સાપ ગયા અને લીસોટા રહ્યાં
આ કહેવત વાંચતાં જ આજની પેઢીનાં બાળકોને વિચાર આવે, સાપ તો જોયો છે પણ આ લીસોટા શું છે? આ કહેવત જૂના જમાનાની છે. જ્યારે ગામડામાં ધૂળિયા રસ્તા હતા. જ્યાંથી સાપ પસાર થાય ત્યાં ધૂળમાં લિસોટા પડે અને તમને ખબર પડે કે સાપ અહીંથી પસાર થયો છે. પછી એ લીસોટા સમયાંતરે પૂરાઈ જાય. હવે તો ગામમાં પણ પાકા રસ્તા થઈ ગયા છે. લીસોટાનો કોઈ સવાલ જ નથી. જ્યારે શહેરોમાં આ કહેવત વિચારવાની નથી.
પરંતુ હા, આજના સંદર્ભે આ કહેવત બોલચાલમાં ખાસ આવે છે. સમય, સંજોગો, વ્યક્તિ, પરિસ્થિતિ વર્તમાનમાંથી ભૂતકાળ બની જાય છે, એક સાપની જેમ, અને તે જે નિશાની છોડી જાય છે તેને આપણે લીસોટા કહીએ છીએ. જેને કેડી પણ કહી શકાય. સમયે સમયે સંબંધોના સાપ સરકી જાય છે પણ વ્યકિતના માનસપટ પર લીસોટા છોડી જાય છે. આ લીસોટા કંઈક ખાટી-મીઠી યાદોને તાજી કરાવી દે છે. ત્યારે વ્યક્તિ બોલી ઊઠે છે, “સાપ ગયા અને લીસોટા રહ્યાં”.
વર્તમાન અમર નથી. ગીતામાં શ્રીકૃષ્ણે કહ્યું છે, પરિવર્તન એ જ સંસારનો નિયમ છે. સૃષ્ટિચક્ર પરિવર્તનશીલ હોય છે. દરેક સંસ્કૃતિનો ઉદય થઈને પરાકાષ્ઠા સુધી પહોંચીને વિલીન થાય છે. જે તે સંસ્કૃતિને પોતાનો ધર્મ, રીતરિવાજો, રહેણી કરણી, બોલચાલ, અમુક ગ્રંથીઓ, પહેરવેશ, ખોરાક, નીતિ નિયમો અને કાયદાઓ હોય છે. જેને આપણે સંસ્કાર કહીએ છીએ. સમય જતાં દેશ-કાળ, પરિસ્થિતિ પ્રમાણે અને ખાસ તો માણસની સગવડતા પ્રમાણે તેમાં બદલાવ આવે છે. જૂના નીતિ નિયમો, વિધિ-વિધાન ભુલાય છે. નવા ઘડાય છે, જે વ્યક્તિ, કુટુંબ, સમાજ કે ધર્મનો આધારસ્તંભ બને છે. જે નિશ્ચિત અને અનિવાર્ય છે તેને સ્વીકારવું જ રહ્યું.
સ્ત્રી ગર્ભ ધારણ કરે છે ત્યારથી, બાળક જન્મ અને તેના ઉછેરમાં કેટલો બદલાવ આવે છે? સાપના લીસોટાને જો આજની પેઢી અનુસરશે, તો….? તે શક્ય જ નથી. બાળકનું ઘડતર, કેળવણી, માનસિકતામાં તીવ્ર ગતિએ ફેરફાર થઇ રહ્યો છે. ખોરાક, પહેરવેશમાં પણ ફેરફાર નોંધનીય છે. આજે લગ્નજીવન માટે ધર્મનો કોઈ બાધ નથી. એક જ કુટુંબમાં અનેક ધર્મનું પાલન થાય છે અને તેની દરેકને સ્વતંત્રતા હોય છે. એક જ ઘરમાં એકથી વધુ ભાષાનો વપરાશ જોવા મળે છે. પરિણામે વિચારોમાં અસમાનતા અને સ્વકેન્દ્રીપણું વિકસતું જાય છે. વ્યક્તિ માત્ર તેના પોતાના વ્યક્તિત્વ અને અસ્તિત્વનો વિચાર કરે છે. ઘરડાં મા બાપ કે પોતાના સંતાનો માટે સમયનો અભાવ જોવા મળે છે. જગત આખું ભૌતિકતા તરફ દોટ મૂકી રહ્યું છે. સાપના ગયેલા માર્ગ પર આજુબાજુથી ધૂળની ડમરીઓ, પ્રદૂષણનો વંટોળ એટલો જોરથી ફૂંકાઈ રહ્યો છે કે દૂરનું તો ઠીક પણ હમણાં જ કેડી કંડારેલી હોય એટલે કે સાપ ગયો હોય અને રસ્તો ભૂંસાઈ જાય છે.
આ સંજોગોમાં પ્રશ્ન એ ઉભો થાય છે કે શું જૂના રસ્તા યાદ રાખીને સાચવી રાખવા? તેનું જ અનુસરણ કરવું? વ્યક્તિએ પોતાના કુટુંબ અનુસાર, સંસ્કાર અનુસાર, પોતાના પરિવારના હિતમાં હોય તેને પોતાનો જીવનમાર્ગ બનાવવો જોઈએ. બીજાના પેંગડામાં પગ મૂકીને જીવનાર વ્યક્તિની દશા, ‘ના ઘરનો ના ઘાટનો’ જેવી થાય છે. દેશ પ્રમાણે સંસ્કાર બદલાય છે. જૂની સંસ્કૃતિને યાદ કરીને જીવનાર પોતાના પરિવારને ન્યાય આપી શકતો નથી.
આજે અમારા જમાનામાં, અમે તો આમ … તેવું કહેનારા વડીલો, વૃદ્ધોએ આ કહેવત સતત યાદ રાખીને આજની પેઢી પર પોતાના વિચારોને થોપવા ના જોઈએ. હવે રસ્તા ધૂળવાળા નથી રહ્યા. પાકી સડકો થઇ ગઇ છે. પગલાની જૂની છાપ ભૂંસાતી જાય છે. નવી પેઢીને વિકસવા દો. તેમની સામે તેમનો વિશાળ ફલક છે. પાંખો તમે આપી છે તો ઉડવા દો. આકાશે ઊડતાં પક્ષીનું વિઝન વિશાળ હોય છે. તે બધું જ જોઈ શકે છે. વિચારીને વર્તવાનું તેમના હાથમાં છે. અંકુશ પણ તેમને રાખવા દો કારણ કે આજનો યુવાન એ આવતી કાલનો સૂત્રધાર છે.
જેણે સાપ જોયા છે તેણે તેના લીસોટા માત્ર યાદ કરવાં જ રહ્યાં. સાપ જેમ સમયાંતરે તેની જૂની કાંચળી ઉતારતો જાય છે અને નવી ધારણ કરે છે તેમ માણસે આ સતત પરિવર્તનશીલ યુગમાં cut, copy, paste કરતાં રહેવું જોઈએ. જોવું, જાણવું, માણવું, ભૂલી જવું અને આગળ વધવું. સાપની જેમ પોતાની નિશાની છોડતાં જવું અને જગ યાદ રાખે તેવું કાર્ય કરતાં જવું, જેથી લોકો બોલી ઊઠે, સાપ ગયા અને લીસોટા રહ્યાં.