અતિ હંમેશાં વિનાશ નોતરે છે
સંસ્કૃતમાં વાક્ય છે, “અતિ સર્વત્ર વર્જ્યતે”. કોઈપણ વસ્તુની અતિશયોક્તિ, વિનાશની ખાઈ તરફ ધકેલે છે પછી તે સ્વાદ હોય કે સ્વભાવ! Everything in excess is bad whether good or bad. જીવનમાં એટલાં કડવા ના બનો કે લોકો તમને થૂંકી દે અને એટલાં ગળ્યા ના બનો કે લોકો તમને ચૂસીને ફેંકી દે. કોઈપણ મસાલાનો અતિરેક ભોજનને બેસ્વાદ બનાવી દે છે. જીવનમાં કોઈપણ રસનાં પ્રમાણમાં વધઘટ થાય તો જીવન બેસ્વાદ બની જાય છે. અતિ પ્રેમ કે નફરત, સુખ કે દુઃખ, રાગ કે દ્વેષ, ગુસ્સો, ઉદાસી, આનંદ, ભજન, ભોજન, નિદ્રા કે કોઈપણ ભાવનો અતિરેક વિનાશ નોતરે છે. રંગના ચટકા જ હોય, કૂંડા નહીં.
એક ચૌદ વર્ષના કિશોરને તેનાં પિતાએ ગેમ રમવા માટે મોબાઈલ ફોન ન આપતાં તેણે આત્મહત્યા કરી. આ એક ચોંકાવનારો બનાવ કહેવાય. આજના ટેક્નોલૉજીના યુગમાં પાંચ વર્ષનું બાળક પણ ખાવાપીવા કરતાં મોબાઈલ ગેમમાં વધુ રસ દાખવે છે ત્યારે આ આદત માનસિક બીમારી નોતરે છે. તે તેનું માનસિક સંતુલન ગુમાવી બેસે છે. જેને ગેમિંગ ડિસોર્ડર કહી શકાય.
સામાન્ય રીતે સિગરેટ, દારૂ, જુગારને આપણે વ્યસન તરીકે ઓળખી છીએ પરંતુ કોઈપણ ચીજનો અતિરેક એ વ્યસન છે. વ્યસન અનેક ચીજનું હોઈ શકે. પછી તે રમત હોય, સોશિયલ મીડિયા હોય કે ડ્રગ્ઝ હોય. સોશિયલ મીડિયાના વપરાશકર્તાઓ માટે એમ કહેવાય છે કે તેઓ સ્ટેટસ, ફોટો કે વીડિયો મૂકે પછી તેમને તણાવની લાગણી થાય છે. કેટલી લાઈક આવી? કોની કૉમેન્ટ આવી? વગેરે જાણવાની ઉત્સુકતા રહે છે. એ પણ બીજા અગત્યનાં કાર્યોના ભોગે!
યુવાવર્ગ પણ માહિતીના આદાન-પ્રદાન માટે નેટ પર સતત રહે છે. જ્યારે અહીં અતિશયોક્તિ થાય છે ત્યારે ધીમેધીમે યુવાન આદતનો શિકાર બને છે. પોતાની જાત પર સંયમ ખૂબ જરૂરી છે. સગવડતાના ગુલામ બનવા કરતાં તેનો જરૂર જેટલો લાભ લેવો યોગ્ય ગણાય. આજનો યુવાન જો સ્વવિકાસ કરવા જેટલો સ્વાર્થી બને તો કુટુંબ, સમાજ કે તેની કારકિર્દી માટે હિતકારી બની રહે. અહીં પ્રશ્ન થાય છે, શું સોશિયલ મીડિયા માણસને જીવંત રાખે છે? જો સમજીને ઉપયોગ થાય તો શાનદાર અને નાસમજ ઉપયોગ થાય તો ખતરનાક.
જ્યાં સોશિયલ નેટવર્કિંગ સાઇટની શોધ થઈ એવા યુ. એસ. કરતાં પણ ભારતમાં એફ. બી. યુઝર્સ વધુ છે અને તેનો સૌથી વધુ ઉપયોગ કરનારાઓમાં ૧૮ થી ૨૪ વર્ષ વચ્ચેના યુવાનો હોય છે. આમ સોશિયલ મીડિયાથી માણસ ફેસ ટુ ફેસ મળવાનું ભૂલી ગયો છે. પરંતુ જો તેનો વિવેકપૂર્ણ ઉપયોગ થાય તો તેનાથી માણસ જીવંત અને ઊર્જાવાન રહે છે. સિનિયર લોકો કે જેનું હલન-ચલન સીમિત હોય છે તેમનાં માટે સોશિયલ મીડિયા તેમની લાકડી સમાન બની રહે છે, તે નિર્વિવાદ છે.
કોઈપણ પ્રકારની ચિંતાનો અતિરેક પણ જીવનમાં દરેક સ્તરે ઘાતક નીવડે છે.
ખ્યાતિનો પણ એક નશો હોય છે. પૈસો અને પ્રતિષ્ઠાની લાલચ માનવને પતનની ખાઈ તરફ ધકેલે છે. વધુ અને વધુ પૈસો અને પ્રતિષ્ઠા અતિ મહત્વાકાંક્ષી બનાવે છે. મહત્વાકાંક્ષા એ માનવ વિકાસની કરોડરજ્જુ છે. સપના જોવા એ વ્યક્તિ માટે સ્વાભાવિક છે જેનાથી તે વિકસે છે પરંતુ વધુ પડતી ઇચ્છાઓ અને પોતાના બાહુબળ કરતાં અતિ મહત્વાકાંક્ષાનો અજગર જ્યારે માનવનો ભરડો લે છે ત્યારે તે માનવનું ભક્ષણ કરે છે. વિનાશ નિશ્ચિત થાય છે જ. ઊંચા વિચારો એ માનવ વિકાસ અને સિદ્ધિ માટે જરૂરી છે પરંતુ તે માપસર હોવું જોઈએ. દેવું થઈ જવાને કારણે આપઘાત કરનારના દાખલા અજાણ્યાં નથી. અત્યંત સફળ થતાં હોય, વિશ્વભરમાં નામ હોય છતાંય મહત્વાકાંક્ષા બેસુમાર હોય ત્યારે વ્યક્તિ દેવામાં ડૂબી જાય છે અને તે નામશેષ બની જાય છે.
આજના યુવાનને આ મૅસેજ છે. અતિના કારણે તણાવ, બીપી, માનસિક બીમારી, સંઘર્ષ, શરીરનું અને મનનું ખોટકાવું પરિણામે અસફળતા અને નશીલાં પદાર્થોનું સેવન કે આપઘાત! જીવનમાંથી પાઠ લેવાનો છે કે ક્યાં બ્રેક મારવી. માત્ર યુવાને જ નહીં બાળકથી માંડીને વૃદ્ધોએ પણ સમજવાની જરૂર છે. દરેક અવસ્થાની પોતાની ગરિમા હોય છે. જો વ્યક્તિ તે સમજી જાય તો પોતાની આવડતથી પોતાના જીવનને સુંદર બનાવી પરિવાર સહિત તેનાં મીઠાં ફળ તે ભોગવી શકે છે.
ગીતામાં શ્રીકૃષ્ણે જ્ઞાનીજનો માટે જીવન જીવવાની ફિલસૂફી સમજાવી છે. માનવ ગીતાનું જ્ઞાન આચરણમાં મૂકીને સમજે કે અતિની કોઈ ગતિ નહીં માટે અતિનો ત્યાગ કરવો જ રહ્યો.