“ના, આજ લઈ લો. હું બિલ ચૂકવી દઉં છું.”
“પણ બેટા….” અનિલભાઈને બોલતાં અટકાવી નયનાએ બિલ ચૂકવ્યું. બાપબેટી ચશ્માની દુકાનમાંથી બહાર નીકળ્યાં.સામાન્ય પરિવારની લાડકી દીકરી નયના ભણવામાં ખૂબ હોશિયાર. ભણવા પર ફોકસ કરી એણે સારી કરિયર બનાવવી હતી. અને ઇતર પ્રવૃત્તિમાં પણ એટલી જ અવ્વલ. હમણાં જ મહિલાદિને ‘નારી તું ના હારી’ એ વિષય પર નિબંધમાં એણે પાંચ હજાર ઈનામ મેળવ્યું હતું. સાથે ટયુશન આપીને પરિવારને આર્થિક રીતે મદદરૂપ થતી હતી. વળી, રૂપાળી પણ એટલી જ. સખીસહેલીઓમાં પણ ખૂબ જ પ્રિય હતી. સૌને મદદ કરતી.
કોલેજના કેટલાય યુવાનો દોસ્તી માટે નયનાને પ્રપોઝ કરતા, પણ આદરપૂર્વક તે ના પાડતી કહેતી કે, ‘હમણાં મારું ધ્યાન ફક્ત ભણવામાં જ કેન્દ્રિત છે. મારે કરિઅર બનાવવી છે.’ પરંતુ એક છેલબટાઉ યુવાન તેની પાછળ જ પડી ગયો હતો. વારંવાર એની પ્રપોઝલ ઠુકરાવવાથી એનો બદલો લેવાનું વિચારવા લાગ્યો.
એક દિવસ નયના એના ઘર પાસે જ પહોંચી હતી, ત્યાં પાછળથી બાઇક પર આવી નયનના ચહેરા પર ઍસિડ છાંટી ભાગી ગયો. એના ઘરના અને આડોશીપાડોશી દોડી આવ્યા. ખૂબ પાણીનો છંટકાવ કર્યો અને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ ગયા. પછી તો ઘણા ઓપરેશન્સ અને ઘણી બધી ટ્રીટમેન્ટ પણ ચાલી. સાવ સામાન્ય પરિવારને પૈસાની તકલીફ હતી. જેટલી મૂડી હતી, એ પણ વપરાઈ ગઈ, પણ ઘણા સગાસંબંધી અને એનજીઓએ મદદ કરી અને માંડ તે સાજી થઈ. તે તનમનથી ભાંગી પડી હતી. બધી જ ટ્રીટમેન્ટ કરાવતાં એને વર્ષો લાગ્યાં. હવે આવો કદરૂપો ચહેરો લઈને ક્યાં જવું? નોકરી માટે એપ્લાય કરતી, તેની એપ્લિકેશન પસંદ પણ પામતી પરંતુ એનો ચહેરો જોઈને સૌ કોઈ મનાઈ કરતા. ઘરમાં જ રહેતી, લખતી, વાંચતી પરંતુ મનમાં એનો એ જ ધ્યેય હતો કે મારે ઘર માટે કંઈક કરવું જ છે અને અન્યો તરફથી મળેલી મદદ પણ જેટલી અપાય એટલી આભાર સાથે પાછી આપવી છે. પરંતુ તેને નોકરી આપે તો પણ કોણ આપે?
આખરે ખબર પડી કે એક અંધજન શાળામાં રીડર અને રાઇટરની જરૂર છે. એ પણ નજીવા વેતન પર સેવા જ કરવાની હતી. એ ત્યાં ગઈ. એને ગમવા લાગ્યું. એને આ અંધ બાળકો સાથે મજા આવતી હતી. ખૂબ કામ કરતી છતાં પણ એને લાગતું કે હજુ પણ મારી પાસે સમય છે. હું પાર્ટ ટાઈમ કંઈક કરી શકું તેમ છું. ત્યાં જ એને ખબર પડી કે એક દૃષ્ટિહીન પ્રોફેસર લેખકને ત્યાં એક રાઇટરની જોબ છે. તે ત્યાં ગઈ, લેખકને મળી અને તેને નોકરી મળી ગઈ.
લેખક બોલતા અને એ લખતી. આમ ને આમ ઘણી બધી નવલકથાઓ લખાઈ ગઈ. ઘણા બધા લેખ લખાયા. એ નવલકથાઓ બેસ્ટ સેલર પણ બની. ઘણા બધા પારિતોષિકો પણ મળ્યા. બંનેને એકબીજા સાથે એટલું ફાવી ગયું હતું કે ઘણીવાર તો લેખક બોલે એ પહેલાં જ કયા શબ્દો લેખક બોલશે એ પણ એ સમજી જતી.
એક દિવસ લેખક લખાવતા હતા. નાયક ને નાયિકાની ખૂબ સરસ રોમેન્ટિક વાતો હતી. એ કથામાં લેખકે લખાવ્યું,“શું તું મારી સાથે લગ્ન કરીશ?” આ મારી પ્રપોઝલ સ્વીકારીશ?”
