૧) આકાર થઈને રહેશું
છો ચાક પર ચડાવો , પણ પાર થૈને રહેશું,
નિભાડે નાંખશો તો આકાર થૈને રહેશું.
સમતા ધરી સહજમાં લ્યો, ટોચથી ઉતરયાં
દરિયામાં ડૂબશું તો મઝધાર થૈને ૨હેશું .
મસ્તીની છે સુરાહી ને જામ જોમનાં છે,
થોડી જો પી જશું તો ધૂંકાર થૈને રહેશું.
વિટંબણા રહી છે હોવાપણા વિશેની,
શ્રદ્ધાથી પૂજશો જો સાકાર થૈને રહેશું.
હાજર અહીં રહીશું ના હોઇશું છત્તાં પણ,
હાકાર થૈને રહેશું ,નાકાર થૈને રહેશું.
********************************
૨) લાગી શરત?
એ પછી ત્યાંથી ફરી જાવું પરત
બંધ દ્વારે રાખવી શેની મમત?
મેં પવનને ઘાસ પણ નાખ્યું નથી
મ્હેક નહિતર બાગની હું લઇ ફરત
જ્યાં વળાવી દીકરી ત્યાં સ્થિર થઈ,
આંખ કોની રાહમાં પાછી વળત?
જે નજરથી ઊતરી નીચું ગયું,
એ કદી ઉઠતું નથી ,લાગી શરત?
રાત ઝળહળ એ જ કારણથી રહી
ઝૂપડીમાં જ્યોત થઇ છે મા સતત