गिरा गुर्जरी
મુવઓન
મનના વિચારો ,પહેલા ટપકું, પછી અક્ષર,
પછી શબ્દ થઈ રેલાતા રહ્યા –
ઝીલાતા રહ્યા
કાગળ પર.
જીવનકવન આખુંય ઘટાટોપ વૃક્ષ બની,
ઊગી ગયું છે સમયના પાના પર.
એમાંથી ચળાઈને આવતા સોનેરી સપનાંના છાંયા.
અને છાંયે વિરામ કરતી કંઈ કેટલીય ઈચ્છાઓના
પથરાયેલા મૂળ,
રાહ જુએ છે એક બદલાવની.
મનમાં તો થાય કે લાવ ચીતરું
કોયલના ટહુકા, મોગરાની સુગંધ અને
ફરફરતી હવા.
પણ ભીતર વ્યાપેલી શૂન્યતાને
પહેલા ઝંઝોડવી પડશે.
પછી ધીરે ધીરે રંગ પૂરી સર્જવો છે
એક મેઘધનુષી ખૂણો.
અનુભૂતિના આ સ્તરે,
હું નહીં ટપકેલા આંસુની નહીં,
પણ ઉમંગના દરિયાની વાત કરીશ.
અભાવો અને ખાલીપાને નજરકેદ કરી હું
અધખુલી બારીમાંથી પ્રવેશતા કૂણા તડકાને
આવકારું છું.
હોવાપણાના ખોખલા અવાજ વચ્ચે
હું ફરી વળું છું, મારી ભીતર, મને શોધવા.
ધીરે ધીરે હું કરી રહી છું ,’ મુવઓન’
વિસ્તરતી ક્ષિતિજો તરફ.
***********************************
ગઝલ
અક્ષર અઢી લખતાં પડે છે મખમલી સળ ભીતરે,
શું રણઝણે છે સ્પર્શમાં, હળવેથી સાંભળ ભીતરે.
મેં સ્મિત આંજ્યું આંખમાં,જો ક્યાં કશું પરખાય છે?
પીડા, વલોપાતોની સજ્જડ બંધ સાંકળ ભીતરે.
કેવા તપ્યા આ ધોમધખતા દુઃખને તડકે પછી,
જુઓ અચાનક સુખના કંઇ વરસે છે વાદળ ભીતરે.
જ્યાં મીણબત્તી ઓરડે ,અજવાળતી અંધારને,
તું છોડ આ સઘળી મમત, સંપૂર્ણ ઓગળ ભીતરે.
તું ટેરવે મણકો થઈ, તું આંખમાં આયત બની,
ધબકારની રફતારમાં છે તું જ હરપળ ભીતરે.
– भार्गवी पंड्या