જેસલમેર
મરુથલે મોતીમઢયું આ નગર,
એને ટોડલે મોર અને ભીતે ફરે હાથી,
ઝરૂખે ઝરૂખે પથ્થરનું હીરભરત.
બારીએ બારીએ બુઠ્ઠી તલવારોનાં તોરણ.
સાંજના અજવાળે ભીંતો નારંગી ચૂંદડીની જેમ ફરફરે,
બારણે લોઢાના કડે
આઠ પેઢીના હાથનો ઘસરકો.
ફળિયે ફરે બે ચાર બકરાં શ્યામ
ડેલી બ્હાર ડ્હેકાર દે કામઢું ઊંટ.
અંદરને ઓરડે ફુગાઈ ગયેલાં અંધારે
ફરફરે ઢીલી વાટ.
લાલચટક ચૂલાની ઝાળ અને ચુંદડીના અજવાળે
રોટલા ટીપતી સોનેરી કન્યા.
— ગુલામ મોહમ્મદ શેખ
કવિતા આમ તો ભાષાનું ફરજંદ છે અને ભાષા એ સાંભળવાની ચીજ છે. પણ કોઈ કોઈવાર કવિ ભાષાને એવાં રૂપે ઘડે છે કે એ સાંભળવાની મટીને જોવાની ચીજ બની જાય છે. કાનનું કામ આંખો કરવા લાગે છે. તેવે વખતે કવિ શબ્દકાર મટીને જાણે ચિત્રકાર કે તસવીરકાર બની ગયો હોય તેવું ભાસે છે. કવિતા પાસેથી કે કવિતાની ભાષા પાસેથી આવું કામ લેવું એ કીમિયાગર કવિ સિવાય અઘરું છે. આ કાવ્ય, નામે `જેસલમેર’ના કવિ ગુલામ મહોમ્મદ શેખ કવિ તો છે જ પરંતુ દેશના વિખ્યાત ચિત્રકાર પણ છે. એક ચિત્રકારની કલમેથી અવતરતી કવિતા કેવા રંગો દાખવે છે તે અહીં જોઈ શકાશે. રાજસ્થાનના રણપ્રદેશની બારી સમું જેસલમેર અહીં એક કવિ ચિત્રકારની કલમે બહુ વિલક્ષણ રીતે ઝિલાયું છે.
કાવ્યની પ્રારંભિક પંક્તિથી જ કવિ આ નગર વિશેની એક ઓળખ કંડારી આપે છે. મરુથલ તો ખરું જ, પણ આ નગર તો મોતીમઢ્યું છે. અહીં રેતીમઢ્યું એમ નથી કહેવાયું. આ નગર વિશે કવિને જન્મેલું વિસ્મય પ્રગટ કરવા માટે, કહો કે રોમાંચ પ્રગટ કરવા માટે કશું નકારાત્મક ન કહેતા કવિ આખું નગર જાણે કે એક આખો મહેલ હોય તેવી વ્યાપ્તિ રચી દે છે. પછી તો `એને ટોડલે’ એમ કહી આ નગરના સર્વ પ્રાસાદોને કવિ મહિમા બક્ષતા રહે છે અને `એને ટોડલે મોર અને ભીંતે ફરે હાથી’ જેવી સાંસ્કૃતિક ઓળખ સ્થાપે છે. વાત આગળ વધારતાં કવિ લખે છેઃ
‘ઝરૂખે ઝરૂખે પથ્થરનું હીરભરત
બારીએ બારીએ બુઠ્ઠી તલવારોનાં તોરણ’
એક સમયનું ઝળાંહળાં કૌવતથી દબદબો દાખવતું આ શહેર ટોડલે, ભીંતે અને ઝરૂખામાં એની આછેરી છબી દાખવતું બેઠું છે. જે તોરણ લટકે છે તે બુઠ્ઠી તલવારોનાં છે. એનાથી જુદ્ધ ખેલાયાં હશે. શૌર્યની ગાથાઓ લખાઈ હશે. વીરોની આશકા લેવાઈ હશે. એ જ વીરોની આહુતિના પગલે અનેક ચુંદડીઓ ભડભડ બળી મરી હશે. કવિ જુએ છે તેમ સાંજના અજવાળે ભીંતો નારંગી ચુંદડીની જેમ ફરફરે છે. આ મહોલાત ભલે પથ્થરોની રહી, પણ એની સાથે સમયના અનેક પડ વળગેલાં છે. ભીંતોની જડતાને ચુંદડીનાં ફરકાટમાં સાંજ પડ્યે પરિવર્તિત થતી જોતાં કવિને ખબર છે કે ઈતિહાસ વર્તમાનમાં પણ જીવતો જ રહે છે. એક સાવ સ્થૂળ એવા નિરીક્ષણમાં પણ આ વાત બહુ ધારદાર રીતે કવિ અભિવ્યક્ત કરે છેઃ
‘બારણે લોઢાનાં કડે આઠ પેઢીના હાથનો ઘસરકો’
આઠ આઠ પેઢીઓના હાથ જેના પર ફરી ચુક્યા હોય તે લોઢાના કડાનો ઘાટ આપણે કલ્પી શકીએ. પણ આ કડાં બારણે વળગેલા છે. કડાં ઘસાયાં છે એટલું જ નહીં પણ અહીં જે આવનજાવન થયાં કરી હશે તેનો લાક્ષણિક નિર્દેશ પણ અહીં સાંપડે છે. બારણાની નિયતિ એ છે કે આવનાર કે જનારને કેવળ સાક્ષીભાવે જોઈ રહે છે. એ તટસ્થ છે. એ ક્યારેય સામેલ થઈ શકતું નથી. એની પાસે આવનજાવનનો દીર્ઘ ઈતિહાસ કશીયે ગતિ કર્યા વિના પણ મોજૂદ હોય છે. કવિ લોઢાના કડાનો ઘસારો સ્થૂળ આંખે જુએ છે, પરંતુ પેઢીઓની પેઢીઓનું પસાર થઈ જવું તેમાં સૂક્ષ્મ રીતે વ્યક્ત થયું છે.
