સંપ ત્યાં જંપ, કુસંપ ત્યાં કળિ
બાળપણમાં સાંભળેલી વાર્તા આ કહેવતને સિદ્ધ કરે છે. આ સંસ્કાર મોટા થતાં પથદર્શક બની જાય છે. એક વાર્તા હતી. પક્ષીઓનો શિકાર કરવા એક શિકારીએ જમીન પર જાળ બિછાવી. તેના પર અનાજનાં દાણા વેર્યા જેથી પક્ષીઓ દાણા ચણવા આવે અને જાળમાં ફસાય. તે શિકારની રાહ જોતો, ઝાડ પાછળ સંતાઈ ગયો. થોડી જ વારમાં, દાણા જોઈને કબૂતરોનું એક ટોળું ત્યાં ઊતર્યું. દાણા ચણતાં કબૂતરો જાળમાં ફસાઈ ગયાં. હવે છૂટવું કેવી રીતે? આ બધાં કબૂતરોમાં એક વૃદ્ધ કબૂતર પણ હતું. તેણે થોડીવાર વિચાર કર્યો અને બધાં જ કબૂતરોને એક સાથે ઊડવાની યુક્તિ બતાવી. બધાં જ કબૂતરો એકી સાથે જાળ લઈને ઊડયા. શિકારી તો જોતો જ રહી ગયો. કબૂતરોનો જીવ બચી ગયો. આને કહેવાય સંપ ત્યાં જંપ.
પંચતંત્રની ઘણી વાતો સૂચવે છે, “સંહતિ: કાર્ય સાધિકા”. સંપથી અશક્ય કાર્ય પણ શક્ય બને છે. અંગ્રેજીમાં કહેવત છે, “United we stand, Divided we fall”. સંપ માટે સંપર્ક, સાંનિધ્ય, સહવાસ અને સહકાર જરૂરી છે જેને કારણે એકતા બની રહે છે. માનવ સામાજિક પ્રાણી હોવાથી તે હંમેશાં એકબીજા પર નિર્ભર રહે છે. આજે ચંદ્ર પર પહોંચેલો માનવ કુસંપને કારણે એકબીજાના હૃદય સુધી પણ પહોંચી શક્યો નથી. જ્યાં સુધી સંપ છે ત્યાં સુધી માનવતા છે. ભાષા, ધર્મ, કોમ અને દેશની સરહદને સલામત રાખી માનવધર્મને અગ્રેસર રાખે તો જ ઘર, કુટુંબ, સમાજ અને દેશ સંગઠિત રહી શકે. સંપ એટલે પરસ્પર મનમેળ. એકમેક વચ્ચે સ્વાર્થ અને અહંકારના પડળ તૂટે તો જ સંપ અને પરિણામે જંપ શક્ય બને. ચૈતન્ય મહાપ્રભુજીએ કહ્યું છે, આ માટે તણખલાથી વધુ વિનમ્ર અને વૃક્ષથી પણ વધુ સહનશીલ થઈને રહેવું જોઈએ. આપણામાં રહેલી લઘુતા કે ગુરુતાગ્રંથીને દૂર કરી મૈત્રીભાવ કેળવવો જોઈએ.
પ્રાણીમાત્રમાં સંપ જોવા મળે છે. એક કહેવત છે, “ઝાઝી કીડીઓ સાપને તાણે”. પોતાના વિસ્તારમાં બહારનો કૂતરો કે અજાણી વ્યક્તિ આવે તો તે વિસ્તારનાં બધા કૂતરાં ભેગાં થઈને ભસવા માંડે અને તેમને ભગાડી દે છે. કુદરતમાં પણ સંપ ના હોય તો સૂર્ય, પૃથ્વી તેમજ તમામ ગ્રહ તથા તારા એકબીજા સાથે અથડાયા વગર રહે નહીં. દરેક પોતાનું કાર્ય સંપીને, નિયમથી કરે છે. માનવશરીરના અંગો પણ સંપીને પોતપોતાનાં કાર્યો કરે છે.
માનવમાં જ્યાં ટોળાશાહી છે ત્યાં વિચારશક્તિ હોતી નથી. બાકી સંપ એ પ્રકૃતિનો અટલ નિયમ છે. ઈશ્વરે આપેલી અમોઘ શક્તિ છે. માનવવિકાસનું મુખ્ય અંગ છે. સંપથી બનેલાં સંઘ માટે ભગવાન બુદ્ધે આપેલું, “સંઘમ્ શરણમ્ ગચ્છામિ” સૂત્રને જીવનમાં ઉતારવું રહ્યું. તો જ સમાજનું કે દેશનું ઉત્થાન શક્ય બનશે.
જેમ એક તાર તોડવો સહેલો છે પણ તારનો સમૂહ કે દોરડું તોડવું અઘરું છે. જેમ એક સળી તોડવી સહેલી છે પણ તેમાંથી બનાવેલો સળીનો ભારો તોડવો અઘરો છે. “બહુવંત બલવંત” એ સિદ્ધ થયેલી વાત છે. આવી જ રીતે દેશની તમામ વ્યક્તિ અને દરેક પક્ષ સંપીને કામ કરશે તો તેમનાં સંગઠન બળને કોઈ તોડી શકશે નહીં. પરિણામે દેશની સીમાઓ સુરક્ષિત રહેશે. જો અંદર એકતા હશે તો બહારનાં પરિબળ પણ ચેતીને ચાલશે. દુશ્મન માટે દેશના માળખાની કાંકરી ખેરવવી અઘરી પડશે.
જેમ બિલોરી કાચથી એકત્રિત થયેલાં સૂર્યકિરણ રૂને બાળી નાંખે છે તેમ સંપીને એકત્રિત થયેલું સંઘબળ ધારેલાં કાર્યો કરી શકે છે. ખાસ કરીને દેશમાં આતંક નામનો કળિ તેનો પગ પેસારો કરે ત્યારે કુસંપીઓને દૂર કરીને, દેશનાં દરેક પક્ષે ફાટફૂટ વગર સંપીને તેનો સામનો કરવો જોઈએ. વર્તમાન પરિસ્થિતિ તેનું ઉદાહરણ છે.