( હાસ્ય સ્મરણલેખ)
અમે આ શહેરમાં નવાનવા આવેલા.અમારે રહેવા માટે મકાન ભાડે જોઈતું હતું. થોડીઘણી શોધ કરીને અમને એક નવા બંધાયેલા બે માળના બંગલાનો આખો નીચેનો ભાગ રહેવા માટે મળી ગયો.
ભાડું માત્ર પાંચસો રૂપિયા!
‘ના હોય તમે કહેશો.’ તમે કહેશો.
અમે ય એમ જ કહેલું. ભાડું માત્ર રૂપિયા પાંચસો? એટલું જ નહીં ઇલેક્ટ્રીક મોટરથી પાણી ઉપર અગાશીની ટાંકીમાં ચડ અને આખો દિવસ ઘરમાં પાણી આવે.
‘અધધધ…..’ તમે કહેશો. અમને ય એવું થયેલું. કુલ ટેક્સ બિલમાંથી અડધું અડધું વહેચી લેવાનું. અને પાણીની ‘ફૂલ’ સગવડ. ઉપરાંત…
મોટી કોર્પોરેટોમાં કહે છે ઉચ્ચ અધિકારીઓને મહિને દહાડે બાર-પંદર હજાર રૂપિયા પગાર મળે અને બીજાં ભથ્થાં અલગ. એમ જ અહીં ભાડા ઉપરાંત ટેક્સ તો હતો જ, એને ઉપરાંત પણ કંઇક હતું. એકંઇક એટલે અમારાં મકાન માલિકણ ઉર્ફે લેન્ડલેડી, એટલેકે અમારાં મકાનમાલિકના પત્ની લીલાબેન. એની જ વાત કરવા જેવી છે ,બાકી હિસાબકિતાબ તો ચાલતા રહે!
આ લીલાબહેનને તમે ન ઓળખો. અમે ય નહોતા ઓળખતા. પણ લીલાબહેન આખા વિસ્તારમાં વિખ્યાત. લીલાબેન બધે ફરી વળે.એમને આઠ આંખો,દસ કાન અને જીભ તો જોઈએ એટલી. આ બધી એમની જીવનમૂડી સદાય પ્રવૃત્તિશીલ. ખાતાં ન હોય એટલી બધી વાર લીલાબેનની જીભ બોલવામાં ચાલ્યા કરે. અને આંખ અને કાન તો એટલી વાર પણ વિશ્રામ ન લે! કોઈ બાબત એમાંથી અજાણી ન હોય અને એમને ચિંતા ય બહુ બધા લોકોની વળી એમની ચિંતાઓ એ બિચારાં કોને કહે? મને સ્તો! એટલે અમારે માટે તો ભાડું વત્તા ટેક્સ વત્તા લીલાબેનની વાતોનુ શ્રવણ! લીલાબેનના બંગલાનો નીચેનો માળ ભાડે રાખવા બદલ અમારે આટલું ચૂકવવાનું.
‘સામેવાળા પટેલની દીકરી રોજ શાકવાળાની લારીની જમણી બાજુ જ કેમ ઊભી રહે છે? ખબર છે તમને?’ લીલાબેનની નિરીક્ષણશક્તિએ આ વાત ખાસ નોંધેલી.
‘ ના’ હું કહું.
‘લે ત્યારે, શાકવાળો રોજ પેલા ‘કૃપા’ મકાનની સામે ઊભો રહે છે ખરું?’
‘કયું ‘કૃપા’ મકાન?’
‘લે ય એય નથી ખબર? પેલીનું, એને પાંચ દીકરા છે ને? શું એનો રોફ છે?’ લીલાબેન કહે.
‘તે તો હોય જ ને!’
‘તે પેલી પટેલની દીકરી એટલે જ તો એ મકાનની સામે ઊભી રહે છે! સમજી જાઓને મારી બેન!’
મને કંઇ સમજાય નહીં. લીલાબેનને મને સમજાવવાની નવરાશ ન હોય. શેરીને પેલે છેડે રીક્ષામાંથી કોઈનો સમાન ઉતરે છે. કોને ઘેર કોણ આવ્યું જાણવું નહીં પડે? જાણવું જ પડે લીલાબેને અને લીલાબેન પાસેથી મારે.
