તેના તરફ તાકી રહે છે. અનિરુદ્ધ સુહાસ તરફ આવે છે.)
અનિરુદ્ધ : સુહાસ તું સાચું કહે છે. હું સારો વ્યક્તિ નથી. તારી ઇચ્છા નહીં હોય તો હું કોઈ દિવસનહીં આવું, પણ મારી એક વિનંતી છે કે તારી મમ્મી માટે કોઈ ગેરસમજ ઊભી ન
કરતો. તારા સિવાય એનું બીજું કોઈ નથી, સુહાસ.
(સુહાસ બીજી તરફ મોં ફેરવીને ઊભો રહે છે. અનિરુદ્ધ થોડી ક્ષણો ઊભો રહે છે, પછી જતો રહે છે. થોડીવાર પછી સુહાસ સચિનના રૂમમાં જાય છે અને પલંગ પર બેસી જાય છે.વચ્ચેના દરવાજેથી ડાબી બાજુના રૂમનુંઅજવાળુ જમણી બાજુના રૂમમાં આવે છે. વાતાવરણમાં સ્તબ્ધતા…. બહારના રસ્તા પરથી ટ્રાફિક નો અવાજ આવે છે. દૂર રેડિયો પરથી ગીત પણ વાગે છે. સચિન જમણી બાજુના રૂમમાં પ્રવેશે છે. સુહાસને બેઠેલો જોઈને અનેવચ્ચેનો દરવાજો ખુલ્લો જોઈને આશ્ચર્ય પામે છે.)