ભીડમાંથી બહાર આવ્યા
લે હવે ધોધમાર આવ્યા.
કાચ જેવા બની જઈને
લે હવે આરપાર આવ્યા.
ચક્ર નહીં પણ લગામ લીધી
લે હવે તારનાર આવ્યા.
મૌનને એકલું તપાવી
લે હવે ધારદાર આવ્યા.
શ્વાસ ઘૂંટ્યા પછી જ આવે –
લે હવે ઓમકાર આવ્યા.
રેંટિયો ચાલતો ગયો ને –
લે હવે તારતાર આવ્યા.
એક – બે દોસ્ત પણ નહોતા,
લે હવે ચાર-ચાર આવ્યા !
****************
આંખમાં વાદળ ફરી બેઠાં હતાં
એમ ચોમાસું ભરી બેઠાં હતાં !
ક્યાંક ઊગે સાત રંગો એટલે
શ્વેત ચાદર પાથરી બેઠાં હતાં.
ઝાડ પરનો ભાર વધતો જોઇને
પાંદડાં જાતે ખરી બેઠાં હતાં !
જાત આખી ડૂબવા લાગી પછી
નામ એનું ચીતરી બેઠાં હતાં.
સાચવી રાખ્યા હતા વરસાદ જે –
એકશ્વાસે વાપરી બેઠાં હતાં !