કવિતા
છેલ્લું આંસુ
જે પળે નીકળ્યું હશે એ ભીની ભીની આંખમાંથી,
લઇને ખારી વેદના હસ્યું હશે એ છેલ્લું આંસુ;
કોઇ કોરી આંખ જ્યારે જ્યારે ભીની થાય છે,
છે પીડા ભરપૂર ભરેલી,નીકળે જ્યારે પહેલું આંસુ!
કોઇને છે ભાગવું,રડવું નથી તો ક્યાં જવું?
આંખમાં છુપાઇને બેઠું,કદી ના નીકળ્યું આંસુ…
એક માની આંખમાંથી જો નીકળશે,જોશે બાળક,
નાના હાથે લુછશે,તો લાગશે ઝળહળ્યું આંસુ!
રડવું નથી કોઇ ગુનો,ભરશે હશે જો ઘા જૂનો,
જો પ્રભુની સામે આંખો છલકી,તો માનો ફળ્યું આંસુ…
**********************************
એક અધખુલી બારી
એક રાતે ઊંઘ ન આવતાં ખોલી રૂમની બારી,
આકાશે હસ્યો એ ચાંદ,ચમકી આંખો મારી;
મેં કહી ઉદાસી મારી,ચાંદે સાંભળી ધ્યાનથી,
લાગ્યું ચાંદ પણ વહેશે સાથે જાણી વેદના મારી!
ચાંદ ફરી હસ્યો મારી પર,કહે કહું એક વાત,
તારી તકલીફો મૂકી જો દુનિયા આંખે મારી;
લઇને સાથે મને એ ચાંદે શોધી બારીઓ હજાર,
જ્યાં વહેતી નદી વેદનાની મેં જોઇ આંખે મારી;
કોઇ નાની વ્હાલી દીકરી જુએ પિતાની રાહ,
કોઇ દીકરો મા વિનાનો,જાગે આંખે ખારી;
ક્યાંક એકલા દાદા બેઠા લઇને તસવીર મોટી,
જોયું તો હસતાં દાદી ત્યાં,દુખો સૌ વિસારી…
કોઇ વ્હાલી પ્રિયતમા,જાગે આખી રાતોની રાત,
દૂર ફરજ પર રહેતો પ્રેમી જાગે જીંદગી સારી!!!
જોઇ આ દુનિયાની હાલત,ચાંદની સાથે આજે,
લાગ્યું મને ઘણી નાની છે મારી દુખોની બારી!
હું આવી પાછી લઇ મનમાં એક વાત વિચારી,
રોજ જઇ ચાંદ સાથે વહેંચીશ સૌને ચાંદની પ્યારી!!!
– नृति शाह