નારી તું તણાવને વરી
નારી સમાજની ધરી હોવા છતાં તણાવને વરેલી છે. આદિકાળથી ઈશ્વરે સૃષ્ટિના સર્જનની જવાબદારી નારીને સોંપી છે. પુરુષપ્રધાન સમાજમાં નારી કેન્દ્રસ્થાને છે અને હતી. પરંતુ નારીનું ખરું સ્થાન ક્યાં હતું? ઇન્દ્રનું માનસ ઈન્દ્રાણીને છોડીને ભટકતું. દુષ્યંતે શકુન્તલાનો અને રામે સીતાનો ત્યાગ કર્યો હતો. દ્રૌપદીને પોતાના જ પતિએ દાવ પર લગાવી હતી. તેનું કાર્યક્ષેત્ર હતું માત્ર ઘરની ચાર દીવાલ. સ્ત્રી એક, રૂપ અનેક. બાળકી, યુવતી, પરિણીતા, વિધવા. એક દીકરી, બેન, પત્ની, વહુ, મા, દાદી. સુહાગણનાં શણગાર સમા ઘરેણાં તેના કાન, કેડ, હાથ, પગમાં બેડી બનીને નારીશક્તિને નાથવા માટે પહેરાતાં રૂઢિગત સમાજનો શિકાર બનતી સ્ત્રી દબાતી, ચગદાતી અને તેનાં અસ્તિત્વને ટકાવી રાખવા વલોપાત કરતી તણાવમાં જીવતી ગઈ. કોઈ તેની ફરિયાદ સાંભળવા તૈયાર ન હતું કારણકે સમાજની આંખો પર આગળથી ચાલી આવતાં રિવાજો અને માન્યતાઓની પટ્ટી બાંધેલી હતી.
ધીમે ધીમે સમાજ-સુધારકો દ્વારા નારી તરફી કાયદા ઘડાતાં ગયાં. સ્ત્રી કેળવણી અને સ્ત્રી સમાન અધિકાર પ્રત્યેની જાગરૂકતાને લીધે સ્ત્રીના અસ્તિત્વને સમાજ સ્વીકારતો થયો. આર્થિક રીતે નારી સ્વતંત્ર બનતી ગઈ. પિતાએ દીકરીને, ભાઈએ બહેનને, પતિએ પત્નીને અને સમાજે નારીને સ્થાન આપ્યું. ભૂતકાળની સ્ત્રીનાં અસ્તિત્વએ જાણે બળવો પોકાર્યો. ઘરની લક્ષ્મી હવે સાચા અર્થમાં મા અંબા બનીને સિંહ પર સવારી કરતી થઈ ગઈ છે. ઊંચી ઉડાન ભરવા સ્ત્રીએ ઉંબરો ઓળંગવાનું શરૂ કર્યું. સમયના બદલાતા પડાવે નારીના રૂપને બદલી નાખ્યું. તે હાઉસવાઇફમાંથી હોમમેકર બની ગઈ. પરિવર્તનના આ ગાળામાં નારીની સ્થિતિ તણાવ ભરેલી રહી.
સદીઓ પહેલાં લખાયેલો પદ્મપુરાણનો આ શ્લોક આજની નારીએ યથાર્થ કર્યો,
કાર્યેષુ દાસી, કર્મેષુ મંત્રી, ભોજ્યેષુ માતા, શયનેષુ રંભા,
ઋપેષુ લક્ષ્મી, કર્મેષુ ધારિત્રી, શત ધર્મ યુક્તા, કુલ ધર્મ પત્ની.
