ગઝલ
૧ )
મારી તરસનો પ્રશ્ન સળગતો ઊભો હતો,
એ પણ ખરું કે માર્ગમાં દરિયો ઊભો હતો.
તારી નજરમાં આવવું ગમતું હતું મને
હું એટલે તો ભીડથી અળગો ઊભો હતો
મેં જિંદગીના ઓરડામાં ડોકિયું કર્યું
બેઠી’તી આફતો અને જલસો ઊભો હતો.
એને મળ્યું છે સ્વર્ગ ફકત આ જ કારણે
એ નર્કની કતારમાં સરખો ઊભો હતો
નિષ્ફળ ટકોરા દઈને જે પાછી વળી ગઈ
સૌ દ્વાર પર એ ચીસનો પડઘો ઊભો હતો
કિલ્લાની જેમ આપણો વિશ્વાસ આખરે
અડધો પડી ગયો અને અડધો ઊભો હતો
મુંગાે રહીને એક પગે તપ કરે છે જે,
એવો જ સહુની ભીતરે બગલો ઊભો હતો
*******************
૨ )
જ્યાં વિચાર્યું કે હવે પગલું ભરો,
છત સુધી ઉંચો થયો છે ઉંબરો.
સૌ અબોલાના પગરખાં કાઢશે,
સ્મિતની બસ શેતરંજી પાથરો.
માનવીમાં છે નવી ફેશન હવે,
જેમ ફાવે એમ ઈશ્વર ચીતરો.
કંઈ ખરીદું જાતને વેચ્યાં વગર,
એટલી તો વ્યાજબી કિંમત ભરો.
આપનું આ આવવું ટોળે વળી !
આપણે મળવું નથી પાછા ફરો.
સ્હેજ ફાવ્યું ઘર મને વર્ષો પછી,
ત્યાંજ માલિકે કહ્યું ખાલી કરો.
– भाविन गोपानी