ભાગ-૪: સૂરજ ઉગશે?
વળતી સવારે અમે સૌ ફરી પાછાં બિસ્તરાં-પોટલાં લઇને કાઝા જવા નીકળી પડ્યા. આટલા દિવસોમાં આતંરિક નિર્મળતા અને આનંદને અપરંપાર અનુભવ્યા હોવા છતાં હવે અમારે ફિલ્મસ્ટાર્સ જે હોટલમાં રોકાય છે એમાં રોકાવાનું છે એ જાણીને થોડો ભૌતિક આનંદ તો થઇ જ આવ્યો! કાઝાના માર્ગે હવે ધીમે ધીમે ઓછી થતી હરિયાળીએ સદંતર દેખા દેવાનું બંધ કર્યું છે. આસપાસ બધું જ સૂકું અને ધૂળિયું છે. ખળખળ વહેતી બાસ્પાને બદલે હવે લગભગ કોરી સ્પિતિ નદી જોવા મળશે એની કલ્પના કરવામાં મન પરોવાયેલું છે. રસ્તામાં કુદરતી કરિશ્માના અદભૂત નમૂનારૂપ રેત શિખરો અને કોતરો છે. ચંદ્ર પર ઊતરી આવ્યા હો એવી ભ્રાંતિ કરાવતી સફેદ માટી આ વિસ્તારની સુંદરતામાં ચાર ચાંદ લગાવે છે. અહીં આજના દિવસનાં વિરામ પછી અમારે આવતી કાલે પિન વેલીમાં ઉજવાઇ રહેલા કોઇ બુદ્ધ પર્વનો લ્હાવો લેવાનો છે અને બીજા દિવસે બરફની દુનિયાનાં ટોચ સમા કુંઝુમ ખાતે સ્નો-ટ્રેઇલ કરવાની છે. ફરી પાછું બરફનું નામ પડતાં જ સૌના મોઢાં મલકાઇ ઊઠ્યા. કોને ખબર હતી કે આગળ ઉપર બરફમાં જ રાતવાસા કરવાનો વારો આવવાનો છે.
ભગવાન બુદ્ધ અને બૌદ્ધ ધર્મ બંને મને હંમેશાથી આકર્ષતા રહ્યા છે. વળી, મનાલી અને નગરમાં જોવા મળતા બૌદ્ધ મંદિરો અહીં જોવા મળતાં બુદ્ધ ગોમ્પા અને મોનેસ્ટ્રી કરતા સાવ જૂદા પડે છે. બુદ્ધની દરેક પ્રતિમામાં એમની આંખ કાં તો ઢળેલી છે અથવા બંધ છે. ઊંચા ખડતલ અને ગુણવાન ગણાતા બુદ્ધની અમુક પ્રતિમામાં સ્ત્રી-સહજ લચક અને અંગભંગીઓ પણ જોવા મળે છે. કી મોનેસ્ટ્રીમાં ભણતા લામાઓ ઘેરા લાલ રંગના ચીવરવસ્ત્રો પહેરે છે. આટલી ઠંડીમાં પણ તેઓ ખાડા-ટેકરાવાળા પ્રદેશમાં માત્ર આટલું પહેરીને સહજતાથી હરેફરે છે. ઉપરાંત, જાણે એમનાં વસવાટથી આ પ્રદેશની ઓળખમાં ઉમેરો થતો હોય એવું લાગે છે. હું કોઇ બુદ્ધ રિસર્ચર ન હોવા છતાં આ રહસ્યમયી બુદ્ધત્વ મને આકર્ષે છે. કી ગોમ્પામાં પ્રવેશતાં જ કોઇનાયે કહ્યા વગર સૌ શાંત થઇ ગયા. બુદ્ધની પરમશાંતિદાયી પ્રતિમાની ડાબે અને જમણે સીધી ઊભી હારમાં બેઠેલા લામાઓ પોતપોતાના ટેબલ પર મુકેલા ગ્રંથમાંથી કાંઇક રટણ કરી રહ્યા છે. થોડી-થોડી વારે એક