કવિતા
1)
મારી આંખોમાં ઝળહળ તિરાડો
મુઠ્ઠીમાં પળ છે છતાં
બુદ્ધિ છે બળ છે છતાં
ઊંચકાતા ના જળપહાડો… મારી આંખોમાં ઝળહળ તિરાડો
જીભને છે શ્રાપ શબદ
કોની લેવાની મદદ?
નજરોથી કોક બૂમ પાડો… મારી આંખોમાં ઝળહળ તિરાડો.
પીડે, પીડાય સતત
જીવનો છે જીવ સખત
ખોતર્યા કરે છાતીખાડો… મારી આંખોમાં ઝળહળ તિરાડો.
ઝરમરને વાત કરી
ખળભળની જરીજરી
ખખડ્યા તો ખડખડ કમાડો… મારી આંખોમાં ઝળહળ તિરાડો.
દ્રશ્ય ફાટફાટ થાય..
લાગણી ચિરાય, હાય!
ચૂંબનથી એ ચિટકાડો… મારી આંખોમાં ઝળહળ તિરાડો…
2)
ક્યાંય નથીનું જીવન લઈને ક્યાંય નથી હું જાતો
ક્યાંય નથીનાં ગીતો મારાં ક્યાંય નથી હું ગાતો
કશું નથીની વાણી ઉચ્ચરું કશું નથી એમાં પણ
કશું નથીના ભાવજગતથી કશું નથી રે સગપણ
કશું નથીની સાદ સૂણાવી શાને આમ હરખાતો?
ક્યાંય નથીનું જીવન લઈને ક્યાંય નથી હું જાતો
કોઈ નથીના માર્ગે ચાલી કોઈ નથી મળવાનું
કોઈ નથીના શબ્દો મારા કોઈ નથી કળવાનું
કોઈ નથીનો કક્કો ભૂંસવા કોઈ નથી હું થાતો
ક્યાંય નથીનાં ગીતો મારાં ક્યાંય નથી હું ગાતો
– सुनील मेवाड़ा