દેવે સો દેવતા
કહેવત છે “દેવે સો દેવતા”. જે દે તે દેવતા છે. માટે જે દે છે, આપે છે તે પૂજાય છે. આ કહેવતમાં દાન, દાતા અને દેવતાની વાત કરવામાં આવી છે. જેણે સૃષ્ટિનું સર્જન કર્યું છે તે સર્જનહાર એટલે કે ઈશ્વર. ગણેશજીથી માંડીને તમામ દેવી-દેવતાઓનું આવશ્યકતા પ્રમાણે પૂજન થતું આવ્યું છે કારણકે ઈશ્વરીય શક્તિ દેનાર છે.
દેવતા બનવું સહેલું નથી. ત્યાગીને ભોગવવાની વાત ઈશાવાસ્ય ઉપનિષદમાં કહી છે. એ માતા જ કરી શકે. માતા બદલાની આશા રાખ્યાં વગર હંમેશા આપ્યા જ કરે છે. માટે “મા” દેવી છે, પૂજનીય છે. તેવી જ રીતે જન્મદાતા પિતા દેવતા છે. વંદનીય છે. સંત પુરુષો કે ગુરુની કૃપા વરસે તો તમામ પાપકર્મો કે મલિન સંસ્કાર બળીને ભસ્મ થઈ જાય છે. પ્રારબ્ધ બદલાઈ જાય છે. ગુરુ જ્ઞાનરૂપી વિદ્યાનું સિંચન કરીને શિષ્યને સફળતાનાં શિખર સર કરાવે છે. અન્નદાન ઘણી મોટી વાત છે પણ વિદ્યાદાન તેનાથી પણ શ્રેષ્ઠ છે. અન્નથી થોડો વખત તૃપ્તિ અનુભવાય છે પણ વિદ્યા વડે આજીવન તૃપ્તિ મળે છે. ગુરુ આપ્યા જ કરે છે માટે “ગુરુ દેવો ભવઃ”. પિતૃગણ, વડીલ કે આંગણે આવેલ અતિથિ આશીર્વાદ આપે છે માટે દેવતા સમાન ગણીને પૂજાય છે.
પ્રથમ પૂજિત દેવતા સૂર્ય નારાયણ છે. કારણ કે કોઈપણ અપેક્ષા વગર એ નિયમિત આપે જ રાખે છે. દીપ સૂર્યનું પ્રતીક છે. અંધારું દૂર કરી પ્રકાશ ફેલાવે છે માટે તેનું દેવ તરીકે પૂજન થાય છે. હિંદુ સમાજમાં ગાય પૂજનીય છે. તે દૂધ, છાણાં, ગૌમૂત્ર આપીને ખેતીમાં તેમજ અન્ય રીતે ઉપયોગી છે માટે તેને માતાનું સ્થાન આપ્યું છે. આપણી સંસ્કૃતિમાં નદીને લોકમાતા ગણી છે. જળ એ જીવન છે માટે પૂજનીય છે. ઘણાં વૃક્ષ અને વનસ્પતિ સંજીવનીનું કામ કરે છે. તે ફળ-ફૂલ, પાન, થડ, મૂળિયા તેમજ છાંયડો આપે છે. ધરતી જે સઘળું ધારણ કરે છે તે દેવી સ્વરૂપ છે. શાસ્ત્રોમાં આ બધાનું પૂજન જરૂરી ગણ્યું છે.
પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, અને આકાશ માનવ શરીરના પાંચ તત્વો છે. જેના આધારે શરીર ટકે છે. આ પાંચ તત્વ પ્રકૃતિમાં પણ જોવા મળે છે. એક પણ તત્વની કમી હોય કે અસંતુલન થાય તો શું થઈ શકે તે વિચારવું જ રહ્યું! માટે આ દરેક તત્વની દેવતા ગણીને પૂજા થાય છે.