મોટા ઢોલ જેવું વાજિંત્ર વગાડવામાં આવે છે અને તરત જ બધા લામાઓ પોતાની પાસે મુકેલા પાત્રમાંથી કાંઇક પીવે છે. આ આખુંયે વાતાવરણ જેટલું કૂતુહલપ્રેરક છે એનાં કરતાંયે ધ્યાન-આંદોલિત અને સમાધિ-પ્રેરક છે. મુલાકાતીઓ માટે નિયત જગ્યા પર બેસીને કયારે મેં આંખ મીંચી એનો મને પણ ખ્યાલ રહ્યો નહિ. ધ્યાનસ્થાવસ્થા દરમિયાન આસપાસ શું બન્યું એ તો ઠીક પણ અગાઉ તીવ્રતાપૂર્વક અનુભવાતા પ્રશ્નોનો જવાબ મેળવવાની દરકાર સુધ્ધા મેં કરી નહિ. ગર્ભગૃહમાંથી પાછા ફરતાં મારા પગલાં મને કંઇક જૂદા જ લાગ્યાં. કી ગોમ્પામાં વીતાવેલી એ વીસ મિનિટે મારી ઓળખાણ મેં પૂર્વે નહિ અનુભવેલી જાત સાથે કરાવી આપી. વિચારો અને તર્કથી ઊંડું અને મહત્વનું પણ કંઇક હોય છે. જેને અનુભૂતિ કહે છે, એ મને સહજતાથી સમજાઇ ગયું. એટલી સહજતાથી કે કદાચ બુદ્ધને આખી જિંદગી વાંચ્યા હોત તો પણ કદાચ આટલી સહજતાથી ના સમજાત! આ અનુભવ બાદ, પહેલા નૈસર્ગિક અને પછી સાંસ્કૃતિક અવલોકનો તરફ વળેલી મારી વૃત્તિને પ્રવાસ માણવાનો નવો જ પરિપ્રેક્ષ્ય સાંપડ્યો – અનુભૂતિનો! સ્વ સાથેનાં નિર્વચનીય સંવાદનો!
કુંઝુમ પાસ પરનાં બરફનો અનુભવ ખૂબ જ રોમાંચક રહ્યો. જવલ્લે જ જોવા મળતા દેવોના વાહનો જેવા, સફેદ નહિ પણ શ્વેતરંગી બરફી કૂકડા અને બિલાડી જોયાં. અહીંના પ્રાણીઓ-પક્ષીઓ માત્ર સુંદર જ નહિ પણ આપણે ત્યાંના સામાન્ય કૂકડા અને બિલાડીઓ કરતાં લગભગ પાંચેક ગણા મોટા હોય છે. અત્યાર સુધીની મુસાફરીમાં જોયેલાં હિમાલયી શિયાળ, ગરુડ, લેમોરગીઅર ગીધ, બઝર્ડ પક્ષી, વગેરે પણ આ નિયમમાંથી બાકાત નથી. માત્ર એ જ નહિ, પણ ચારેય તરફ ૩૬૦ અંશના વિસ્તારમાં માત્ર બરફનાં પહાડોનો નજારો જોયા પછી હિમાલયને સાંગોપાંગ અનુભવ્યાનો ઊંડો સંતોષ થયો. વળી, લોસર ખાતેના અમારા ટૂંકા ગાળાના મુકામ દરમિયાન થોડો કમોસમી સ્નો-ફોલ પણ માણવા મળ્યો. હિમાચલ પ્રદેશમાં બરફનો આનંદ વ્યક્ત કરવા અમે અમારા ગુજરાતીપણાનો આશરો લીધો અને દીકરીનાં લગ્ન ઉજવતાં હોઇએ એમ અમે સૌએ બરફના વરસાદને માણતાં-માણતાં ચોગાન ફરતે ગોળ-ગોળ ગરબા લીધાં. આનંદના એ આવેશમાં કોઇને અંદેશો આવ્યો નહિ કે આ કમોસમી બરફ વર્ષા શેની એંધાણી આપી રહી છે!
