દ્રશ્ય પણ ઝાંખું થશે ગિરનારમાં,
જાતને ભૂલી જશે ગિરનારમાં.
ત્યાં અવાજો સામટા ડૂબી ગયા,
જોઈ સન્નાટો કશે ગિરનારમાં.
ઊતરે છે આવરણ કાળું પછી,
ટૂંક વિસ્તરતી હશે ગિરનારમાં.
સૂર્ય ટોચે ઝળહળે ટપકું બની,
સ્પષ્ટ સઘળું લાગશે ગિરનારમા઼ં.
આખરી ધૂણો સમયનો ત્યાં જલે,
ક્ષણ અધૂરી જાગશે ગિરનારમાં.
**************************
2.
મૂક્યો વિશ્વાસ નક્કર જ્યાં, મળી ત્યાં આળની વાતો,
વહે છે બંધ તોડીને, પછી શું પાળની વાતો!
સિફતથી એમણે જુઓ, બધા પિંજરને ખોલ્યા છે,
તરત એ પાથરે દાણા, કરે છે જાળની વાતો.
વળગતા મોહમાયા, ક્રોધ, મત્સર સામટા હરપળ,
તપસ્યા, ધ્યાનને બદલે, થઈ જંજાળની વાતો.
ચહું કે મૌન રહી સંવાદ સાધું જાત સાથેનો,
સતત ચાલ્યા કરે ભીતર અલગ ઘટમાળની વાતો.
સમયની છે ગતિ ન્યારી, ને આથમણે ઉભા થાકી,
ક્ષણો અકબંધ મુઠ્ઠીમાં, બચી છે કાળની વાતો