ચણાના ઝાડ પર ચઢાવવું
ચણાનું ઝાડ હોતું નથી, તેનો છોડ હોય છે. આ વાત કાલ્પનિક કહેવાય. તો પછી આવી કહેવત કેમ? તેના માટે તેનો અર્થ સમજવો પડે. ચણાના ઝાડ પર ચઢાવવું એટલે લાયકાત વગરના માણસના ખોટા વખાણ, ખોટી પ્રશંસા કરવી, ખુશામત કરવી. ચણાના ઝાડ પર ચઢવાની વાત સૂચવે છે કે ખોટી પ્રશંસા એક એવી સીડી છે કે જે ઉપર ચઢાવે છે પણ લિફ્ટની જેમ સડસડાટ નીચે ઉતારે છે.
કેટલાંક લોકોને તેમને કોઈ તેમની પ્રશંસા કરે એ ગમે છે. હમણાં જ ફેસબુક પર એક યુવાન મિત્રએ લખ્યું, મારામાં રહેલાં ગુણો લખો. માત્ર લાઈક ના કરતાં. આ શું સૂચવે છે? શું વ્યક્તિએ બીજાએ કરેલી પ્રશંસાથી ખુશ થવાનું છે? જે વ્યક્તિ મિત્ર બનીને આજે પ્રશંસા કરે છે તે કાલે દુશ્મન પણ થઈ શકે. કાલે તેનો તમારા માટેનો અભિપ્રાય બદલાઈ પણ શકે! બીજાના અભિપ્રાય પર આપણે આપણી જાતને શા માટે મૂલવવી? ખોટી પ્રશંસા કરીને ચણાના ઝાડ પર ચઢાવનાર આ સમાજમાં ઘણાં છે.
સર થોમસે કહેલું કે ફ્લેટરરને જગલર કે જાદુગર કહે છે. તે સત્યથી અળગો હોય છે અને ડાહ્યો માણસ તેનાથી મૂરખ બનતો નથી. જીવનમાં ખુશામત કરતા મિત્રોથી ડરવું રહ્યું.તે દુશ્મન કરતાં પણ વધુ ખતરનાક હોય છે. ખુશામતખોર લાંબે ગાળે સમાજમાં પોતાનું સ્થાન ગુમાવે છે. જી હજૂરિયા, મસ્કાબાજ ચમચા આ દુનિયામાં ઘણાં છે. આ પણ એક કળા છે. પરંતુ આમાં કોણ ફાયદામંદ છે, કોને કેટલું નજીક રાખવું, તે જાણવું એ પણ એક કળા છે.
કેટલાંક લોકો એવા પણ હોય છે કે જે માનતા હોય છે કે, મરી જઈશ પણ કોઈની ચાપલૂસી તો નહીં જ કરું. શું આને જીવન જીવવાનો પ્રેક્ટીકલ વે કહેવાય? ગ્રીસનો મહાન ફિલોસોફર ડાયોજીનસ પોતાની સ્વતંત્ર મસ્તીમાં જીવનારો હતો. ચાપલૂસી કરીને રાજાનું માનપાન અને શ્રીમંતાઈને વરેલો તેનો એક મિત્ર વહેલી સવારે ડાયોજીનસને મળવા નીકળી પડ્યો. ઘોડા પર સવાર મિત્ર જ્યારે ડાયોજીનસના ઘેર પહોંચ્યો ત્યારે તે સૂકું અનાજ ખાંડી રહ્યો હતો. તેની દરિદ્રતા જોઈને તેના મિત્રે કહ્યું કે માણસમાં જો થોડી પણ ખુશામત કરવાની આવડત હોય તો આમ સૂકું અનાજ ફાકવાનો સમય ન આવે. પોતાની ધૂનમાં પ્રવૃત્ત ડાયોજીનસે માર્મિક જવાબ આપ્યો, “સૂકું અનાજ ખાઈને પણ જો જીવી શકાતું હોય તો ખુશામતની કોઈ જરૂરિયાત રહેતી નથી .”
જો કે સમાજમાં એવી ઘણી વ્યક્તિઓ છે કે જે હું સાચો છું, ની ખોટી માન્યતાનો આંચળો ઓઢી, વિદ્રોહી સ્વભાવ ધરાવનારા અને સૂકું અનાજ ખાઈને પણ જીવન જીવતા જોવા મળે છે. નીજી હઠને કારણે પોતે પછડાય છે અને લાગતા-વળગતાને પણ તેની સજા ભોગવવી પડે છે. છેવટે તેમનો પડછાયો પણ તેમનો સાથ છોડી દે છે. સબળ કારણ વગર કોઈ વ્યક્તિનું હજૂરિયાપણુ કરવાની જરૂર નહીં, પણ જો ખુદાને પણ ખુશામત પ્યારી હોય તો, જરૂરી અને યોગ્ય વ્યક્તિની પ્રશંસા તો કરવી જ રહી.
કાગડાની એક બાળવાર્તા કેટલું કહી જાય છે? કાગડાનું મોંઢામાં પૂરી લઈ ઝાડ પર બેસવું, લુચ્ચા શિયાળનું કાગડાના કંઠનાં વખાણ કરવા, કાગડાનું ફુલાઈ જવું, કાગડાનું ગાવું, મોઢામાંથી પૂરી નીચે પડી જવી, અંતે શિયાળનું પૂરી ખાઈ જવું! આ વાર્તા આજે પણ ઠેરઠેર જોવા મળે છે. પરંતુ ટેકનિકલ યુગના યુવાન કાગડાને ખબર છે કે ગાતી વખતે પૂરી પગ નીચે દબાવીને મોં ખોલવાનું. શિયાળ ચઢાવે તેમ ચણાના ઝાડ પર ચઢવાની તૈયારી તેની હોતી નથી. છતાંય માણસ છે ત્યાં દુર્જન છે. તે તેની તરકીબો કરે રાખશે. પરંતુ ક્યાં કેટલું બચવું તે આજનો યુવાન શીખી ગયો છે!