એક બાફેલું બટાકું અને તીખી પૂરીનો મિલિટરી નાસ્તો લઇને અમે અમારા પ્રવાસનાં સૌથી આકર્ષક અને લાંબા ટ્રેક ચંદ્રતાલ જવા માટે નીકળી પડ્યાં. અમુક વડીલો અમારી સાથે આવવાની અવેજીમાં આગળનાં મુકામે અમારાથી વહેલા પહોંચીને ત્યાંની જરૂરી વ્યવસ્થા કરવા રવાના થઇ ગયાં. અમારા આ આગામી મુકામ બાતલ વિશે મને પહેલેથી જ શંકાઓ હતી. અમને જણાવવામાં આવ્યા મુજબ આ જગ્યા કોઇ ગામ નહિ પણ ઘેટાં-બકરાં ચરાવનારાં ભરવાડોના નેસ અથવા તો ઢાબા જેવું હતું. પથ્થર ઉપર પથ્થર ગોઠવીને, ગારમાટી પૂરીને બનાવેલી દિવાલો ઉપર પાથરેલી તાડપત્રી એટલે અમારું એકરાતનું નિવાસસ્થાન! શૌચાલય લેવી કોઇ વ્યવસ્થાની આશા રાખવી પણ મૂર્ખામીભર્યું હતું. અસ્ખલિત વહેતી ચંદ્રા નદીનો કિનારો અને એકાદી શિલા-પથ્થરની આડશ એ જ શૌચાલય! કાંઇ નહિ, એક જ રાત કાઢવાની છે એમ કહીને મેં મન મનાવ્યું હતું. ચંદ્રતાલનો પ્રવાસ અધવચ્ચે જ પડતો મૂકીને અમારે ખરાબ હવામાનને કારણે સાંજ સુધીમાં બાતલ પહોંચી જવું પડ્યું. સામો મળેલો ઘેટાંબકરાંનો સમુહ અને ભરવાડ અમને નાહકનાં જ ડરી ગયેલા જાણીને આત્મવિશ્વાસથી આગળ નીકળી ગયો. બાતલ પહોંચ્યાં ત્યારે રડ્યાં-ખડ્યાં અમી છાંટણાથી ભીની થયેલી માટી મહેકી રહી હતી. ચંદ્રા નદી પરનો નાનો પુલ પાર કરીને તરત જ અમારા ઢાબે પહોંચી જવાતું. નફિકરાઈથી વહી જતી ચંદ્રાનો અવાજ અને સામેની કથ્થાઈ રંગની ટેકરીઓ અનેરી જ આભા ઊભી કરી રહ્યા હતા. આકાશ તરફ મીટ માંડવાનું તો મને સૂઝ્યું જ ન્હોતું. વેળાસર જમીને ગારમાટી અને પથ્થરની ઓટલીઓ પર સ્લીપિંગ બેગ પાથરીને અમે સૌ સૂઇ ગયા. આખી રાત ઢાબાનાં માલિક “ચાચા-ચાચી” કંઇક ગડમથલ કરી રહ્યા હોય એમ લાગતું હતું, પણ આખો દિવસ ચાલીને થાકેલા અમે હવે ગાઢ નિંદ્રામાં પોઢી ગયા હતા. સૂતા પહેલા, મનમાં કહ્યું હતું કે હે ભગવાન, વહેલી પાડજો સવાર, કે અમે અમારા પ્રવાસના છેલ્લા મુકામેથી નીકળીને સાંજ સુધીમાં મનાલી પરત પહોંચી જઇએ.
