સ્ત્રી
આખા યે આયખાનો
હોય છે અનુવાદ
એક સ્ત્રી
નામ બદલાઈ જાય
કામ બદલાઈ જાય
ઓળખ અને
રહેઠાણ બદલાઈ જાય
અરે સ્વાદનું તો ઠીક
ક્યારેક તો મનની
સજીવ સંવેદના
થઈ નિર્જીવ
આખાયે જીવતરનો
આસ્વાદ બદલાઈ જાય
આયનામાં નિરખતી
પૂછે એ પોતાને
આ હું છું, કે છે પછી તું
તું માં થી હું થવા
કરતી મથામણ એ
ત્યાં તો
આયખું આખુંયે
સંકેલાઈ જાય..
************
કોરી પાટી
ભૂંસી નાંખ્યા મેં અણગમતા શબ્દો ને
પાટી કીધી છે મેં તો કોરી
અણગમતી છબીઓ
કેટલી ચિતરાયેલી
આકૃતિ નવલી મેં દોરી
વ્યર્થ સંબંધોના
સરવાળા સંઘર્યા ‘ તા!
પ્રેરણા બાદબાકી ની સ્ફુરી
શૂન્ય થયા હતા
કેટલાય ભેગાં
મેં એકડો દીધો છે
સામો ધરી
જોયા છે જેટલાં
નથી હવે એટલાં
વર્ષો જીવવાના હવે બાકી
અણગમતા ભારને
તડકે મેલી ને હું તો
થઈ ગયી જુઓ ને
તાજી માજી…