આપણે દેવી – દેવતા બની શકવાનાં નથી પરંતુ દૈવી ગુણ ધરાવવાની કોશિશ જરૂર કરવી જોઇએ. આપણી પાસે જે કંઈ છે તે અર્પણ કરો. “લૉ ઑફ ગિવિંગ”. તન, મન કે ધનથી આપવું. સંપત્તિ, સમય કે સ્માઇલ આપો. ભૂખ્યાંને ભોજન, નિર્ધનને ધન, તરસ્યાંને પાણી, વસ્ત્રહિનને વસ્ત્રો આપવા જોઈએ. કશું ના હોય તો હાથ તો છે ને! હાથોથી, વેદનાથી કણસતાં કોઈ માણસનાં આંસુ લૂછી શકો છો. જેના દિલનો દીવો નિરાશાની આંધીથી બૂઝાય ગયો છે એને માટે પ્રેરણાદીપ બની શકો છો. મન દ્વારા એનાં પ્રતિ શુભકામના પાઠવી શકો છો. મીઠી વાણીથી એને સાંત્વના આપી શકો છો. જરૂરિયાતમંદની જરૂરિયાત પૂરી કરી શકો છો. ત્યારે સામેનાનાં દિલમાં તમારું સ્થાન દેવતાથી ઓછું નહીં હોય. ત્યારે એમ કહેવાય છે કે ઈશ્વર મદદ કરવા સદેહે આવતો નથી પરંતુ તમને નિમિત્ત બનાવી તમને દાતા બનાવે છે. જે દેવતા સમાન કહેવાય છે. ઈશ્વર આપીને ક્યારેય કહી બતાવતો નથી. મનુષ્ય માટે નિઃસ્વાર્થ ભાવે કરેલાં ગુપ્તદાનનું મહત્વ રહ્યું છે. સંતોનું પણ કહેવું છે, સૃષ્ટિનો નિયમ છે, “જો બાંટોંગે વહી આપકે પાસ બેહિસાબ હોગા ફિર વહ ચાહે ધન હો, અન્ન હો, સમ્માન હો, અપમાન હો, નફરત હો યા મોહબ્બત”.
બિલ ગેટ્સ, વોરેન બફે અને તેમના જેવા બીજા કેટલાંક ધનવાનોએ તેમની ઘણી બધી જાગીર દુનિયામાં જરૂરિયાતમંદો માટે દાનમાં આપવાનું નક્કી કર્યું છે. ખરું દાન સરહદનાં સૈનિકો પોતાનાં દેશની સાથે વફાદારીપૂર્વક ફરજ નિભાવીને આપે છે. તમારી પાસે દેવા માટે કશું જ નથી તો તમારું મન એ એકજ એવી ચીજ છે જે ઈશ્વરને કહી શકે, “અનંત દોષોનો ગુલામ હું, અનંત ગુણોનાં માલિક તને શું આપી શકું?” અને મન ઈશ્વરને સોંપીને ઈશ્વર સાથે તાદાત્મ્યતા સાધીને એક બની જાઓ, જે સૌથી ઉત્તમ છે. રસ્તે જતાં શબને લોકો વંદન કરે છે. શા માટે? તે ખૂબ સુંદર સંદેશો આપે છે, “એકલાં જ આવ્યા મનવા, એકલાં જવાના”. કહેનારે કહ્યું છે, “તું દેવાદાર છું અને જગત લેણદાર છે માટે આપે જ રાખ નહીં તો પુનરપિ જનમમ્ નક્કી જ છે.”
તે ફળ મધુર છે જેને વૃક્ષ પોતે આપે છે. તોડીને લીધેલું ફળ ખાટું હોય છે. તેવી રીતે તે દાન મધુર છે, જેને દાતા પોતાની ઇચ્છાથી આપે છે. આગ્રહપૂર્વક લીધેલાં દાનમાં ખટાશ આવી જાય છે. આપ્યા પછી આવતો અહમ્ માણસના તમામ કર્મો ધોઈ નાંખે છે. આપનારનો હાથ હંમેશા ઊંચો હોય છે. દેનાર બનવું સહેલું નથી. કેટલાંય પુણ્ય કર્યાં હોય ત્યારે દેનાર બનાય છે. આપ્યા રહેવાથી તમારાં પુણ્યકર્મનું પડલું નીચું રહે છે, જે અનુભવે સમજાય છે.