જન્મ શતાબ્દી સ્વરપર્વ, સ્વ. દિલીપ ધોળકિયા
6 નવેમ્બર 2022 ના રોજ “કોકોનટ ઈવેન્ટ” ના સૌજન્ય થી પંડિત દિન દયાળ ઉપાધ્યાય ઓડિટોરિયમ માં ઉદય મઝુમદાર ના વિચાર બીજ અને સંકલન સાથે ગુજરાત રાજ્યનો ગૌરવ પુરસ્કાર તથા સુગમ સંગીત ફાઉન્ડેશન પુરસ્કાર થી સન્માનિત ગુજરાતના સુગમ સંગીત તથા ચલચિત્રજગતના જાણીતા ગાયક, સ્વરકાર તથા સંગીત નિર્દેશક સ્વ. દિલીપ ધોળકિયાનો જન્મ શતાબ્દી સ્વરપર્વ યોજાઈ ગયો.ખૂબ જાણીતા કથાકાર અને મોટીવેશનલ સ્પીકર કાજલ ઓઝા વૈદ્યના સુંદર, મુદ્દાસર અને માહિતીપૂર્ણ સંચાલનમાં, મિત્ર દંપતિ માનસી મજમુંદાર અને હરેન મજમુંદાર સાથે શ્રી દિલીપ ધોળકિયાના સ્વરાંકન થયેલા ગીતોને માણવાનો અવસર મળ્યો.
કરસનદાસ સાગઠીયા, રેખા ત્રિવેદી, ઉદય મઝુમદાર, હિમાલી વ્યાસ નાયક, ગાર્ગી વોરા, કલ્યાણી કોઠાળકર, પ્રહર વોરા, ઉપજ્ઞા પંડ્યા જેવા પ્રસિદ્ધ ગાયક કલાકારોએ મનમોહક સંગીત સાથે, તેમના સુમધુર અવાજમાં ગીતોની પ્રસ્તુતિ કરી. ઓડિટોરિયમ નું વાતાવરણ સંગીતમય બની ગયું. દિલીપ ધોળકિયા ના સ્વરબદ્ધ થયેલા ગીતો વિશે કાજલ બહેને કહ્યું કે કોઈ પણ ગીતને બે માતા હોય છે, એક જે તેની રચના કરે તે દેવકી અને બીજી તેને સંગીતથી સજાવે તે યશોદા.
ગાર્ગી વોરા ના સ્વરમાં ભાસ્કર વોરાનું ગીત “આ રંગભીના ભમરાને કહોને કેમ કરી ઉડાડું?ફૂલ-ફટાયો પજવે મુજને, ના પાડું? હા પાડું?..” હોય કે પછી હિમાલી વ્યાસ નાયકનાં સ્વરમાં હરીન્દ્ર દવે રચિત ગુજરાતી સુગમ સંગીતના અત્યંત પ્રિય ગીતોમાંનું એક એવું ગીત “એક રજકણ સૂરજ થવાને શમણે, ઉગમણે જઈ ઊડે, પલકમાં ઢળી પડે આથમણે …!” સાંભળવાની એક અનોખી અનુભૂતિ હતી.
“એક રજકણ..” ગીત વિશે કાજલ બહેને એક રસપ્રદ માહિતી આપી. ગીતની શરૂઆતમાં “એક” શબ્દ દિલીપભાઈએ કવિની અનુમતિથી ઉમેર્યો હતો. દિલીપભાઈ સંગીતકારની સાથે સાથે શબ્દકાર પણ હતા.
હિમાલી વ્યાસ નાયકનાં જ સુમધુર કંઠે ફિલ્મ“માડીના જાયા” (૧૯૭૬)નું ગીત ‘શાને મોહન તેં બંસીને મુખમાં ધરી, મુરલી શું ગઈ તુંને કામણ કરી… શાને મોહન તેં…’ સાંભળતાં મને બાંગ્લા કૃષ્ણ ગાન યાદ આવ્યાં. ભાષા ગમે તે હોય ભક્તિ અને પ્રેમની ભાષા તો એક જ લિપિ હોય!
