બેકાળજી
છેક ઊંડે,
તળિયા સુધી ખૂંપાવી દીધી હતી,
એ બધી જ ક્ષણો
જે સભર હતી તારી હયાતીથી.
ઝાંખા એવા પાંદવાળા ને કઈક અંશે નબળા એ ઝાડની સાખે છૂટા પડતી વેળાએ
ઠાલવી દીધેલી એ દરેક યાદ, જે છલોછલ હતી તારા હોવાપણાથી.
જરાય દરકાર નહોતી કરી મેં એની.
ન તો સ્મૃતિના આંસુઓથી પોષણ આપ્યું કે ન તો ખટમીઠાં પ્રસંગોનો તાપ પહોંચ્યો એના સુધી!
છતાંય…
સૂકું, નીરસ એકલવાયું એ ઝાડ
પાનખરની પરાકાષ્ઠામાં ય બેફામ થઈને ખીલે છે!
મેં દફન કરેલી આપણા સહવાસની એક એક ક્ષણ લાલઘૂમ અગ્નિ બની મારા આખા અસ્તિત્વને દઝાડતી રહે છે!
પાનખર તો આવશે ને જતી ય રહેશે,
પણ તારી યાદોનું એ પલાશ વૃક્ષ
મારામાં સ્થાયી થઈ ગયું છે હવે.
ઉગ્યા કરે છે એના રક્તરંજીત ફૂલો
બેફામ, અવિરત.
હું જોયા કરું છું,
ભડકે બળતા મારા અસ્તિત્વને.
બેકાળજી હોવાની આવી આકરી સજા હોતી હશે?
******************
હોવું એટલે?
હોવું એટલે?
તારું મારામાં હોવું એટલે?
કાને અચાનક પડતાં તારા પ્રિય ગીતના શબ્દો
‘ને પછી નસોમાં વહેતા રક્તની જેમ અણુ અણુમાં પ્રસરી જતો તારો જ લહેકો.
તારું મારામાં હોવું એટલે?
કોઈ વરસાદી સાંજે
બારી બહાર તાકતી મારી નજરની કેદમાંથી છટકી જતું મારું અસ્તિત્વ
‘ને ઉઘડતી હું નવા રૂપે, તારી નજરે.
તારું મારામાં હોવું એટલે?
હજારોની મેદની વચ્ચેની એ ભરી ભરી એકલતા
‘ને એ એકાંતમાં ધીમેથી પ્રવેશી મને ખેંચી જતો તું, દૂર સુદૂર.
તારું મારામાં હોવું એટલે?
ત્વચાના સાત સાત પડની અંદર સુધી પહોંચેલો તારો એ અછડતો સ્પર્શ
‘ને એની અનુભૂતિમાં વહી નીકળતી મારી આખીય જાત.
તારું મારામાં હોવું એટલે?
તું કે હું
હું કે તું
તારું મારામાં હોવું એટલે –
બસ હોવું.