નિયતિ કે ગતિ?
પપ્પા
તમારી ડાળ પર
તમને ગમતું જે ફૂલ છે
એ
એકચુઅલી પતંગિયું છે.
એ ઉડી જવાનું છે,
એની ખબર
તમે તમારી જાતને
જાણી જોઈને
પડવા દીધી નહોતી.!
જો કે મને એની ખબર હતી
પણ
આટલું જલદી
ઉડી જવું પડશે
એની ખબર નહોતી..
હવે તમને
છોડીને જાઉં છું પપ્પા..
પરણેલી દીકરી
શ્વસુરગૃહે જ સોહે
એ
નિયતિ છે કે ગતિ?
ડૂમો ભરાયો છે તમારી આંખોમાં..
જાણું છું
હું જાઉં પછી એ આંખો ડૂસકે ચઢશે.
સમજુ છું પપ્પા
કાલિદાસે લખ્યું જ હતું ને
કે
એક ઋષિ મહર્ષિ પિતાને પુત્રીવિદાયનું
આટલું દુઃખ છે તો
માનવ-પિતાનું શું ગજું?
પણ તમે મહર્ષિથી કમ થોડા છો?
પપ્પા જુઓ
દવાથી લઈ દેવસેવા
સુધીની બધી જરૂરિયાતો
માટેના કોન્ટેકટ નંબર સહિતનાં
દસ લીસ્ટ તમારી નજર પડે
એ રીતે મૂક્યા છે
અને
મારો નંબર અને હું તો
ઘરમાં ઠેર ઠેર મળી જઈશું.
પપ્પા પ્લીઝ તમારી કાળજી
રાખજો મારે માટે..
મેં રોપેલી મધુમાલતીની વેલી સુકાય
નહીં જાય,એ કામ મારી ફ્રેન્ડને સોંપી દીધું છે.
મારા ટોમીને રમાડજો, જોકે એ જ તમને સાચવશે.
પણ પ્લીઝ હમણા વાડામાં બાંધી દેજો
નહિ તો મારો છેડો ખેંચી રોકી લેશે.
કોઇની પત્ની બનવાથી કોઇની દીકરી
થોડી મટી જવાય છે !!
એક ક્ષણ તો થાય છે કે અહીં જ થોભી જાઉં
પણ આંખો લૂછવી જ નથી
ઉભરાવવા દો..
છેલ્લે આખા ઘરને ભીનું જોવું છે
જતાં જતાં હું આંગણાનાં
મનીપ્લાન્ટને ચોરી જાઉં છું
ત્યાં રોપીશ, જોઈએ
કોણ પહેલું સેટ થાય છે?
હું કે એ?
અમને બન્નેને જોવા કદી આવશોને પપ્પા?
ને
જુઓ મારી આંગળીઓ..
સહેલીઓ એ દસ દસ વીંટીઓથી સજાવી છે,
બધી જ
તમારા જમાઈ રાજે ભેટ આપી છે.
એટલે દુષ્યંતની માફક એ મને ભૂલી જાય તો…
તો એક પછી એક…!
આમ તો હું આખા ભારતને
જન્મ આપી શકું એમ છું,
ને કોઈ દુર્વાસા મુનિનો શ્રાપ પણ નથી
છતાં
પતિ પત્નીને કેટલું ઓળખી શકે?
એક પિતા દીકરીને ઓળખી શકે એટલું કે
એથી વધારે?
પપ્પા, સમય રૂપી માછલી બધી જ મુદ્રિકા
એક પછી એક ગળી જશે કે પછી…?
**************
અરીસો
બાનો શૉક ઉતારતાં
તેરમે દિવસે શુભનાં ચાંદલાં થયાં,
હું ઘરની મોટી વહુ,
મારા કપાળ પર પણ થયો, સ્હેજ મોટો,
બાના કપાળ પર શોભતો એવો જ,
ગમ્યો, રહેવા દીધો.
આરતી પ્રગટાવી, ઉજાસ ફેલાયો,
આવો ઉજાસ તો બાના ચહેરા પર છેલ્લે સુધી હતો.
હાથ દુપટ્ટા પર ગયો,
હળવેકથી માથે ઓઢ્યો,
બા સાડલો ઓઢતાં, એ યાદ આવ્યું.
મારા મુખ પર પ્રસન્નતા આવી,
બાના મુખ પર તો કાયમ રહેતી.
આરતી પૂરી કરી દેવસ્થાનમાં આશ્કા આપી,
બાજુમાં જ બાનો ફોટો હતો ત્યાં આપવા ગઈ,
પણ..
ફોટો ક્યાં?
આ તો અરીસો….
Facebook Notice for EU!
You need to login to view and post FB Comments!