ચાર દિવસની ચાંદની જાતાં નહીં લાગે વાર
જીવનમાં દરેક વસ્તુ ક્ષણિક હોય છે. જેની આજ છે તેની કાલ છે. જે આવ્યું છે તે જવાનું છે. જેનો જન્મ છે તેનું મૃત્યુ છે. રડતાં તો દુનિયા શીખવે છે. તો શા માટે હતાશામાં હસતાં ન રહેવું? ઘા ખોતરનારા તો અનેક હોય છે. મલમપટ્ટો કરતાં જાતે શીખવાનું છે. હસતાં પોતે શીખવાનું છે. કારણ કે સુખ પછી દુઃખ અને દુઃખ પછી સુખ આવવાનું છે. આ તો જીવનની ઘટમાળ છે. માટે સુખને ભરપૂર માણીને જે ચેતી જાય છે તેને આવનાર અંધારી રાતમાં જીવવાનાં ઉપાય પણ મળી રહે છે.
કવિ દયારામે સરસ કહ્યું છે,
“અમૂલખ લટકું લાભનું, ચેત્યાં તે પામ્યા પાર,
ચાર દિવસની ચાંદની જાતાં નહીં લાગે વાર રે”.
જે નાશવંત છે તેનો શોક શા માટે કરવો? તેના બદલે પરિસ્થિતિનો સામનો કરી આજને ઉજાગર કરવી જોઈએ. જેથી ચાંદની ચાર દિવસની ના રહેતાં જીવનમાં સદાય પથરાયેલી રહે. આજની પેઢી નિરાશા, અસફળતા કે બ્રેકઅપને પણ સેલિબ્રેટ કરે છે. હતાશાની ક્ષણને જીવનમાંથી ડિલીટ કરવી જોઈએ.
ધ્યેય વગરનો માણસ હોઈ ના શકે. સવારે કામના લાંબા લિસ્ટ સાથે ઊઠતો માણસ અધૂરાં રહી ગયેલાં કામનાં લિસ્ટ સાથે સોડ તાણે છે ત્યારે તે ભૂલી જાય છે કે ચાંદની ચાર દિવસની હોય છે. નિષ્ફળતા માટે બહાના શોધતો માણસ પોતે જ જવાબદાર હોય છે કારણ કે તેને પૂનમ પછીની અમાસનો અંદાજ નથી હોતો.
એક સરસ વાર્તા વાંચેલી. એક સફળ કંપનીનાં ચેરમેને મિટિંગ બોલાવીને સૌને કહ્યું, આપણી કંપની આટલી સફળ છે પણ આપણે શું કરીએ તો આપણી કંપનીનું દેવાળું ફૂંકાય? સૌએ આશ્ચર્ય સાથે ગણગણાટ શરૂ કર્યો. આ ચેરમેનનું છટક્યું કે શું કે તે કંપનીને દેવાળામાં કાઢવાની વાત કરે છે! પણ શું થાય? સૌએ યાદી તૈયાર કરીને ચેરમેનને આપી. કંપનીનું દેવાળું ફૂંકવા માટેના કારણોનું લિસ્ટ થોડા જ સમયમાં તૈયાર! પછી ચેરમેને કહ્યું, કંઈક મેળવવા કંઈક ગુમાવવું પડે છે, ચાંદની પછી અંધારી રાત આવે છે. પરંતુ અંધારી રાત માટે તમે સૌ સભાન છો તો શક્ય જ નથી કે આપણી કંપની દેવાળું ફૂંકે. તમે જે લિસ્ટ બનાવ્યું છે તે ફાડીને ફેંકી દો. તમે જે ધારો છો તે કરવા હકારાત્મક રીતે સજ્જ બની જાઓ. પછી ચાંદની જ ચાંદની છે. ચેરમેને કરાવેલી આ કસરત કંપનીને હંમેશા ટોચ પર રાખતી.
જો ચાંદની ચાર જ દિવસની હોય તો વ્યક્તિએ એ ચાર દિવસનો ભરપૂર લાભ ઉઠાવવો જોઈએ. જીવનમાં જે કરવાનું બાકી હોય તે કરીને બધાં જ અભરખા પૂરા કરવા જેથી વસવસો ના રહે. એનું નામ શાણપણ કહેવાય. પરંતુ શું કરવું છે તેની સાથે શું નથી કરવું તેની માણસને ખબર હોવી જોઈએ.
પરીક્ષિત રાજાને તો નક્કી હતું કે સાતમા દિવસે મૃત્યુ છે એટલે કથા સાંભળવા બેઠાં. પણ આપણે તો એ પણ નક્કી નથી, સવારે ઊઠીશું કે નહીં. માટે ચર્પટપંજરીકા સ્તોત્રમાં જીવનના આરે, મૃત્યુ સમીપ જનાર માટે, જીવનની ગતિ શું થશે એના માટે કહ્યું છે,
“અંગમ ગલિતમ, પલિતમ મુંડમ, દશનવિહીનમ જાતમ તુંડમ।
ભજ ગોવિંદમ્ ભજ ગોવિંદમ્ ગોવિંદમ્ ભજ મૂઢમતે॥”
અંગો ગળી ગયાં, માથાનાં વાળ પાકી ગયાં, મોઢામાં દાંત રહ્યા નહીં, ઘરડો થઈ ગયો તો પણ આશા દેહને છોડતી નથી, તેથી હે મૂઢ! નિરંતર ગોવિંદને જ ભજ. કબીરજી પણ જીવનની આ ચિંતનીય દશા વિશે દયા ખાતાં કહે છે કે,
“ચાર પ્રહર ધંધે ગયા, તીન પ્રહર ગયા સોઈ,
એક પ્રહર નામ બિન, તેરી મુક્તિ કૈસે હોઈ.”
ગુરુ કહેતાં હોય છે, “બડે ભાગ મનુષ તન પાવા.” તો પછી માનવજીવનનો સદ્ઉપયોગ કરીને શા માટે ચેતીને ના ચાલવું?
જીવનની વાસ્તવિકતા અંગે સભાન વ્યક્તિ ક્યારેય અંધારી રાતનો અનુભવ નહીં કરે. વ્યક્તિ જીવનમાં સંતુલન જાળવી શકશે. જીવનમાં જાણે કે અજાણે જો અંધારું આવવાનું હોય તો તેના માટે ટૉર્ચ કે ઇમર્જન્સી લાઇટની તૈયારી રાખવા જેટલાં સભાન તો રહેવું જ જોઈએ.