गिरा गुर्जरी
ઝરમરતાં ઝારણ
હાં રેઅમે મમતાના ઝરમરતાં ઝાંરણ.
વાત હોય કે જાત જરા તૂટે તો ફટ્ટ વળી
મમતાનું રેણ મારી સાંધીએ,
ઠેબે ચડેલી કોઇ તીણી એવી ચીસને,
લાગણીનાં ઝારણથી ઠારીએ.
હાં રે અમે પહેલી ઝાકળના છીએ ઠારણ.
હાં રે અમે પહેલી ઝાકળના છીએ ઠારણ.
જળ ભરી કાદવની લીલછાયી પટ્ટીમા
પોયણી શાં ખિલ્યાંના કારણ.
હાં રે અમે પહેલી ઝાકળના છીએ ઠારણ.
કાળઝાળ બળબળતી બપોરી વેળામા
કોયલના ટહુંકા ટહુંકારીએ,
પીઠીચોળી ધરતીની સોનલ આ કાયાને,
સંધ્યાની લાલી લગાવીએ.
હાં રે અમે છમ્મલીલાં તડકાના તારણ.
હાં રે અમે છમ્મલીલાં તડકાના તારણ.
સૂરજના તાપને પીળચટ્ટા ગરમાળે
ઘટઘટ પીધાંના કારણ.
હાં રે અમે તડકાના છમ્મલીલાં તારણ.
નેહભીના નયનોમાં ઘૂઘવતા દરિયા પર
બારમાસી ચોમાસા વારીએ,
અંતરનાં અજવાળે પાંગરેલી પ્રિતને
મિંઢળના ટુચકે મઠારીએ.
હાં રે અમે પાનખરનાં મધઝરતાં મારણ !
હાં રે અમે પાનખરનાં મધઝરતાં મારણ !
ગમતો ગુલાલ થઈ વ્હાલપની વેલીમાં
વસંત થઈ ખિલ્યાંનાં કારણ.
હાં રે અમે પાનખરનાં મધઝરતાં મારણ.
હાં રે અમે મમતાનાં ઝરમરતાં ઝારણ.
**********************
સૂર્યોદય
સૂર્યોદય એટલે
સિંદુરી કલરવ ઓઢી
ઊતરી આવતો
ઝાકળનો ધીમો પગરવ
એ પછી
કાળમીંઢ અંધારને ભેદી
પ્રસરી રહેતું
દિવ્ય ચૈતન્ય,
તેજોમય ચૈતન્યના રસપાનથી
પોયણીમાં પાંગરતી જતી સ્થિતપ્રજ્ઞતા
અને દૂર
ઊઘડતી જતી નવ્ય ક્ષિતિજ .
સૂર્યોદય એટલે
અખિલ બ્રહ્માંડના
અલૌકિક એકત્વને
આત્મસાત કરવા મથી રહેલાં
બે સોનેરી પ્રકાશપુંજ
એક સૂરજમુખી
અને બીજી હું.
– गोपाली बुच