મોકલશો ના શ્હેર માં
***************
કેવું રળિયામણું
વનડુ આ ગીરનું,
કેવા રૂપાળા તે નેસડા.
ભરી અભરાઈઓ, ને ચકચકતા
ઠામણા
ગારાની ભીંતે છે ચાકળા.
આભલા ની આંખ્યું માં
અંજાયા રૂપકડા
પડછાયા આંબાની ડાળ ના.
હોય જ્યાં રાત્યુ છો સાવ અંધારી
ઢાળે ફળિએ જ સૌ ઢોલિયા .
નેસડે નેસડે યૌવન હો છલકાતાં
બીક ના તો બંધ હોય બારણાં.
જાતી ચરાવવા ભેંસુ ના ધણ લઈ
હાથે હો મબલખ કંઈ છૂંદણા.
સાવજડા આવશે તો લઈશું ઓવારણા
પણ બાપુ, ના મોકલશો શહેરમાં.
(ર)
આ સૂરજ મને બહુ ગમે
****************
વીંધી ને અંધકાર રોજ,
ઉજ્જ્વળ પ્રભાત લાવે.
સમસ્ત સૃષ્ટીને માટે
આશાની કિરણો લાવે!
પ્હો ફાટે ત્યાં બાળક બની
મીઠું મધુરૂં હસે,
મધ્યાહ્ને ધોમધખતો
નવયૌવન સમ દીસે!
સંતાકુકડી રમતો ક્યારેક,
વાદળો વચ્ચે ભળે.
ધોળે દી અંધારું થાય તો
ઇ ય મૂંઝાતો ફરે!
ના મૂકી મેં વાટ કોઈ દી,
ના પૂર્યુ મેં તેલ.
ધરું અર્ધ્ય હું જળ નું તોય
સ્વીકારે, દઈ પ્રેમ!
આવતીકાલનો કરી વાયદો,
ચાંદા ને કિરણો ધરે.
થાક ની ચાદર ઓઢી સાંજે,
અસ્તાચળ પર ઢળે!
આ સૂરજ મને બહુ ગમે,
આ સૂરજ મને બહુ ગમે!