જેવી દૃષ્ટિ તેવી સૃષ્ટિ
સૃષ્ટિને સુંદર જોવા માટે કવિ કલાપીની પંક્તિ યાદ આવી જાય, “સૌંદર્યો પામતાં પહેલાં સૌંદર્ય બનવું પડે.” ઝવેરચંદ મેઘાણીએ પણ કહ્યું છે, “સ્નાન હો ઘરમાં કે હો ગંગા તટે, છે શરત એક જ ભીતરથી શુદ્ધ થા!” આપણું આંતરમન સકારાત્મકતાના પ્રકાશપુંજથી ભરપૂર હશે તો બહારનું કોઈ પણ પરિબળ આપણી દૃષ્ટિને મલિન કરી શકે નહીં. વાત છે અભિગમની. દૃષ્ટિકોણનો આધાર મનની પરિસ્થિતિ ઉપર નિર્ભર હોય છે.
સાદું, સરળ જીવન જીવતી એક સામાન્ય સ્ત્રીની આ વાત છે. ન્યૂયોર્કમાં રહેતી અને નોકરી કરતી. એક દિવસ નોકરી માટે જતી હતી. રસ્તામાં તેણે એક હેટની દુકાન જોઈ. તે અંદર ગઈ. તેને એક હેટ ગમી. તેણે હેટને માથા પર પહેરીને મિરરમાં જોયું અને તે હસી. હસતો ચહેરો તેની સુંદરતામાં વધારો કરતો હતો. તે ખુશ થઈ અને હેટ ખરીદી. રસ્તામાં કોફીશોપવાળાએ કહ્યું, મેમ, યુ લુક બ્યુટીફુલ ! એ જ્યાં જોબ કરતી હતી તે બિલ્ડિંગના ડોરકિપરે તેને સ્મિત આપ્યું. તેને સારું લાગ્યું. તેની કૅબિનમાં આજુબાજુ બેઠેલાં અને પસાર થતાં બોસે તેને સ્માઈલ આપ્યું. એ એટલી બધી ખુશ થઈ કે કામમાં ચિત્ત ના ચોટ્યું. વહેલાં ઘેર જવાનું મન થયું. થોડું કામ કરીને નીકળી ગઈ. ઘેર પહોંચી દરવાજો ખોલી અંદર ગઈ કે એની માએ કહ્યું, તુ આજે ખૂબ સુંદર લાગે છે. એણે કહ્યું, મારી આ હેટને લીધે. એની માએ કહ્યું, કઈ હેટ? તેણે માથે હાથ ફેરવ્યો તો હેટ હતી જ નહીં. હેટ તેના મનમાં હતી. તેને થયું મેં ખરીદી હતી, પહેરી હતી. પછી એને યાદ આવે છે કે પેમેન્ટ કરતી વખતે હેટ લેવાનું ભૂલી ગઈ હતી. પણ એનાં મનમાં એમ હતું કે એણે હેટ પહેરી છે અને એ બહુ સુંદર લાગે છે. હેટના વિચારમાત્રથી તેનામાં ખુશીના કારણે તેની સુંદરતામાં વધારો થયો હતો. તેની આંખોમાં ચમક અને ચહેરા પર લાલી આવી હતી. દૃષ્ટિફેરથી પોઝીટીવ વિચાર કેવાં ચમત્કાર સર્જી શકે છે તે આ ઉદાહરણથી સમજાય છે.
વિચારમાત્ર સંજોગોને બદલી શકે છે. સંજોગો બદલાતાં નથી. વિચાર બદલો, દૃષ્ટિ બદલો, દૃષ્ટિકોણ આપોઆપ બદલાશે. પરિણામે સંજોગો બદલાશે. આપણી આંખોના ચશ્મા પર ધૂળ જામેલી હશે તો દુનિયા ધૂંધળી દેખાશે. ચશ્માના કાચનો જેવો રંગ હોય તેવા રંગની દુનિયા દેખાય. વાત થઈ અડધો ભરેલો કે અડધો ખાલી પ્યાલાની. કહેનારે કહ્યું છે, No poison can kill a positive thinker and no medicine can save a negative thinker.
કેટલાક લોકો ગુણગ્રાહી હોય છે. બીજાની ખરાબ વસ્તુમાં સારું શોધશે. તો વળી સફેદ પરદામાં કાળો ડાઘ શોધવાવાળા પણ સમાજમાં છે. કમળો થયો હોય તેને બધું પીળું જ દેખાય. સંત કબીરે કહ્યું છે. “બુરા દેખન મૈં ચલા, બુરા ન મિલા કોઈ, જો મન ખોજા અપના મુઝસે બુરા ન કોઈ.” દુર્યોધનને રાજ્યમાંથી એક પણ સારી વ્યક્તિ મળી ન હતી. જ્યારે એ જ રાજ્યમાંથી યુધિષ્ઠિરને એક પણ ખરાબ વ્યક્તિ મળી ન હતી. સારી નજર કાદવમાં કમળ જોશે અને નકારાત્મક નજરવાળાને હંમેશા ગુલાબમાં કાંટા દેખાશે. માણસની વિચારસરણી જેવી હોય એવું જ એને દેખાય. યોગીને શબ સ્વરૂપે લાગતી એક સુંદર સ્ત્રી કામી પુરુષને અપ્સરા જેવી લાગશે અને હિંસક પ્રાણીને માત્ર માંસનો લોચો દેખાશે!
જ્યારે વીજળીના બલ્બની શોધ કરનાર એડિસન ૬૭ વર્ષનાં હતાં ત્યારે તેમની લૅબોરેટરીમાં આગ લાગી. મોટું નુકસાન થયું. જે અગ્નિએ તેમના જીવનના કાર્યને નષ્ટ કરી દીધું હતું તેણે તેમને ઉત્સાહિત કર્યાં હતાં. કેટલીક વસ્તુઓ આપણાં નિયંત્રણની બહાર હોય છે તે સમજ્યા પછી, જે બદલી શકાતું નથી તેને સ્વીકારવું જ રહ્યું. ઉમાશંકર જોશીની પંક્તિ છે, “નિષ્ફળતા મળી અનેક, સફળ થયો હું કૈંક.” આમ સકારાત્મક દૃષ્ટિકોણ આપણી જીતનો આધાર બને છે. યોગમાં કહેવાય છે કે શરીરને નીરોગી રાખવા માટે મન નીરોગી હોવું જરૂરી છે. હકારાત્મક વિચારોનું ચિંતન, મનન કરવાથી મન હકારાત્મક બને છે. પરિણામે શરીર રોગનું ઘર બનતું અટકે છે.
એક શ્રીમંતે પરિવારને સંયુક્ત રહેવા માટે મોટી હવેલી બનાવી. રહેવા જવાના આગલાં દિવસે ધરતીકંપમાં હવેલી ધરાશાયી બની. કરોડોનું નુકસાન થતાં સૌ દુઃખી થયાં પરંતુ એ શ્રીમંતે મીઠાઈ વહેંચી. તેમનો અભિગમ હતો કે રહેવા ગયા પછી આ ઘટના બની હોત તો સૌના જાન જાત. કુદરત પણ કેટલી મહેરબાન છે !
જીવનમાં જે થવાનું છે તે થઈને જ રહે છે. પરંતુ જો તે ઘટનાને હકારાત્મક રીતે લઈએ તો દુઃખ હળવું બને છે. આમ જીવનમાં સંજોગોને હળવા બનાવીને જોવાથી જગત બદલાશે. નજર બદલવાથી નજારો બદલાશે. અંતે લાગશે કે આપણે જ આપણાં ભાગ્યનાં વિધાતા છીએ!