કવિતા
કોરુ પાનુ
ક્યારેક સળવળતુ
મારી ભીતર
ક્યારેક અશ્રુ બની
આંખે ચડતુ
સતત મને વીંધતુ
ક્યારેક પથારીના
સળમાં
ક્યારેક મારામાં
વિસ્તરેલા
તારા સ્પર્શમાં
તારા શ્વાસની
સુગંધમાં
રોજ મને ડંખતુ
અસ્તિત્વનું એક
કોરુ પાનુ
********************
કેદ
હું તારી તરફ
આગળ વધીને
અટકી જાઉં છું
કારણ એક જ
આપણાં સંબંધનું
કોઈ ભવિષ્ય નથી
એક દિવસ
આપણે જ
આ સંબંધને
ગળે ટૂંપો દઈને
મોતને ઘાટ
ઉતારીશું
આ તો
હત્યા થઈને?
અને
હત્યાનાં ગુનાની
સજા તો
આજીવન કેદ હોયને?
*******************
મિલકત
તને ખબર છે?
મારી મિલકતમાં શું છે?
એ બ્લેન્કેટ
જેમાં હજુ પણ
તારી હૂંફ
મને વીંટળાય છે
એ કોફીનો કપ
જેમાં હજું પણ
છલકે છે
તારા હોઠની ભીનાશ
બાલ્કનીમાં બેસવાની
તારી એ જીદ
હજુ પણ
જીદે ચડેલી છે,
તેં રોપેલા
મોગરામાં
અવાર-નવાર
ઉગતાં ફૂલ
આજે પણ
મારા શ્વાસ
મહેકાવે છે
અને
તેં ખરીદેલી
મોંઘીદાટ ખુશીઓ
જેનું કોઈ
વારસદાર નથી
– धारिणी सोलंकी