૧)
પંખીડું..
વરસાદ ચિતરવા બેઠું!
વાદળના કાગળ પર પંખીડું વરસાદ ચિતરવા બેઠું ,
ત્યાં વાદળ વરસી પડ્યું
ને પંખી બોલી ઉઠ્યું
ઝરમર..ઝરમર..(૨)
પીંરછાની પીંછી લઈ
લાલીનાં રંગો લઈ
એ તો આભલું રંગવા ઉડ્યું
ત્યાં આભ ગાજી ઉઠ્યું
ઘનઘનઘન…ઘનઘનઘન..(૨)
ને પંખી …….!
આંખોમાં લજ્જા લઈ
પાંખોમાં મઝ્ઝા લઈ
એ તો પવનને મળવા નીકળ્યું
ત્યાં ચોમાસુ વરસી પડ્યું
સરસરસર.. સરસરસર..(૨)
ને પંખી…….!
વરસતી ધારા જોઈ
હરખાતી ધરા જોઈ
એ તો શમણાં ઓઢવા ઉતર્યુ
ત્યાં તમરું હસી પડ્યું
ખડખડખડ..ખડખડખડ..(૨)
ને પંખી ……!
****************
૨)
દરિયો ઢોળાયો!
મારે અંતર આભ છલકાયું ને
આ દરિયો ઢોળાયો !
તારી અંદર મોજુ મલકાયું ને
આભલે રંગ ઘોળાયો !
ભીની પગલીઓનાં સથવારે ,
ભીંજાયેલી લાગણીઓનાં ઝનકારે ,
રંગધોધનો જો ને
વીંઝણો વીંઝાયો !
ભીતરની ભૂરી ભીનાશનાં
ભરથારે , સૂરજની સોનેરી
સંધ્યાને કિનારે ,
નેહડાનો જો ને
ચંદરવો બંધાયો !
ક્ષિતિજને ભેટવા ભરતીને સહારે ,
મારી ને તારી આ
ઉર્મિને ધબકારે ,
આ શુભ્ર ઉજ્જવલ
ફેનિલ ફુલમાળો બંધાયો !
મારે અંતર આભ છલકાયું ને
આ દરિયો ઢોળાયો !
તારી અંદર મોજુ મલકાયું ને
આભલે રંગ ઘોળાયો !