આળસ એ જીવતા માણસની કબર છે
આળસ મનુષ્યનો સ્વભાવ દર્શાવે છે. કાંઈ કરવાનું મન ના થાય, પડી રહેવાનું મન થાય તે આળસ. માનવજાતનો સૌથી મોટો શત્રુ આળસ છે. આળસુ માણસ મડદા જેવો હોય છે. તે ક્યારેય સુખી થઈ શકતો નથી, જીવનમાં પ્રગતિ કરી શકતો નથી. ક્યારેક આળસ તેના પતનનું કે મોતનું કારણ પણ બની શકે છે. આથી જ તો આ કહેવત પડી છે.
એક બાળ વાર્તા છે. એક જંગલમાં ઊંટ રહેતું. તેણે તપ કરીને ભગવાનને પ્રસન્ન કર્યાં. ભગવાને કહ્યું, હું તારાં તપથી પ્રસન્ન છું. તું માંગે તે વરદાન આપુ. ઊંટ સ્વભાવે આળસુ હતું. તે બોલ્યો, હે ભગવાન મને માઇલો લાંબી ડોક આપો જેથી હું અહીં બેઠાં જંગલમાં ચરી શકું. ભગવાને તથાસ્તુ! કહ્યું. ઊંટ હવે જંગલમાં એક સ્થળે બેસી રહેતું અને ત્યાં જ ડોક લાંબી કરીને ખોરાક મેળવતું. આળસુ ઊંટને જલસા પડી ગયા. તેની આળસ પણ વધી ગઈ. હવે તેને કોઈ કામ કરવું ગમતું નહીં. તેનામાં રહેલી આળસે મહાન આફતને આમંત્રણ આપ્યું. એક દિવસ ઊંટને નજીકમાં ખોરાક નહીં મળતાં તે ડોકને ખૂબ દૂર સુધી લઈ ગયું. ત્યાં તે ચરવા લાગ્યું. તે જ સમયે વંટોળ અને વરસાદ આવ્યો. તેની આંખોમાં ધૂળ ભરાવા લાગી. તે પોતાની ડોકને ખેંચીને નજીકની ગુફામાં લઈ ગયું. ત્યાં પહેલેથી હિંસક પ્રાણી હતાં. તેઓ તેના પર તૂટી પડ્યાં અને બચકા ભરીને ખાવા લાગ્યાં. આમ આળસુ ઊંટે પોતે જ પોતાની કબર ખોદી.
આળસ અને ઉદ્યમ વિરોધાભાસી શબ્દો છે. સૂતેલા સિંહના મુખમાં ક્યારેય મૃગલાં પ્રવેશતાં નથી. સિંહને પણ શિકાર કરવા માટે, પોતાનું પેટ ભરવા માટે ઉદ્યમ કરવો પડે છે.
उद्यमेन हि सिध्यन्ति कार्याणि न मनोरथैः ।
नहि सिंहस्य सुप्तस्य प्रविशन्ति मुखे मृगाः ॥
ભૂખ્યાં ઘરડા સિંહની સામે ઈશ્વરકૃપાથી, નિયતિએ મૃગલાને મોકલી આપ્યું પરંતુ તે સૂતો રહે તો તેના મુખમાં મૃગ પ્રવેશવાનું નથી. કોળીઓ ભરવા માટે સિંહે તરાપ મારવાનો પ્રયત્ન તો કરવો જ પડે. કહેવાય છે કે “સિદ્ધિ તેને જઈ વરે જે પરસેવે નહાય.” ઈશ્વર કૃપા સાથે પ્રયત્ન પણ એટલો જ જરૂરી છે. વપરાયા વગરના મિજાગરાં પણ કટાઈ જાય છે.
જન્મથી કબર સુધીની જીવનયાત્રામાં માનવનો વિકાસ થાય છે. બાળપણમાં આળસ નહિવત્ જોવા મળે છે. ઉંમર વધતાં માણસમાં આળસ પ્રવેશે છે. તે સ્થગિત થતો જોવા મળે છે અને સાઠ પછી કબર ખોદવાની તૈયારી શરૂ થાય છે. વાળ, દાંત, આંખ, કાન, પગ, હૃદય જેવાં અવયવોમાં ખરાબી શરૂ થાય છે. પરંતુ વ્યક્તિ આળસને જેટલી દૂર રાખશે તેટલી તે યુવાનીને જાળવી રાખશે. પરિશ્રમ અને મહેનત કરનારને બીમારીઓ હેરાન કરતી નથી. શારીરિક નિષ્ક્રિયતા એ જીવન માટે ખતરો ગણાય. ઉંમર વધતા શારીરિક ક્ષમતા મુજબ સક્રિય રહેવું જરૂરી છે.
સમય ક્યારેય આળસુ નથી હોતો. આળસને મોટો અજગર કહ્યો છે. શરૂમાં મિનિટ, પછી કલાકો, દિવસો, વર્ષો અને આખું આયખું ગળી જાય છે. ખબર જ નથી પડતી. અંતે નકરો અફસોસ થાય છે. માટે કંટાળો આવે તે કામ પહેલાં કરવું. આળસ સાથે પ્રેમ કરવો દરેક વ્યક્તિને ગમે છે. આળસ નકારાત્મકતાને નોતરે છે. શેતાની વિચારો મન પર કાબૂ લે છે. એકવીસમી સદીના આ યાંત્રિક યુગમાં મશીનોએ માણસની રોજિંદી કસરત છીનવી લીધી છે. માણસને મોઢામાં કોળિયો પણ મશીન મૂકી આપે! આમ બેઠાડુ યુગનો પ્રારંભ થઈ ચૂક્યો છે. પશ્ચિમનાં દેશોનું જમા પાસુ એ સમય અને કામની નિયમિતતા, જાત મહેનત, કોઈ કામમાં શરમ નહીં. આ બધાં ગુણો માણસને આળસથી દૂર રાખે છે. આળસ ઊધઈ જેવી છે. માણસ બહારથી સરસ લાગે પરંતુ તેને અંદરથી કોરી ખાય છે. સમય જતાં પતન ભણી પ્રયાણ શરૂ થઈ જાય તેની ખુદને ખબર રહેતી નથી.
ઉર્દૂમાં એક સુંદર શેર છે, “ખુદી કો કર બુલંદ ઇતના કે હર તકબીર સે પહેલે ખુદા બંદેસે ખુદ પૂછે, બતા તેરી રઝા ક્યાં હૈ ?” ભગવાન એવી વ્યક્તિને જ આ પૂછે જે આળસ છોડીને જીવંત રહીને પુરુષાર્થ કરતી હોય. ખાલી મન શેતાનનું કારખાનું. ઇન્દ્રિયોને પુષ્ટ કરીને, આળસ છોડીને મનને દિશા આપવાનું કામ કરવાથી શરીરનો રથ યોગ્ય દિશામાં જશે.