કવિતા
૧) શું કરવાનું !
આકાશ ભરીને છો ને હોય વાદળ
ટીપું ય વરસે નહીં તો શું કરવાનું !
કદી યે કોઈ માટે ધડકે નહી
એવું દિલ લઈને શું કરવાનું !
લાગણીઓનાં હસ્તાક્ષર વિનાનો
કોરો કાગળ લઈને શું કરવાનું !
ગમે એટલો નજીક લાગે પણ
મન વિનાનો માણસ લઈને શું કરવાનું !
મારી ને તારી પાસે ભલેને હોય હોડી
વચ્ચે દરિયો ન હોય તો શું કરવાનું !!
****************************
૨) પૂછું છું !
કોને પૂછું હું તારા હાલ !
તું આજ આવીશ કે કાલ !
વાદળ ભરીને કાગળ લખુ શું !
પંખીને પૂછને હું કેવી તરસુ છુ !
આભલા પાસે ડૂસકા ભરુ છું !
રોજ સૂરજ ઊગે ને હું પૂછું છું,
તું આજ આવીશ કે કાલ !
ચાતકની સાથે દુ:ખડા લઉછું!
ટીટોડીને મહેણા દઉ છું !
મોરના ટહુકે રોઈ પડું છું !
રોજ પવન આવે ને હું પૂછું છું ,
તું આજ આવીશ કે કાલ !
તારા સ્પર્શે મહેંકી ઉઠું છું !
તારા વિના સહેમી ઉઠું છું !
તારા આલિંગને બહેકી ઉઠું છું !
રોજ મારા કણ કણમાં,
રગ રગમાં , રજ રજમાં
પથરાયેલા વિશ્વાસને પૂછું છું ,
તું આજ આવીશ કે કાલ !
– पार्थिवी शाह