ભાગ- ૫: જીવન એટલે
કાઝાથી લગભગ ૧૦૦ કિલોમીટર અને મનાલીથી લગભગ ૨૦૦ કિલોમીટર દૂર અમારા બાતલ મુકામે બીજા દિવસની સવાર પડી. આંખ ખોલી તો આંખ ચોળવાનીયે સમજ ના પડે એવું દ્રશ્ય અમારી સામે ખડું હતું. અમારા ઢાબાનો દરવાજો ત્રણેક ફીટ પૂરી દઇને ગઇકાલ સુધીનું વિવિધરંગી વિશ્વ માત્ર શ્વેતરંગી થઇને ઊભું હતું. રાતભર અનરાધાર થયેલી બરફવર્ષાને લીધે અમારું રહેઠાણ, અમારી જીપ અને આસપાસની સમગ્ર સૃષ્ટિ બરફથી ઢંકાઇ ગઇ હતી. વાતની ગંભીરતા સમજાય ત્યાં સુધી તો અમે બધાએ મનભરીને સ્નો ડાન્સ કર્યો, સ્નો-મેન બનાવ્યો, ગાજરની જેમ જામી ગયેલા બરફના આઇસીકલ્સ ખાધાં, ઘુંટણભેર બરફમાં ચાલવાનો આનંદ લીધો, બરફનાં ગોળાથી રમત-યુદ્ધ કર્યું, પણ થોડા જ કલાકોમાં સમજાયું કે આ બરફવર્ષા કમોસમી કુદરતી હોનારત છે અને સતત બીજા બે દિવસ ચાલુ રહેવાની સંભાવના છે. ઠંડીને લીધે તો ખરાં જ પણ હવે ખરેખર ભયથી સૌનાં હાથપગ થીજી ગયાં. મોઢું વકાસીને સૌ એકધારી નજરે અમારાં ગૃપલીડર કવિમિત્ર તરફ પ્રશ્નાર્થ દ્રષ્ટિએ તાકી રહ્યાં. કવિમિત્રએ હકીકતનો પરદો ફાર્શ કર્યો, “છેલ્લાં પાંત્રીસ વર્ષોમાં ના થઇ હોય એવી કમોસમી બરફ વર્ષા થઇ રહી છે. આપણે ફસાઇ ગયા છીએ. અહીંથી ક્યારે નીકળી શકીશું એનો કોઇ ભરોસો નથી. અહીં વીજળી નથી એટલે કોઇનાં મોબાઇલ વધુ ચાલશે નહિ. મોબાઇલ નેટવર્ક આ વિસ્તારમાં પકડાતું નથી, એટલે બેટરી જીવંત હોય એમનાં મોબાઇલ પણ કંઇ કામનાં નથી. આપણી પાસે સેટેલાઇટ ફોન નથી. બહારની દુનિયા સાથે સંપર્ક કરવાનો કોઇ ઉપાય આપણી પાસે નથી. અહીં આસપાસમાં કોઇ ગામ કે પોલિસમથક પણ નથી. નસીબજોગે, આ ઢાબાના માલિક પાસે આપણાં ચાલીસ જણનાં કાફલા માટે ત્રણ મહિના સુધી પૂરતો થઇ પડે એટલો ખાદ્યમાલ છે, એટલે આપણે ભૂખ્યાં નહિ મરીએ. બરફ પડતો બંધ થાય તો સૌથી પહેલા બુલડોઝરને બરફમાંથી બહાર કાઢી, એ જ બુલડોઝર આપણો માર્ગ સાફ કરે ત્યારે પછી આપણે આપણા વાહનો સાથે આગળ જઇ શકીશું.” અત્યાર સુધી આનંદદાયી લાગેલા બરફનો એક મોટોમસ ગોળો જોરથી માથામાં વાગ્યો હોય એમ સહુના મન સુન્ન થઇ ગયા. કેટલીયે વાર સુધી કોઇ કંઇ બોલ્યું નહિ અને ખાઇ-પીને સૌ પોતપોતાની પથારીઓમાં ઠુઠવાતાં પડી રહ્યાં. તાપમાન હવે -૭ અંશ જેટલું ઠરી ગયું હતું. ઊંઘ તો કોઇને આવે એમ નહોતી, પણ નછૂટકે આંખ મીંચી સૂવાનો ડોળ કરી રહ્યાં હતાં.
