ગઝલ
ખૂબ ઘૂંટાયા પછી ઘેરો થયો છે એકડો
અંક ભૂલાયા પછીથી આવડ્યો છે એકડો
સાવ સાચી વાત છે કે હું મને મળતો નથી
આયનો તુટ્યા પછી ખરતો રહ્યો છે એકડો
કઇ અદાલતમાં તમે આ સત્યને ઢસડી જશો?
સાવ ખોટી વાતથી સાચો ઠર્યો છે એકડો
હાથની રેખાનુ છે ઊંડાણ એવુ આગવુ
કેટલું ડૂબ્યા છતા તરતો રહ્યો છે એકડો
લે, હું આ તૈયાર, તું જે થાય તે કરતો રહે!
જિંદગીના મારથી રીઢો થયો છે એકડો
અંત ને આરંભની સંકલ્પના છે અટપટી
છેક પહોંચીને પછી પાછો ફર્યો છે એકડો
*************************************
સજળ એની આંખો હજી કંઇ કહે છે
જરૂરથી આ રણની તળે કંઇ વહે છે
સવાલો ન પુછ્યા કદી એટલે, કે
એ એવી જ રીતે મને પણ ચહે છે
સમય અહીં સ્થગિત છે, ઉધામા નિરર્થક,
ટકી એ શકે જે, એ ક્ષણમાં રહે છે
પ્રતિક્ષાના કોઇ વિક્લ્પો નથી અહીં
પ્રસવની આ પીડા ખુદા પણ સહે છે
– चिंतन नायक