गिरा गुर्जरी
પ્રેમનો પતંગ
ભલો હતો હું એકલો.
આઝાદ હતું દિલ
ને મસ્તી ભરી મજા હતી.
અચાનક આવી ચડયા તમે
મારા નભ ક્ષિતિજ પર!
નજર મળી ને મળ્યા દિલ,
હાથમાં પરોવી હાથ
ઉડાન ભરી આપણે.
ઝૂમી ઉઠ્યો પ્રેમનો પતંગ
લહેરાતી હવાને સંગ!
પણ,
સંચાર ક્યાં હતો
આપણા હાથમાં?
ગૂંચવાઈ દોરી એવી કે
સમતુલા ખોઈ આપણે.
ઉપાધિની ગાંઠ પડતી ગઈ,
રચાતી ગઈ
અંતરાયોની હારમાળાઓ!
વાંચ્યા હતા જે ધર્મ ગ્રંથો,
સપ્તપદીના ફેરે સમજાયા
તેના ગૂઢ અર્થો!
પ્રેમનું એક તીર વીંધી
ખુદને અર્જુન સમજી બેઠો,
નવ્વાણું તીર વીંધશે છાતી,
એ કેમ વિસરી બેઠો?
– अश्विन मॅकवान