સાચને ન આવે આંચ
સત્ય જો શાશ્વત હોય તો ભલા તેને આંચ કેવી રીતે આવી શકે? ઓશોએ કહ્યું છે, “આનંદ, સત્ય કી પરિભાષા હૈ.” સત્ ચિત્ આનંદ માણસની મૂળ પ્રકૃતિ રહી છે. સત્યમ્ શિવમ્ સુન્દરમ્.
સમય અને સાબિતીની રાખ જ્યારે ઊડી જાય છે ત્યારે નગ્ન સત્ય અસલ સ્વરૂપે પ્રગટ થાય છે. માનવનો રાક્ષસ સ્વભાવ સોહામણા સત્યને કળિયુગના પ્રભાવ તળે કદરૂપું બનાવી દે છે. પછી કોર્ટનાં કઠેડામાં ઊભા રહીને દરેક વ્યક્તિ પોતાની જુબાનીમાં ગીતા પર હાથ મૂકીને કહે છે, “હું જે પણ કહીશ તે સત્ય કહીશ.” સત્ય એક જ હોય છે તો પછી એક જ કેસ માટેની દરેક જણની અલગ અલગ જુબાની સત્ય કેવી રીતે હોઈ શકે? માનવનું દાનવરૂપ અલગ અલગ દ્રષ્ટિકોણથી પ્રગટ થાય છે. સીધા-સાદા સત્યને પુરવાર થતાં ક્યારેક વર્ષો નીકળી જાય છે. કોર્ટમાં “सत्यमेव जयते” લખેલું હોય છે છતાં ક્યાંક સત્યનો વિજય થાય છે તો ક્યારેક સત્ય સુપ્રીમ કોર્ટમાં પણ મૂંગે મોઢે હાર સહન કરી લે છે. પરંતુ મૃત્યુથી પર ચિત્રગુપ્તની સભામાં દેવ હોય કે માનવ, કરેલાં કર્મોનાં લેખાજોખામાંથી કોઈ બાકાત રહી શકતું નથી. સત્ય પ્રગટ થઈને પુરવાર થાય જ છે કારણકે “સાચને ન આવે આંચ.”
અસત્ય બોલવું ગમતું નથી. ક્યારેક જૂઠું બોલતાં અંદર બેઠેલો ઈશ્વર ટોકે છે. પરંતુ ગભરુ માનવ ડરથી કે પોતે કરેલાં પાપથી બચવા અસત્યનો સહારો લે છે. આ કળિયુગનું પ્રમાણ છે. પરંતુ સત્સંગ સાથે જોડાયેલી વ્યક્તિ સત્યના રાહ પરથી ડગતી નથી.
સત્યથી શ્રેષ્ઠ કોઈ ધર્મ નથી પરંતુ જૂઠું બોલવું એ કળિયુગનો મંત્ર બની ગયો છે. હા, સત્યને સાબિત કરવા ધીરજ ધરવી પડે છે. એક જૂઠને સાબિત કરવા સો વખત જૂઠું બોલવું પડે છે. જ્યારે સત્ય બોલવું સરળ હોય છે, તેના માટે કોઈ વિચાર કરવો પડતો નથી. છતાં લોકો જૂઠું બોલતાં અચકાતાં નથી. જૂઠના પાયા પર ઊભી થયેલી ઇમારત ક્યારે કકડભૂસ થાય અને તેનાં માઠાં પરિણામ આવે એ તો ઈશ્વર જ જાણે!
બાળક ધર્મ સાથે જોડાયેલું રહેશે તો તે સારા-નરસાનો, સત્ય-અસત્યનો વિવેક શીખશે. અને પોતાની જાતને બચાવીને પોતાનું આગવું વ્યક્તિત્વ ઉપસાવી શકશે. કૂમળો છોડ વાળીએ તેમ વળે. જો સત્ય વિશે પ્રહલાદ, યુધિષ્ઠિર, સત્યવાદી હરિશ્ચંદ્ર, નરસિંહ મહેતા, ગાંધીજીની વાતોને પોતાના ધર્મ સાથે સાંકળીને બાળકો પાસે રજૂ કરવામાં આવે તો ધર્મનાં મૂળ ઊંડા જવાનાં અને આવનાર પેઢીનું ભવિષ્ય ચોક્કસ ઊજળું રહેવાનું. દરેક સંપ્રદાય સત્યનો મહિમા ગાય છે. સત્યનું આચરણ એ ધર્મનું એક અંગ છે. અસત્ય પર સત્યની જીત એટલે નવરાત્રી પછી આવતો વિજ્યાદશમીનો તહેવાર. હોલિકાનું દહન એટલે સત્યનો વિજય. સત્યને મઠારીને બોલવું તે પણ એક કળા છે. જેમકે મહાભારતનાં યુદ્ધમાં બોલાયેલું, “અશ્વત્થામા મરાયો, હાથી પણ હોઈ શકે!”
સત્ય ભલે કડવું, કપરું કે આકરૂ હોય, પરંતુ સત્યથી એક પ્રકારની ચેતનાનો પ્રકાશ પ્રગટે છે. જેનાથી અંતઃકરણમાં અજવાળું થાય છે. પરિણામે દગો, લોભ, મોહ, અહંકાર, રાગ, દ્વેષ વગેરેની મલિનતા દૂર થઈ શુદ્ધતા, સાત્વિકતા, સરળતા, અને સહજતાનો પ્રકાશ આવિર્ભાવ થાય છે. આ જ ધર્મ છે. જ્યાં ધર્મ છે ત્યાં વિજય નિશ્ચિત છે.