ધરતીનો છેડો ઘર
જીવનની શરૂઆત એટલે બાળપણ અને અંત એટલે ઘડપણ. આ સફરમાં ચાલો ઘર ઘર રમીએ કહીને જીવનની શરૂઆત કયા બાળકે નહીં કરી હોય? પત્તાથી કે દરિયાની ભીની રેતીથી બનાવેલો મહેલ કે પછી તું મમ્મી અને હું પપ્પા કહીને સંબંધોનો માળો ગૂંથીને ઘર બનાવ્યા વગરનું બાળપણ હોઈ જ ના શકે. યુવાનીમાં ઘર માટેનાં સપના અને ઘડપણમાં ઘરની વ્યાખ્યા, જીવનના અંતિમ પડાવ પર દેહરૂપી ઘર છોડીને, નામ-સરનામું બદલીને ચાલ્યા જવાનું. આમ જીવનયાત્રા ઘર સાથે સંકળાયેલી છે.
એક બહેને મને પૂછ્યું, “તમારું ઘર મોટું છે? મારું તો નાનું છે.” જવાબ આપતાં પહેલાં વિચાર આવ્યો, શું ઘર મોટું કે નાનું હોઈ શકે? ગટરનાં પાઇપ કે ઝૂંપડાને ઘર બનાવીને રહેનારા લોકો પણ હોય છે. શ્રીમંત વિસ્તારમાં મોટું કે ઇન્ટિરીયર ડેકોરેશન, ભૌતિક સાધનો અને આધુનિક સુવિધાથી સજ્જ ઘરને તો મકાન કહેવાય. જ્યાં પરિવારમાં પ્રેમ અને ઉષ્મા હોય, એકબીજા માટે ત્યાગ અને બલિદાનની અને એકબીજાની લાગણીઓને સમજવાની ભાવના દરેકના દિલમાં રહેતી હોય, જ્યાં સૌ પોતાના માટે નહીં, એકબીજા માટે જીવતા હોય તેને ઘર કહેવાય. જ્યાં બાળકો કિલ્લોલ કરતાં હોય, વડીલોનું માન-સન્માન સચવાતું હોય, અતિથિઓનો આદર-સત્કાર થતો હોય, ચહલ-પહલ હોય, અવનવા ઉત્સવની ઉજવણી થતી હોય તે ઘર સ્વર્ગ સમાન છે. સાંજ પડે પક્ષીઓ પણ તેમનાં માળામાં પાછાં ફરે છે. દુનિયામાં ક્યાંય પણ જાઓ, જે આવાસ તમને આકર્ષતું હોય, કામ પતે અને ઘરે પાછાં ફરો ત્યારે મન હાશકારો અનુભવતું હોય ત્યારે લાગે કે ધરતીનો છેડો ઘર છે. હા, ભમતા જોગીઓ માટે ઉપર આકાશ અને નીચે ધરતી એ જ એમનું ઘર. બાકી માનવ માટે હરી-ફરીને છેલ્લો વિસામો એટલે ઘર.
માણસ એકલો આવે છે અને એકલો જાય છે પરંતુ ખુદના ખીલવા અને ખરવાની વચ્ચે તેને મહેકવું હોય છે. તેના માટે તેને કોઈ જગ્યા જોઈએ છે જ્યાં તે પાંગરી શકે અને એ છે તેનું ઘર. પ્રેમ અને લાગણીઓ ભેળવીને ગૃહસ્થ અને ગૃહસ્થીના સંયોજનથી ઈંટ, રેતી, સિમેન્ટનાં મિશ્રણથી જે માળખું ઊભું થાય એ ઘર છે. એવા ઘરની દિવાલો મજબૂત હોય છે. જ્યાં દિવાલો મજબૂત હોય અને કુટુંબ ભાવનાથી રંગાયેલી હોય ત્યાં બહારનાં ઝંઝાવાતો વચ્ચે પણ ઘરનાં સભ્યો સુરક્ષીતતા અનુભવે છે. પોતાનું ગાદલું, ઓશીકું, ઓઢવાનું હોય, આસપાસ પોતીકાપણાની સુવાસ હોય, જ્યાં સૂકો રોટલો કે ખીચડી ખાઈને પણ સંતોષનો ઓડકાર આવે, એ ઘર જીવંત હોય છે. તમે દુનિયાના ગમે તે છેડે હોવ આ ઘર તમને આવકારો અને હાશકારો આપવા સદાય તૈયાર હોય છે.