રેખા ત્રિવેદીનાં સ્વરમાં ‘કોઇ આઘે આઘેથી વેણુ વાય છે,રે મને જતી રહું જતી રહું થાય છે…’ હોય કે કલ્યાણી કોઠાળકરનાં સ્વરમાં ‘રૂપલે મઢી છે સારી રાત રે સજન, એનું ઢુંકડૂં ન હોજો પરભાત…સૂરજ ને કોઈ ઓલી મેર રોકી રાખો, હજી આદરી અધૂરી મારી વાત રે…’ હોય સાંભળતાં કવિ હરીન્દ્ર દવેનાં ગીતોમાં પ્રેમની કેવી કોમળ અનુભૂતિ થાય!
કરસનદાસ માણેકનું ગીત ‘હરિના છઈએ, હરિના થઈએ …’ અદ્ભૂત ઉતાર-ચડાવ સાથે રજૂ કરીને શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દેતી આજની જાણીતી કલાકાર ઉપજ્ઞા પંડ્યા વિશે કાજલ બહેને માહિતી આપી કે ભાઈદાસ ઓડિટોરિયમમાં કરસનદાસ માણેકની જન્મ શતાબ્દી નિમિત્તે, 2001માં ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. અનેક વરિષ્ઠ કલાકારો સાથે એક નાનકડી દસ-અગિયાર વર્ષની છોકરી પણ પરફોર્મ કરવાની હતી. એ નાજુક-નમણી છોકરી સ્ટેજ પર આવી અને હરિના છઈએ, હરિના થઈએ… ગીત ગાયું અને આ એકમાત્ર ગીત વન્સ મોર લઈ ગયું હતું. એ નાનકડી છોકરી તે જ ઉપજ્ઞા પંડ્યા.
પ્રહર વોરા અને હિમાલી વ્યાસ નાયકનાં સ્વરમાં લોકગીત ‘અડધી રાતલડીએ મને રે જગાડીછંછેડી મન વીણાના તાર, આ તે કોણ રે!’ ખબર છે છતાં કેવો માસૂમ સવાલ! સમૂહમાં ગવાયેલું ‘મેના ગુર્જરી’ (1975) ફિલ્મનું ગીત “સાથીયા પુરાવો દ્વારે, દીવડાં પ્રગટાવો રાજ, આજ મારે આંગણે પધારશે મા પાવાવાળી…”આ ફિલ્મનાં છ ગીત બિનગુજરાતી રમેશ ગુપ્તાએ લખ્યાં હતાં.મલ્લિકા સારાભાઈ અને રાજીવની મુખ્ય ભૂમિકા વાળી આ ફિલ્મ વિશે કાજલબેને જણાવ્યું કે ફિલ્મ તો પછી બની પણ નાટક “મેના ગુર્જરી” વર્ષ ૧૯૫૭માં પ્રમુખ, ડૉ. રાજેન્દ્ર પ્રસાદ માટે રાષ્ટ્રપતિ ભવન, દિલ્હી ખાતે ભજવાયેલું અત્યાર સુધીના પ્રથમ અને એક માત્ર ગુજરાતી નાટક છે. જેમાં દીના ગાંધી (પછી દીના પાઠક) એ મુખ્ય ભૂમિકા ભજવી હતી
કરસન સાગઠિયાના કંઠે ‘ભીંત ફાડીને પીપળો ઊગ્યો…’, પ્રહર વોરા ના કંઠે કવિ નંદકુમાર પાઠકનું ગીત ‘તારો છેડલો તું માથે તું માથે રાખને જરાઆતો ચૈતર વૈશાખનાં વાયરા, તારી વેણીની મ્હેક જાશે ઉડીઆતો ચૈતર વૈશાખનાં વાયરા…’, ઉદય મઝુમદારના કંઠેબરકત વિરાણી ‘બેફામ’ રચિત ફિલ્મ “જાલમસંગ જાડેજા” નુંગીત ‘એકલાં જ આવ્યા મનવા..એકલાં જવાના,સાથી વિના.. સંગી વિના..એકલાં જવાના…’ કે પછી ફિલ્મ ‘દીવાદાંડી’ નું વેણીભાઈ પુરોહિતે લખેલું ગીત ‘તારી આંખનો અફીણી, તારા બોલનો બંધાણી, તારા રૂપની પૂનમનો પાગલ એકલો…’હોય, સાંભળતાં મન એક નવી જ દુનિયામાં વિચરતું થઈ જાય!
