મા મૂળો અને બાપ ગાજર
દેખીતી રીતે સીધીસાદી અને સાંભળવામાં રમૂજ પેદા કરે છે તેવી આ કહેવતની પાછળ કેટલી ફરિયાદ અને આંસુ છૂપાયેલા છે! તેને સમજવા ભારતીય સંસ્કૃતિના ભૂતકાળમાં ડોકિયું કરવું જરૂરી બને છે, જ્યાં મા-બાપ બનતાં પહેલાં પતિ-પત્ની બનવું જરૂરી હતું.
બાપદાદાનાં સમયમાં તો પહેલાં ઘોડિયા લગ્ન થતાં. જન્મ પહેલાં મા-બાપ દીકરો આવશે કે દીકરી, તેમ ધારીને સામે પક્ષે સંતાનનાં લગ્ન નક્કી કરતાં અને પછી બાળલગ્ન થતાં. પછી યુવક કે યુવતીની મરજી જાણ્યા વગર, બંનેએ એકબીજાનું મોઢું પણ જોયું ના હોય અને મા-બાપ લગ્ન નક્કી કરતાં. પહેલાં એક ઘોળમાં પછી એક નાતમાં, એક બોલી, એક ધર્મ, એક પ્રદેશમાં લગ્ન લેવાતાં. કૂળ, લોહી, ખાનદાન માટે સૌને અભિમાન રહેતું. વહુ લાવે તો એનું કૂળ, મૂળ, વંશાવળી, મા-બાપ, મોસાળ જોઈને સગપણ કરતાં. મા-બાપ, છોકરો કે છોકરી સારાં હોય તો કૂળ, ગોત્ર, કુટુંબ, મોસાળ વગેરે પહેલાં જોતાં. ત્યારે ક્યારેક દંપતીમાં અસમાનતા હોવા છતાં છૂટાછેડાના કિસ્સાનું પ્રમાણ ઓછું જોવા મળતું.
આજે બીજી નાત-જાતમાં, બીજા ધર્મમાં કે બીજા દેશની વ્યક્તિ સાથે લગ્ન કરવા, સહજ વાત બની ગઈ છે. જેને કારણે મા મૂળો અને બાપ ગાજર જેવી પરિસ્થિતિ સરજાય છે. ફળસ્વરૂપ વર્ણસંકર પ્રજા ઉત્પન્ન થાય એ સ્વાભાવિક છે.
બે પેઢી વચ્ચેનું અંતર અને ઘર્ષણ જે સદીઓથી ચાલી આવતી સમસ્યા છે. આજના સમયમાં તેનું પ્રમાણ વધ્યું છે. તેનું મૂળ કારણ હવેની પેઢીઓ હાઇબ્રીડ થતી જાય છે. પહેલાં છાણિયું ખાતર હતું, હવે વિલાયતી ખાતર! મા મૂળો અને બાપ ગાજર હોય તો પાક હાઇબ્રીડ જ થાય ને! મા-બાપ વચ્ચે નાત-જાત, રહેણી-કરણી, આચાર-વિચાર, ધર્મ, ખોરાક, પહેરવેશ, બોલી, સંસ્કારમાં વિસંવાદિતાને કારણે સંતાનનાં ઉછેરમાં અનેક પ્રકારની અડચણ ઊભી થાય છે. સંતાન હંમેશા દ્વિધામાં રહે છે. તેની દશા સેન્ડવીચ જેવી બને છે. મા-બાપમાં છૂટાછેડાનું પ્રમાણ વધે છે. આવા મા-બાપને કારણે સંતાન અનેક પ્રકારની માનસિક પરિસ્થિતિનો શિકાર બની શકે છે. પતિ-પત્નીનાં સંબંધો ગૂંચવણભર્યા બને છે. મા-બાપ તેમની રીતે અને સંતાનો તેમની રીતે નિષ્ફળ જાય છે. માત્ર અસંતોષ અને ફરિયાદો રહી જાય છે. જે સમાજની સંસ્કૃતિમાં મા મૂળો અને બાપ ગાજર જેવું અસ્તિત્વ ધરાવતાં હોય તેવા સંબંધોનું આયુષ્ય મોટે ભાગે કેવું હોય એ વિચારવા જેવું છે.