આપણું ઘર એટલે જીવનમાં સેવેલા સપનાઓનું મેટરનીટી હોમ. જે આપણી પળેપળનું સાક્ષી હોય છે. જ્યાં બોલાયેલા શબ્દોનાં પડઘા સંભળાતા હોય છે. જ્યાં વિતેલાં વર્ષો, પુરાણી યાદોનો ખડકલો અને વૈભવ ભરેલો ઇતિહાસ હોય, જ્યાં જીવનનાં અગત્યનાં નિર્ણયો લેવાયા હોય, જ્યાં તમારું બીજ રોપાઈને વૃક્ષ બન્યું હોય ત્યાં તમારાં ઉછેર સાથે ભલા કેટકેટલી કડવી-મીઠી યાદો, ગમા-અણગમા, ફરિયાદો અને સ્મૃતિઓ સચવાયેલી હોય છે! વળી હરતાં, ફરતાં, ચરતા માણસનો ખીલો તો એ ઘર સાથે જ જોડાયેલો હોય છે કારણકે અંતિમ વિસામો પણ ત્યાં જ મળે છે.
અંતિમ સમયે હોસ્પિટલમાં દાખલ કરેલી, મૃત્યુના બિછાને સૂતેલી વ્યક્તિનો જીવ નીકળતો ના હોય ત્યારે એનો જીવ પોતાના ઘરમાં હોય છે અને એ વ્યક્તિને જેવી ઘેર લઈ જવામાં આવે છે પછી ભલે તે કોમામાં હોય પણ પોતીકું ઘર તેને હાશ આપે છે અને તેનો જીવ નિરાંતે શરીર છોડીને જાય છે.
સાચું પૂછો તો ધરતીનો છેડો એક માત્ર વૃદ્ધ વ્યક્તિ જ બતાવી શકે જે તેના જીવનનો અંતિમ પડાવ હોય છે. પોતાનું ઘર છોડીને ઘરડા ઘરમાં અંતિમ શ્વાસ લેતાં વૃદ્ધની વ્યથાનું તો પૂછવું જ શું? ક્યારેક માતા-પિતાએ વૃદ્ધાવસ્થામાં બે બાળકો વચ્ચે વહેંચાવું પડે છે. શું એ ઘર છે?
એક જાણીતા ગીતના શબ્દો યાદ આવે છે. “સાંવરીયો રે મારો … કોઈ પૂછે કે, ઘર તારું કેવડું? મારા વા’લમજી, બાથ ભરે એવડું …” જ્યાં પ્રેમ છે ત્યાં બાથમાં સમાય એવડું ઘર પણ પૂરતું છે. ઘર માટે વિશાળતાની જરૂર નથી. વિશાળ હૃદય પૂરતું છે પરંતુ કળિયુગની આ કઠિણાઈ છે. લાગણીઓ વિસરાઈ છે, ઔપચારિકતા રહી ગઈ છે. ઘર મોટાં થયા છે, દિલ નાનાં થયા છે. પ્રશ્ન ઉદ્ભવે છે, રહેવું ક્યાં …? પરંતુ એક વાત નક્કી છે કે ધરતીનો છેડો ઘર. ભલે પછી આજે જીવનનાં અંતિમ પડાવ પર સફર કરતા કેટલાંક વૃદ્ધ માટે ધરતીનો છેડો ઘરડાંઘર હોય!!!