આવાં અનેક ગીતોને સંગીતે મઢીને એક નવો અવતાર આપનાર સ્વ. દિલીપ ધોળકીયાનો જન્મ ૧૫ ઓક્ટોબર, ૧૯૨૧ ના રોજજૂનાગઢમાં થયો હતો. પિતા શ્રી ભોગીલાલ વ્યવસાયે ઇજનેરઅને માતા મુકતાબહેન. બહાઉદ્દીન કૉલેજ, જૂનાગઢથી જ 1942માં સંસ્કૃત અને ગુજરાતી વિષય સાથે અનુસ્નાતક થયા. સાત વર્ષના હતા ત્યારથી તેમના દાદા મણિશંકરભાઈ સાથે રોજ સવાર-સાંજ જૂનાગઢ ખાતેના સ્વામીનારાયણ મંદિરમાં ભજન ગાવા જતા ત્યારથી કંઠ્ય સંગીત પ્રત્યે રુચિ પેદા થઈ; પરંતુ પિતાની પ્રેરણાથી પખવાજ તથા વાંસળી વગાડવાનું શીખ્યા.
1942માં જૂનાગઢથી મુંબઈ કાયમી વસવાટના હેતુથી સ્થળાંતર કર્યું અને ગૃહખાતામાં નોકરીમાં જોડાયા. સમયાંતરે પ્રેસ ઍડવાઇઝરી બૉર્ડના કાર્યાલયમાં ભાષાંતરકારના પદ પર તથા ત્યારબાદ પરિવહન-વિભાગમાં સુપરવાઇઝરના પદ પર સ્થાનાંતર થયું. સમય જતાં એકાઉન્ટન્ટ જનરલના કાર્યાલયમાં ઑડિટરના પદ પર તેમની નિમણૂક થઈ. આંકડાની રમત સાથે પણ મનમાં સંગીત રમતું. તેથી જ વાયોલિનવાદક બિપિન દેસાઈ, સ્વરકાર અજિત મર્ચન્ટ, ગિજુભાઈ વ્યાસ, રોહિત પારેખ જેવા સંગીત સાથે સંકળાયેલા કેટલાક કલાકારોનો પરિચય થયો.
તે જ અરસામાં તેમણે ભિંડી બજાર ઘરાનાના અમાનઅલીખાંસાહેબના શિષ્ય પાંડુરંગ આંબેરકર પાસેથી શાસ્ત્રીય કંઠ્ય સંગીતની તાલીમ લેવાની શરૂઆત કરી. મુંબઈમાં તે અરસામાં જાણીતી બનેલી એક સંગીતમંડળીમાં ગાયક તરીકે ભાગ લેવાનું શરું કર્યું. ચલચિત્ર-જગતના જાણીતા સ્વરકાર ખેમચંદ પ્રકાશના ભાઈ રતનલાલના સંગીતસંચાલન હેઠળ તૈયાર થઈ રહેલ ચલચિત્ર ‘કિસ્મતવાલા’માં પાર્શ્વગાયક તરીકે ત્રણ ગીતો ગાવાની તક દિલીપભાઈને મળી. ત્યારબાદ 1945ના અંતમાં સંગીતનિર્દેશક રામચંદ્ર પાલ દ્વારા નિર્દેશિત ‘લાજ’ ચલચિત્રનાં ગીતો પણ દિલીપભાઈએ ગાયાં. રામચંદ્ર પાલના તેમની સાથે પાર્શ્વગાયક તરીકે કાયમી ધોરણે જોડાવવાની દરખાસ્ત સ્વીકારી દિલીપભાઈએ સરકારી નોકરીમાંથી રાજીનામું આપ્યું; પરંતુ ભારતીય ઉપખંડમાં 1946, 1947 દરમિયાન થયેલી રાષ્ટ્રીય ઊથલપાથલને કારણે થોડાક સમય માટે દિલીપભાઈને બેકાર રહેવું પડ્યું હતું.