નયના લખતી અટકી ગઈ. ફરીથી લેખક બોલ્યા, અને નયના ઝબકીને લખવા માંડી, લેખકે કહ્યું, “નયના, તું સમજે છે એ સાચું જ સમજે છે. હું આ કથાનો સંવાદ નથી બોલી રહ્યો. મારા મનનો સંવાદ બોલું છું. હું જ નાયક છું અને તું જ નાયિકા છે. હું તને જ આ સંબોધી રહ્યો છું, તને જ પૂછી રહ્યો છું.”
નયના એ કશો ઉત્તર નહીં આપ્યો. આમ જોઈએ તો એણે કંઈ ઉત્તર આપવાનો હતો જ નહીં. એને એ લેખક ગમતા જ હતા. એમનો સ્વભાવ, એમનું વર્તન, એમની વાણી, તેમની સાહિત્યપ્રીતિ એને ગમતાં હતાં.પણ અચાનક આવી પડેલી પ્રપોઝલથી એને સમજાયું નહીં શું કરવું? એણે શરમાઈને કહ્યું, “હું ઘરે જઈને પૂછી લઈશ, પછી વાત કરીશ.”
ઘરેથી પણ બધા સહમત જ હતાં, આવા સારા ઈજ્જતદાર પાત્ર માટે ના પાડવાને કોઈ કારણ નહોતું.આખરે ખૂબ ધામધૂમથી લગ્ન થયું અને લગ્નની પ્રથમ રાત્રિએ નયનાએ લેખકને કહ્યું, “તમે ભલે મારા ચહેરા પર હાથ ફેરવ્યો પણ તમે મારો ચહેરો જોયો નથી. મારી સાથે બનેલી ઘટના તમને ખબર છે, પણ તમે જો મારો ચહેરો એકવાર પણ જોઈ લો તો…”
એની વાત અટકાવતાં લેખકે કહ્યું, “નયના, મેં તારું મન જોયું છે, મેં તારું રૂપાળું હૃદય જોયું છે. બંને ખૂબ સુંદર છે. એનાથી સુંદર કશું હોઈ જ ન શકે.”
નયના એ કહ્યું, “ઠીક, એ સારું છે પણ વાસ્તવિકતા તમે જાણતે, તમે મારો ચહેરો એકવાર પણ…”
લેખક હસ્યા અને કહ્યું, “તું જ્યારે મારે ત્યાં નોકરી માટે આવી ત્યારે મને કશું દેખાતું ન હતું. મારે દ્દષ્ટિ ન હતી. મારી બન્ને આંખોમાં સિવીયર ઇન્ફેક્શન થયું હતું. ડૉકટરે આંખો ખોલવાની સખત મનાઈ કરી હતી. એથી હું કાળા ચશ્મા પહેરતો હતો. ધીરે ધીરે દવા અને ટ્રીટમેન્ટ અને કદાચ તારા સહવાસથી એ મટી ગયું. ધીમે ધીમે હું દેખવા લાગ્યો પરંતુ મેં એ વાત તારાથી છુપાવી. તારો ચહેરો પણ ખૂબ સરસ રીતે જોયો છે.”
અને નયના અવાક્ થઈ ગઈ. લેખકે કાળા ચશ્મા કાઢતા કહ્યું, “ચાલ, જો, હું જોઈ શકું છું તને. ચાલ, આપણે ફરવા જઈએ.”
ગદગદ થયેલી નયના બોલી, “અત્યારે? અડધી રાતે?”
લેખકે કહ્યું, “હા,ચાલ તને લોન્ગ ડ્રાઇવ લઈ જાઉં” અને બંને જણા નીકળી પડ્યાં. જતાં જતાં અલકમલકની પ્રેમભરી વાતો કરતા ક્યાંય પહોંચી ગયાં હાઇવે પર.ત્યાં એ લોકોએ જોયું તો એક ટોળકી નશામાં ચૂર, બાઇકો પર ફૂલ સ્પીડમાં, જાણે રેઇસ લગાવતા હોય એ રીતે મસ્તી કરતી જતી હતી. સામે ટ્રક આવતી હતી. લેખક અને નયના સાઈડમાં કાર પાર્ક કરીને ઊભાં રહી ગયાં.
એમાંનો વળી એક તો ટ્રકની બરાબર સામે ધસી ગયો, કદાચ ટ્રકની બે હેડલાઈટ્સ એને સામેથી આવતી બે બાઇક છે, એવું લાગ્યું હશે! લેખક અને નયનાએ બૂમો પણ પાડી, પરંતુ …પેલો ફુલ સ્પીડમાં ટ્રકની સાથે અથડાયો. અને ત્યાં જ… ત્યાં જ મૃત્યુ પામ્યો. જઈને જોયું તો પેલો જ… પેલો જ …!
નયના લેખકને વળગી જોતી જ રહી ગઈ.