પરિણામે આજની નારીએ તણાવને જાતે આમંત્રણ આપ્યું. તેને સુપર વુમન બનવું છે, પુરુષ સમોવડી બનવું છે. નારીની સફળતાના સિક્કાની બીજી બાજુ તણાવ રહેલો છે. હા, તણાવનો પ્રકાર બદલાયો છે. પરિણામે તેની અંદરની સ્ત્રી સહજ મૃદુતા, કોમળતા, સુંદરતા, મમતા હણાઈ ગઈ છે. જેટલી નારી તેટલી સમસ્યા જોવા મળે છે. આજની નારીનું જીવન એટલે પ્રશ્નોનો ખડકલો. નારી જીવનની શરૂઆત અને અંત સમસ્યા અને સમાધાન વચ્ચે ઝોલા ખાય છે. શિવ-શિવાથી બનેલું અર્ધનારેશ્વરનું રૂપ પામર માનવ બદલવા જાય ત્યારે ઊભા થતાં તણાવની હોળીમાં સમાજનું સર્જન કરનાર નારી હોમાશે ત્યારે સમાજનું ચિત્ર કેવું હશે તેની કલ્પના જ કરવી રહી. કુદરત સામે થનાર અને જનાર નારીની દશાનું ચિત્ર હાડ-માસથી ભરેલા અનેક હાથવાળું પૂતળું બહારથી લાગશે પરંતુ માત્ર તે તણાવથી ભરેલું હશે. મોંઘવારી અને દેખાદેખીનો દાવાનળ સ્ત્રીને આર્થિક ક્ષેત્રે હરણફાળ ભરતી બનાવી દે છે અને તણાવનો રાક્ષસ કોમળ હરણીની પાછળ પડી જાય છે. ભલા કોણ તેને બચાવશે? યથાર્થ કર્યો,
જેમ નારીનું જીવન મેઘધનુષી છે તેમ તેની સમસ્યાઓનું છે. તેનું સમાધાન પણ નારી જ કરી શકે. તેણે પોતે પોતાના વૈદ્ય બનવું પડે. સમાજને નારી પાસેથી કેટલી અપેક્ષાઓ હોય છે? સમાજ ઇચ્છે છે કે તેની મહત્વાકાંક્ષા અને કુટુંબ વચ્ચેનું સંતુલન માત્ર સ્ત્રી કરે. રોજિંદા જીવનમાં સુખનું સંતુલન જાળવવા માટે એક નારીએ ક્યાં ક્યાં સંતુલન નથી કરવું પડતું? કુદરતે ગર્ભ ધારણ કરી બાળકને જન્મ આપવા માટે માત્ર નારીને પસંદ કરી છે. આટલી ક્ષમતા ધરાવી સફળ બનેલી મા જીવનમાં પ્રાધાન્ય સંતાનને આપશે કે કારકિર્દીને? કુટુંબ, કારકિર્દી અને સંબંધોનું સંતુલન કરતા કરતા તે તેના રોજિંદા જીવનમાં સુખનું સંતુલન જાળવવાનું ભૂલી જાય છે. અમુક ચોક્કસ ઉંમરે નારીના હોર્મોન્સમાં થતું અસમતુલન તેને વિચલિત કરી દે છે. પરિણામે સરજાતાં તણાવનું ઝેર નારીના અસ્તિત્વને છિન્નભિન્ન કરી દે છે. તે દવાઓનાં રવાડે ચઢી જાય છે. જ્યારે એક નારીનું પતન થાય છે ત્યારે તેની સાથે અનેક જિંદગીઓ જોખમમાં મુકાય છે.
તણાવમુક્તિ માટે સૌ પ્રથમ નારીએ પોતાની જાતને પ્રેમ કરી તેનો સ્વીકાર કરતાં શીખવું પડે. પોતાની લાગણીઓને મેનેજ કરતાં આવડી જાય, પોતાના આતમ સાથે વાત કરતાં આવડી જાય, ખુદ માટે સમય ફાળવતા આવડી જાય એ ખૂબ જરૂરી છે. આ બધાં માટે હકારાત્મક અભિગમ, સારાં પુસ્તકોનો સંગ અને સત્સંગ ખૂબ જરૂરી છે. નારીએ યોગ-ધ્યાન કરીને તેનો અંતરનો અવાજ સાંભળવાની આદત કેળવવી પડશે. તેનો શોખ, દવા અને હમદર્દ બનીને તેના અસ્તિત્વને ટકાવવામાં મદદ કરશે. ક્યારેક બીજાને સમય આપીને ક્ષણોને જીવંત કરવાથી તણાવ દૂર ભાગે છે.
નારી તો એવી તાકાત છે કે દાવાનળની વચ્ચે, ઝંઝાવાતની વચ્ચે પણ પોતાની જાતને બચાવે અને બીજાને પણ સાથે ઉગારે. નારી કામધેનુ છે જે દૂધ આપી પોષણ કરે છે. એક એવું કલ્પવૃક્ષ છે જે તેના શરણે જનારને છાયો, શીતળતા, સાતા આપે છે, ફળ આપે છે, મીઠી નીંદર આપે છે. નારી એક એવો સ્રોત છે જે યોગ્ય સમય સંજોગો આવે ત્યારે સુષુપ્ત શક્તિ સ્વરૂપે બહાર આવે છે. બદલાતા સંજોગોના પડાવ પર નવા રૂપે ઢાંચામાં ઢળતાં તેને વાર નથી લાગતી. હે નારી, તું તણાવને વરી નથી પણ સમાજને તણાવમાંથી બહાર લાવનાર નારાયણી છું.
નારાયણી નામોસ્તુતે ॥