ધર્મો રક્ષતિ રક્ષિતઃ
મનુસ્મૃતિમાં કહ્યું છે,
धर्म एव हतो हन्ति धर्मो रक्षति रक्षितः।
तस्माद्धर्मो न हन्तव्यो मा नो धर्मो हतोऽवधीत्॥
જેણે ધર્મનો પરિત્યાગ કર્યો છે, ધર્મ તેનો નાશ કરે છે. જે ધર્મનું આચરણ કરે છે અને ધર્મની રક્ષા કરે છે, ધર્મ તેનું રક્ષણ કરે છે. રક્ષાયેલો ધર્મ માનવનું રક્ષણ કરે છે.
પ્રશ્ન છે કે ધર્મ એટલે શું? માનવને સમગ્ર સૃષ્ટિથી જુદું પાડનારું તત્વ છે ધર્મ. જન્મથી આપણાં માનસમાં જે બેસાડવામાં આવ્યું હોય અને જે રીતનો ઉછેર હોય તેનું સ્મરણ કરતા કરતા અનુસરણ કરીએ છીએ, જે સંસ્કારમાં પરિવર્તિત થઈને આપણાં લોહીમાં વહે છે. જેને માનવ જીવનનો આધારસ્તંભ બનાવીને ઈશ્વરપ્રાપ્તિ માટે પ્રયત્ન કરે છે. આમ પારંપરિક સંસ્કૃતિ અને ધાર્મિક વિધિઓ તેનો ધર્મ બની જાય છે.
બાળક, પુરુષ, સ્ત્રી, પુત્ર, પુત્રી, પિતા, માતા, પડોશી કે મિત્ર તરીકેનો ધર્મને બીજો ધર્મ કહે છે. ત્રીજો ધર્મ છે, માનવતાનો ધર્મ. એ જીવન જીવવાની કળા છે. માત્ર ટીલા ટપકાં કરવાથી ધાર્મિક થવાતું નથી. જે પોતે ખુશ રહીને બીજાને સુખી રાખી શકે તે વ્યક્તિ ધર્મનું આચરણ કરે છે તેમ કહેવાય. ધર્મો ઈશ્વરે બનાવ્યાં નથી. માણસે પોતાની સગવડ અને માન્યતા માટે ધર્મ બનાવ્યાં છે. હિન્દુ, ખ્રિસ્તી, ઇસ્લામ, પારસી કે કોઈપણ ધર્મ હોય પણ તેના પાયામાં સનાતન ધર્મ હોવો જોઈએ, જે શાશ્વત ધર્મ છે. તેનું અસ્તિત્વ સૃષ્ટિના ઉદ્ભવથી અંત સુધી રહેશે. અનાદિકાળથી ચાલી આવતા સનાતન ધર્મમાં માત્ર પરબ્રહ્મ, દિવ્યપ્રકાશ, આત્માના પ્રકાશની વાત છે. હું કોણ છું? એ જ્યારે વ્યક્તિ સમજશે ત્યારે તે બીજાના અસ્તિત્વનું પણ રક્ષણ કરશે. આમ આત્મધર્મથી ઊંચો કોઈ ધર્મ નથી.
કોઈ ચોક્કસ હેતુ માટે આપણો જન્મ થયો છે ત્યારે તે ઉદ્દેશની પૂર્તિ માટે ચોક્કસ ફરજોનું પાલન કરવું તે મનુષ્યનો ધર્મ બને છે. નાના હતાં ત્યારે એમ કહેવામાં આવતું કે ધર્મ તારી રક્ષા કરશે એટલે ધર્મને તું જાણ. મોટા થયા તો એમ કહેવામાં આવ્યું કે તારે ધર્મની રક્ષા કરવાની છે એટલે તું ધર્મને જાણ. વ્યક્તિની ખુદ માટેની, કુટુંબ, સમાજ અને દેશ માટેની ફરજો, એ તેનો ધર્મ છે. તે માટેની ક્રિયાઓનું નિયમન કરીને પાલન કરીશું તો જ આપણાં ધર્મની રક્ષા કરી શકીશું.
ધર્મનું આચરણ કરવું એ ધર્મની મોટી રક્ષા છે. હિન્દુ વેદ, ગીતા તેમ જ અન્ય ગ્રંથોને તેમના આધ્યાત્મિક જીવનની દીવાદાંડી સમજે છે. ઉપનિષદમાં કહ્યું છે કે ધર્મ એ છે જે વિશ્વને ધારણ કરે છે. આજે અંદરોઅંદર અનેક પંથ, સંપ્રદાય, ધર્મના નામે અંધાધૂંધી ફેલાવશે અને ધાર્મિક પ્રવૃત્તિઓ માટે મતભેદો ઊભા કરશે તો માનવધર્મ હણાશે. હણાયેલો ધર્મ માનવનું રક્ષણ કેવી રીતે કરશે? કળિયુગમાં સામાજિક વિષમતા જેવાં અધર્મી કૃત્યોનો નાશ કરીને માનવમાત્રમાં માણસાઈ પ્રગટાવવાનું કાર્ય ધર્મ કરે છે. માણસાઈ હમેશા ત્યાગ-બલિદાન તેમજ પ્રેમની અપેક્ષા રાખે છે. આત્મધર્મનું રક્ષણ કરવું માનવની ફરજ બની જાય છે.
હિન્દુ ધર્મની વાત કરીએ તો પૂજા, પાઠ, ભક્તિ, નિઃસ્વાર્થ સેવા, આધ્યાત્મિક અભ્યાસ અને ધ્યાન, માણસનાં શારીરિક, માનસિક અને આધ્યાત્મિક જીવન માટે જરૂરી બની રહે છે. જે યોગ્ય અભ્યાસ દ્વારા શક્ય બને છે. મંત્ર, જાપ દ્વારા વ્યક્તિ તેની પ્રકૃતિ પર લગામ મૂકી શકે છે. અંગત સમયનો ભોગ આપી સમાજમાં ઉપયોગી બનવાનું ધર્મ શીખવે છે. તેમાં સેવા અને નિઃસ્વાર્થ ભાવના વિકસે છે. ભક્તિથી તત્વજ્ઞાનનું ચિંતન, મનન અને ધ્યાન કરીને જીવ અને શિવનું મિલન શક્ય બને છે. આમ કર્મયોગ, જ્ઞાનયોગ અને ભક્તિયોગથી વ્યક્તિ કલ્યાણ માર્ગે જઈને આત્માની સમીપ જઈ શકે છે. અદ્વૈત માર્ગમાં આગળ વધે છે ત્યારે આપોઆપ ધર્મ તેનું રક્ષણ કરે છે.
કેટલી સુંદર વાત છે? આત્માની કેડી કંડારી, સદ્ગુણોની સીડીને ધર્મ બનાવી, વ્યક્તિ પરમાત્મા સુધી પહોંચી શકે છે, એ જ મોક્ષ છે. ધર્મને શરણે જવું એટલે પરતત્ત્વને શરણે જવું. અંતે એકોહમ્ની સ્થિતિ પ્રાપ્ત કરવી. ના કોઈ ચિંતા, ના ડર, માત્ર શરણાગતિ. આ ધર્મથી સૌનું રક્ષણ થાય છે.