ફળિયે ફરતાં બે-ચાર બકરાં કે ડેલી બહાર ડહેકાર દેતું ઊંટ મરુભૂમિની આબાદ છબિ તો રચી આપે છે પરંતુ ઘરેબાહિરેની નાનાંમોટાંની સ્થિતિ પર પણ પ્રકાશ પાડે છે. આખો માહોલ જે રીતે આંખો સામે આકાર ધારણ કરે છે તેમાં કામઢું ઊંટ ડેલી બહાર દેખાય છે. એને ફળિયામાં કે ઘરમાં સ્થાન નથી. ચિત્રફલકને અનુરૂપ એવું આ દૃશ્ય આપણી આંખોને, મરુભૂમિથી એ અજાણ હોય તો પણ જાણે પરિચિત લાગે છે.
સાંજનો સમય છે. એ ઢળતી જાય છે તેમ નારંગી પ્રકાશ ધીરે ધીરે ઘેરો બનતો જાય છે. આ સાંજ આમ તો રોજની સાંજ જેવી જ છે પણ એ કવિની આંખે જોવાયેલી સાંજ છે. અંધારે ઑગળતી જતી સાંજથી નજર ફેરવી કવિ વચલી વંડીએ સૂકાતાં રાતાં ચીરને જોઈ લે એટલો પ્રકાશ હજી બચ્યો છે. એ રંગ હજી કવિને કશોક છાક ચડાવી શકે તેમ છે. પણ વચલી વંડીએથી સરકતી કવિની નજર અંદરનાં ઓરડે જઈ પહોંચે છે જયાં ફુગાઈ ગયેલા અંધારે ફરફરતી ઢીલી વાટ એમની નજરે ચડે છે. રાતા રંગથી ઘેરા અંધકાર સુધીની દૃષ્ટિની યાત્રાને થતો શિથિલ એવો, ઢીલી વાટનો અનુભવ જાણે અહીં સુધી પહીંચીને થાકી ગયેલા ઈતિહાસનો પરિચય આપે છે. એક તરફ શિથિલ સમયની કંપારી છે તો બીજી તરફ છેઃ
‘લાલચટક ચૂલાની ઝાળ અને ચુંદડીનાં અજવાળે રોટલા ટીપતી સોનેરી કન્યા’
જાણે કોઈ ઘેરા ગૂઢ રંગથી આળેખાયેલું ચિત્ર જ જોઈ રહ્યાં હોઈએ તેવી કાવ્યભાષા કવિ અહીં સિદ્ધ કરે છે. ક્યાંક લાલચટક રંગની તેજ લકીર છે તો ક્યાંક ચુંદડીની આભાનું વગર કહ્યે ઝળુંબતું નમણું રૂપ ઝલકે છે. વળી એ નમણાશ અક્રિય નથી. કવિ કહે છે તેમ `રોટલા ટીપતી’ એ કન્યાની ગતિશીલ મુદ્રા આપણને હરી લે છે.
રાજસ્થાનના એક નગરની સાંસ્કૃતિક વિરાસતનો આછેરો પુટ આપી કવિએ એક સાંજને આ નગરના પરિસરમાં જે રીતે ઊતરતી જોઈ અને એની અંધકાર લગીની ગતિને જે રીતે નિહાળી તેનું હૂબહૂ ચિત્ર અહીં આલેખાયું છે. વર્ષોનાં અંતરે કપાઈને પડેલો ઈતિહાસ વર્તમાનનું એક સ્મરણબિંદુ બનીને કેવું વળગી પડતું હોય છે, તે સાથે જ પ્રત્યેક વર્તમાન એક અંધકારમાંથી સોનેરી લકીર ખેંચવા માટે કેવો તત્પર હોય છે તેનો આસ્થાવાદી રણકો પણ અહીં સંભળાય છે. ભાષાને પણ રંગ હોય છે અને ભાષા પણ ચિત્ર ચિતરી શકે છે તે આ કાવ્ય વાંચતાં કોઈને પણ લાગશે.