આજે છોકરીઓ શિક્ષિત બની છે. પરિણામે પોતાનાથી ઊતરતી કક્ષાનો છોકરો પસંદ કરતી નથી. પરંતુ મૂળા અને ગાજર જેટલી અસમાનતા, સાથે રહ્યાં પછી, સંતાન થયાં પછી પ્રકાશમાં આવે છે. જેમાં ક્યારેય રિવર્સ ગિયર હોતું નથી. ક્યાં સહન કરવાનું કે ક્યાં છૂટા પડવાનું. હસીને કે મને-કમને સંવાદિતા કેળવવી એ માત્ર સંસ્કારી વ્યક્તિ જ કરી શકે.
આજની પત્નીને પતિનાં મા-બાપ કે તેમનો ઉછેર ગમતો નથી અને પતિ તેના માબાપને છોડી શકતો નથી. તેવા પતિને પત્ની છૂટાછેડા માંગીને સજા કરે છે પછી ભલે તેમને સંતાન હોય. અમેરિકામાં એક માજી મંદિરના ઓટલે બેસીને રડતાં હતાં, “મારાં ગ્રાન્ડ ચિલ્ડ્રનની સાથે મારી વહુ વાત કરવા નથી દેતી!” મા-બાપ પેટે પાટા બાંધીને એકના એક દીકરાને પરદેશ ભણવા મોકલે અને બીજી નાત-જાતની છોકરી સાથે પ્રેમલગ્ન કરી કુટુંબથી પરાયો થઈ પોતાનો જુદો માળો બાંધીને બેસી જાય ત્યારે કૂળ-મૂળનો તો સવાલ જ રહેતો નથી. ક્યારેક અજાણ્યું, પરદેશી, અયોગ્ય પાત્ર સામે આવી જાય તો પરણ્યા પછી કારણો ઊભા કરીને છૂટાછેડા માટે કેસ દાખલ કરીને ધનિક છોકરાઓ પાસે પૈસા પડાવતી છોકરીઓનાં ઉદાહરણ સમાજમાં જોવા મળે છે. વળી છોકરાઓ, એકથી વધુ લગ્નેતર સંબંધો રાખીને છોકરીઓને ફસાવે છે.
જૂની પરંપરાઓને વળગણીએ વળગાડીને જ્યારે સંસ્કાર, સંસ્કૃતિ, ધર્મ, કૂળને ફગાવીને પવિત્ર બંધનનાં વાડા બહાર લગ્ન થાય છે ત્યારે અનેક પ્રકારનાં દૂષણનો સડો દામ્પત્યજીવનને કોરી ખાય તેવી શક્યતા રહે છે. હા, અપવાદ દરેક પરિસ્થિતિમાં હોય છે.
માળી મૂળા અને ગાજરના બી જમીનમાં વાવે છે. તેનો છોડ થાય પછી તેને જમીનમાંથી ઉખાડીને ઉપયોગમાં લેવાય છે. મૂળથી છૂટા પડેલાં મૂળા-ગાજર જેવી આજની જનરેશનની સ્થિતિ છે. મોટેભાગે તેઓ પોતાનાં કુટુંબનાં વડીલો સાથે, જૂનાં સંસ્કારો સાથે જોડાયેલા રહી શકતાં નથી.
આજનો યુગ વિજ્ઞાન ક્ષેત્રે પ્રગતિ કરી રહ્યો છે. દરેક પ્રકારનું ભૌતિક સુખ આજની પેઢી માટે હાથવગું છે પરંતુ આધ્યાત્મિક રીતે અધઃપતન થઈ રહ્યું છે. ભૌતિક દોટ દોડી રહેલ આર્થિક ઉન્નતિ જ જેનો જીવનમંત્ર છે તેવાં મનમેળ અને સંવાદિતા વગરનાં, મૂળા અને ગાજર જેવી અસમાનતા ધરાવનાર દંપતીનું ભાવિ મોટેભાગે ધૂંધળું ભાસે છે.
આજે દુનિયા નાની થઈ રહી છે. દેશ, જાત, ધર્મનાં અંતર મટી ગયાં છે. માનવધર્મ મુખ્ય ગણાય છે ત્યારે આ કહેવત ખોટી પડે છે. કોઈપણ લગ્ન જીવનનાં પાયામાં સમજણ, સહનશીલતા અને સંસ્કાર હશે તો લગ્ન સફળ થશે બાકી “મા મૂળો અને બાપ ગાજર” જેવી દેખીતી લાગતી અસમાનતા દરેકે સ્વીકારવી જ રહી.