સદનસીબે તે જ અરસામાં અજિત મર્ચન્ટ એક ગુજરાતી ચલચિત્ર ‘દીવાદાંડી’ તૈયાર કરવાની યોજના બનાવી રહ્યા હતા, જેમાં તેમના મદદનીશ સંગીતનિર્દેશક તરીકે દિલીપભાઈને જોડાવાનું આમંત્રણ મળ્યું. 1948માં ‘દીવાદાંડી’ ફિલ્મનું કવિવેણીભાઇ પુરોહિતે લખેલું પ્રણય ગીત ‘તારી આંખનો અફીણી’ ગાયું જે ખૂબ લોકપ્રિય થયું. 1951ના તેમને સંગીતનિયોજક ચિત્રગુપ્તના મદદનીશ સ્વરકાર તરીકે કામ કરવાની તક મળી. ત્યારબાદ એસ. એન. ત્રિપાઠીના મદદનીશ સ્વરનિયોજક તરીકે પણ તેમણે કામ કર્યું હતું.
1956–57થી દિલીપભાઈએ સ્વતંત્ર રીતે સંગીતનિયોજન કરવાની શરૂઆત કરી, આઠ હિન્દી ફિલ્મો માં સંગીત આપ્યું જેમનાં ગીતો લતા મંગેશકર, આશા ભોસલે, સુમન કલ્યાણપુર, ઉષા મંગેશકર, મહંમદ રફી, મન્ના ડે, મુકેશ, મહેન્દ્ર કપૂર જેવા દિગ્ગજ ગાયકોએ ગાયાં હતાં.અગિયાર ગુજરાતી ફિલ્મોં માં સંગીત આપ્યું તેમાં ‘દીવાદાંડી’ ઉપરાંત ‘સત્યવાન સાવિત્રી’, ‘કંકુ’, ‘મેના ગુર્જરી’, ‘સતનાં પારખાં’, ‘જાલમસંગ જાડેજા’, ‘ડાકુરાણી ગંગા’, ‘ભગવાન સ્વામીનારાયણ’ જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે. લતા મંગેશકર સાથે તેમનો પારિવારિક સંબંધ હતો. લતા દીદી તેમને ભાઈ માનતાં.
તે ઉપરાંત સુગમ સંગીત અને ભક્તિસંગીતના વર્ગમાં ગણાતાં કેટલાંક ગીતોના સ્વરનિયોજનના સંકલનમાં તેમણે હૃદયનાથ મંગેશકરને મદદ કરી હતી; જેમાં ‘મીરા ભજન’ ભાગ-1, ‘ભગવદગીતા’ (સંસ્કૃત), ‘જ્ઞાનેશ્વરી ગીતા’ (મરાઠી) અને મિર્ઝા ગાલિબની કેટલીક ગઝલોનો સમાવેશ થાય છે. વળી સ્વામી પ્રેમાનંદની કેટલીક રચનાઓનું પણ તેમણે સ્વરનિયોજન કર્યું છે; દા. ત., ‘પ્રેમ સખી ગાવત હરિ ગુણ’. તે તેમણે આશા ભોસલે અને મન્ના ડે સાથે ગાયેલું છે.
સલિલ મહેતા દ્વારા નિર્મિત દૂરદર્શન શ્રેણી ‘સરસ્વતીચંદ્ર’ના તુષાર શુક્લે રચેલાં એકવીસ ગીતોનું સ્વરનિયોજન દિલીપ ધોળકિયાએ કર્યું છે.ગુજરાતી ચલચિત્ર-પરીક્ષણ સમિતિના સભ્ય તરીકે પણ તેમણે કાર્ય કર્યું છે. 1988માં તેમણે વ્યાવસાયિક ચલચિત્ર-સંગીતક્ષેત્રમાંથી સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી. છેલ્લા વીસેક વર્ષ સપરિવાર અમદાવાદમાં રહ્યા. ૨જાન્યુઆરી, ૨૦૧૧ ના રોજ તેઓ કાળધર્મ પામ્યા. તેમને બે પુત્રો કંદર્પ અને રજત. રજત ધોળકિયા પણ સંગીત સર્જક અને ગાયક છે.