ડામચિયા પર
વરસોના વરસો દોડે છે ડામચિયા પર,
વીતી ગયેલી પળ બોલે છે ડામચિયા પર!
રાતે આંખોનાં ફળિયામાં ઘર ઘર રમતાં,
શમણાં ભેગાં થઈ પોઢે છે ડામચિયા પર!
કાળ! સમયની ગોદડીઓને ઢાંકી રાખી,
જાણે બચપણને શોધે છે ડામચિયા પર!
સાફસફાઈ ક્યાં પૂરી થઈ આખા ઘરની?
એક હજી જાળું ડોલે છે ડામચિયા પર
અલગ અલગ રીતે એ શૈયા થાય ભલેને,
સાથે કેવા સહુ શોભે છે ડામચિયા પર !
આ ઓશિકાં ને ચાદર ત્યાં નવરાં બેઠાં,
સંબંધોનાં પડ ખોલે છે ડામચિયા પર!
ઉજાગરાનાં ટોળેટોળાં જાગી જાગી,
પરંપરાઓને જોડે છે ડામચિયા પર!
*******************************
લાપતા
આ જીવન છે,જીવનની ખુશી લાપતા!
સૂર્ય ઊગ્યો અને રોશની લાપતા!
માણસાઈ સ્વયં કોક દી પૂછશે,
કઈ રીતે થઈ ગયા આદમી લાપતા?
ધર્મગ્રંથોમાં સરનામું હોવાં છતાં,
એ ખુદા ના મળ્યો, છે હજી લાપતા!
મા! તને પેટ ખાલી રહ્યાંની પીડા,
ને અહીં થઈ ગઈ લાડલી લાપતા!
‘યામિની’ મૃગજળો ત્યાં વસે છે હવે,
થઈ ગઈ જે સ્થળેથી નદી લાપતા!