શું છે અંધારાની આગળ देख फकीरा
ઝાંખા અજવાળા ની પાછળ देख फकीरा।
સુખમાં સાથે તું છે રહેતો દુઃખમાં જોડે,
કોને લખવા મારે કાગળ देख फकीरा।
દર્શન તારા દુર્લભ, થાકી આંખો તરસી,
જોને આડે આવે વાદળ देख फकीरा।
જુદા નામે ભજતો આતમ કરતો કીર્તન,
આખર રાઘવ શંકર શામળ देख फकीरा।
પોતીકા છે સઘળા દુશ્મન એવું માની,
આંજી આંખે તારું કાજળ देख फकीरा।
***************
જરા ડૂબી ઉભરવામાં ઘણી તકલીફ પહોંચી છે,
રહસ્યોને ઉઘડવામાં ઘણી તકલીફ પહોંચી છે.
મળે છે તક પતંગિયું થઇ અચાનક આ હથેળીમાં,
ક્ષણો નાજુક પકડવામાં ઘણી તકલીફ પહોંચી છે.
કદી સંજોગ પણ પળવારમાં ધક્કો લગાવી દે,
સમય સાથે સરકવામાં ઘણી તકલીફ પહોંચી છે.
હવે આ જિંદગી વહેતી અવિરત ને સદા ખળખળ,
અહમ્ સઘળો કચડવામાં ઘણી તકલીફ પહોંચી છે.
નથી કોઈ ફરિયાદો, અભાવો પણ હવે ક્યાં છે,
બધું યે માફ કરવામાં ઘણી તકલીફ પહોંચી છે.