બીજો દિવસ પણ આમ જ વીતી ગયો. સાંજ પડે બરફનું જોર થોડું ઘટ્યું હતું. સાથે લાવેલી બીજી નવલકથા હવે પૂરી થવામાં હતી. ઠંડીથી બચવા સાથે લાવેલા લગભગ બધાં જ કપડાં પહેરી લીધાં હતાં. જે શૌચાલયની સૂગ હતી એ સૂગનું તો નામોનિશાન રહ્યું નહોતું, એકમાત્ર જિજીવિષા અને દૈહિક ધર્મો જ ચાલકબળ હતાં. બરફને લીધે ક્યાંય અવરજવર પણ શક્ય ન્હોતી. બેઠાં-બેઠાં જ અમે બે દિવસ કાઢી નાખ્યાં. ત્રીજા દિવસની સવારે, લગભક ૩૬ કલાક અસ્ખલિત વરસેલી હિમવર્ષા અટકી. બપોર સુધીમાં જ્યારે આકાશમાં સૂરજ દેખાયો ત્યારે જાણે વેનિલા આઇસ્ક્રીમના બનેલા વિશ્વમાં અમે રહેતાં હોઇએ એવી લાગણી થઇ. વળતી જ ક્ષણે યાદ આવ્યું કે જે ટ્રેનમાં અમે દિલ્હીથી મુંબઇ પાછા ફરવાનાં હતાં એ ટ્રેન આજે નિયત સમયે અમને લીધાં વગર જ નીકળી જશે. હજી કાલ સુધી અમારું તારણહાર બુલડોઝર કામ કરી શકશે નહિ એવી બાતમી પણ મળી. થાકેલાં-હારેલાં અમે સૌ ફરીથી બરફ જોડે જાતજાતની રમત કરવામાં પડ્યાં. અચાનક કમકમાટી છૂટી જાય એવી ઘટના બની! ચંદ્રતાલથી પાછા ફરતાં સામે મળેલો પેલો ભરવાડ અત્યારે મરણતોલ થઇને કોઇના ખભે લદાઇને આવતો દેખાયો. એની જોડે ગયેલાં લગભગ ચારસોએક ઘેટાંમાંનું એક પણ બચ્યું નહોતું. બધાં બરફમાં દટાઇ ગયાં. મોતનાં મોઢાંમાંથી બહાર આવવું એટલે શું એ ખરેખરું સમજાયું. જો અમે પાછા ફરવામાં થોડું મોડું કર્યું હોત તો અમારી હાલત પણ પેલાં ઘેટાં-બકરાં જેવી જ થઇ હોત એમાં કોઇ બેમત નહોતો! વાતાવરણ હળવું કરવા મેં અને કેટલાક સાથીઓએ ભેગા મળી આજે સૌ માટે થેપલા રાંધવાનું ઠરાવ્યું અને લગભગ દસેક કિલો લોટ લઇને અમે મંડી પડ્યાં.
સૌ કોઇ બહારથી કઠણ અને સ્થિર રહેવાનો પ્રયત્ન કરતું, પણ સૌ કોઇ એકલે ખૂણે જઇને છાને અવાજે રડી લેતું. હાઇ ઓલ્ટીટ્યુડ સિકનેસના જાતજાતના પરિમાણો જોવા મળ્યાં. કોઇ કારણ વગર ઝઘડી પડ્યાં, તો કોઇ અટકી જ ન શકે એમ રોઇ પડ્યાં. આ બધાં પૈકી મને ખૂબ ગુસ્સો આવવા લાગ્યો હતો. મૂળે મારો સ્વભાવ લડાકુ અને છેક છેલ્લે સુધી મરણિયા સુધ્ધા, પણ પ્રયાસો કરતા રહેવાનો! મારાથી માત્ર રાહ જોયા કરવી શક્ય નહોતી. મારું મુંબઇ પહોંચવું ખુબ જરૂરી હતું. મારા ડિપાર્ટમેન્ટ તરફથી મારા જેવા સૌ તેજસ્વી વિદ્યાર્થીઓને નોકરી અને આગળ ભણવાની તકો મળવાની હતી. હું ગેરહાજર હોઇશ તો મારી જ્ગ્યા કોઇ બીજાને આપી દેવાશે અને મારી જિંદગીની પહેલી અમુલ્ય અને જાત મહેનતથી મળી શકતી નોકરીની તક હું ગુમાવી બેસીશ એ વિચારે મારી હતાશા ગુસ્સો બનીને બહાર આવવા લાગી. સાવ ક્ષુલ્લક બાબતે મેં મારાથી પાંચેક વર્ષ નાના બાળકો જોડે ઝઘડાં કર્યાં. અમારા ગૃપલીડર અને મારાં આટલાં જૂના કવિમિત્રને પણ મેં ખરુ-ખોટું કહી સંભળાવ્યું! કેમ જાણે કુદરત સામેની આ પરવશતા મને કબુલ ન્હોતી.
ચોથે દિવસે સવારે લાહોલ-સ્પિતિ જિલ્લા પોલિસની એક ટુકડી સો કિલોમીટરનો બરફ ખૂંદતી અમને શોધતી આવી. અમારાં નામઠામ નોંધ્યાં અને અમારા સગા-વ્હાલાઓને અમારા સમાચાર પહોંચાડવાની ખાતરી આપી, અમને ઝડપથી ઉગારી લેવાની બાંહેધરી આપી તેઓ ચાલ્યા ગયાં. સાંજે પણ આથીયે વધુ આશ્ચર્યજનક એક ઘટના બની. હિમાલયના છેક જ વિરોધાભાસી હવામાનમાં અમારા મુકામની લગોલગ એક દરિયાઇ સી-ગલની બેલડી ચક્કર મારી રહી હતી. જાણે અમારી ભાળ કાઢવા જ ના આવી હોય! લગભગ અમારાં માથાં લગોલગ પસાર થતી એ બેલડી અમારા ચાલીસ જણાનાં સમુદાયથી જરાય ભયભીત થયા વિના અમને અવલોકતી ત્યાંથી રવાના થઇ ગઇ. કોણ જાણે કેવી રીતે પણ માત્ર યાતનાઓ અને મુસીબતોથી ઘેરાયેલા મનગગનમાં આ પંખીઓએ જાણે આશા અને સાંત્વનનું મેઘધનુષ ચીતરી દીધું! લગભગ પચાસ વર્ષથી ત્યાં જ રહેતા ચાચુએ પણ અગાઉ કદી જ આવું પક્ષી આ વિસ્તારમાં જોયાની ના પાડી દીધી! કારણ ગમે તે હોય, પણ અમારા માટે તો એ પંખી બેલડી દૈવી સંદેશ જેવી હતી અને થયું પણ એવું જ, બીજા જ દિવસે સવારે મુખ્યમંત્રીનું હેલિકોપ્ટર અમને વારાફરથી ઉગારી લેવા માટે હાજર થઇ ગયું. પૂરા ત્રણ દિવસની અથાગ મહેનતથી અમે સૌ હેલિકોપ્ટર દ્વારા ઉગરીને મનાલી ખાતે પહોંચી ગયાં. અમુક સ્વાર્થી અને ત્રસ્ત લોકો બીજા સાથીઓ આવે એની રાહ જોયા સિવાય જ પ્લેનમાં મુંબઇ રવાના થઇ ગયાં. મનાલી પહોંચતાં જ મને મોબાઇલ પર મેસેજ મળ્યો કે પેલી મહામૂલી જોબ મને મળી ગઇ છે અને હું મુંબઇ પાછો પહોંચું ત્યાં સુધી એ લોકો રાહ જોશે, પણ આ બધી ક્ષુલ્લકતાથી મારું મન હવે પર હતું. જિંદગીના સૌથી મહત્વના પાઠને સમજવામાં હું ગળાડૂબ હતો.
સાવ નાનો હતો ત્યારે મારા શિક્ષકોની વાત ઉપરથી મને લાગતું કે વિચાર એ માણસની સૌથી મહત્વની મૂડી છે. થોડાં સમય પછી, લગભગ કિશોરાવસ્થામાં જણાયું કે લાગણી અને ભાવનાત્મકતા વગરના વિચારો નકામાં છે, માટે લાગણીઓ સર્વોપરી છે. મનોવિજ્ઞાનનો અભ્યાસ કરતાં જણાયું કે અનુભૂતિથી ઉપરવટ કોઇ મનોસ્થિતિ ન હોઇ શકે. પરંતુ આ પ્રવાસનાં અંતે મને હજી કંઇક જૂદું જણાય છે. જેમ કુદરત સામેની પરવશતાએ મને ધીરજ અને મક્કમતાનો પાઠ શીખવ્યો એમ જ આવા કેટલાયે પાઠ કુદરત મને શીખવતી રહેશે. પણ જો હું આ વાસ્તવિકતાથી અજાણ અથવા તો અળગો હોઇશ તો શીખવાનો એ મોકો પણ હું ગુમાવીશ, માત્ર અજાગરુકતાને કારણે! જિંદગી પણ ક્યાંકથી ક્યાંક સુધી આગળ ને આગળ પહોંચતા રહેવાની પ્રક્રિયા છે, પ્રવાસની જેમ જ! આ જાગરુકતા જો મારામાં હશે તો કદાચ એ સર્વોપરી નહિ તો પણ ચોક્ક્સ જિંદગીના પાયારૂપ હશે.