હાથમાં રાજાપુરી કેરી ભરેલા બે થેલા પકડીને મે માહિનામાં બપોરે સાડાબાર વાગે લીલાબેન મને વિગતવાર કહેવા માંડે,‘ ફલાણાને ઘેર તે દિવસે બપોરે ચોર આવેલો. એ તો હું જાગતી’તી ને મને ખબર પડી…’
આમ શરૂ કરીને લીલાબેન એમની બહાદુરીનું વિગતવાર વર્ણન કરે. ચોર જો કે સોનાનો અછોડો લઈ ગયો. ઠીક છે એતો, પેલીની પાસે બહુએ સોનું છે પણ આમ સોનું રેઢું મૂકાય?નેહું કહું છું કે આમ ઘર જેવું ઘર રેઢું મૂકીને બે ય માણસે નોકરી કરવા શીદને જાવું પડે?
હું બચાવ દલીલમાં કહું,‘કોને ખબર કદાચ પૈસાની જરૂર હશે.
થઈ રહ્યું.લીલાબેન પોતાના ભાયું કેટલા ધનવાન છે, એમના સ્વર્ગસ્થ નણંદના દીકરા-વહુઓને એમનું આ મકાન કેટલું આંખે આવે છે, મકાન બદલાવવામાં મદદ કરવાના બહાને એમણે પોતાની અથાણાં ભરેલી ત્રણ કાચની બરણિયું કેમ ફોડી એ બધું જ મારે સાંભળવાનું. છેવટે,‘ઇ તો હું છું તો સહન કરી લઉં છું બેન, બાકી તમારા ભાને તો ઇ જ બધા સારા લાગે છે. તમારા ભાઈ આમ તો સારા માણસ છે પણ…’
પહેલી તારીખ જો પાસે આવતી હોય તો મારે રસોડામાં કુકરની વ્હિસલો પર વ્હિસલો વાગતી હોય તો પણ આ બધુ સાંભળવું પડે. પછી અચાનક લીલાબેનને યાદ આવે,‘હાય હાય, મેં તો કઢી ઉકળવા મૂકી છે…’ એમની કઢીને તપેલીમાંથી મુક્તિ મળે અને મને લીલાબેનથી, અલબત્ત ટેમ્પરરી!
મારા સદભાગ્યે કે કમભાગ્યે હું ઘરમાં જ હોઉં અને લીલાબેનને કોઈની સાથે લડાઈ થાય તો એની કથા મારે સાંભળવી પડે. કોઈ પડોશીબેન એમની સાથે કેમ ‘સારું’ રાખે છે એનું રહસ્ય મારે જાણવું પડે. (હું કેમ ‘સારું’ રાખતી હતી એનું રહસ્ય તો સૌ જાણતા જ હતાં!) ફલાણાભાઈએ પરનાતમાં લગન કર્યાં ત્યારે શું થયેલું એની, હવે પ્રાચીન-પુરાણી થઈ ગયેલી માહિતી, પણ લીલાબેન મને આપે તો મારે જાણવી જ પડે. એમાંના એકે યના નામઠામ, નાતજાત, કુટુંબ, આર્થિક હાલત મને ખબર ન હોય તો ય મારે ધ્યાન એ જ રાખવાનું કે લીલાબેન જ્યારે કોઈપણ મુદ્દા પર વિવેચન કરે ત્યારે મારે મૌન જાળવવાનું પણ… ઊંઘી નહીં જવાનું.
હું માનતી હતી કે લીલાબેનની આ પંચાત અર્થાત પરનિંદાપ્રવૃત્તિ માત્ર સમય પસાર કરવા માટે હશે. મારે શી લેવાદેવા? સાંભળવું ખરું પછી ભૂલી જવું. પણલીલાબેન તો સોક્રેટિસથી ય હોશિયાર. સવાલ પૂછે જ એવો કે મારે જવાબ આપવો જ પડે.
‘પેલી ગીતા છે ને?’
‘ગીતા? એ કોણ?’
‘અરે પેલી, નથી ઓળખતા?’
મને ખાત્રી હતી કે આ કંઇ શ્રીકૃષ્ણવાળી પાર્થાય પ્રતિબોધિતા ગીતાની વાત તો નથી જ. એટલે એના અઢાર અધ્યાય તો સાંભળવા નહીં જ પડે તો ય ટૂંકમાં ગીતાસાર સાંભળવા તૈયાર રહીને મેં કહી દીધું,‘હા, હા ઓળખી. પેલી ગીતા! ’
‘એ નાસી જવાની છે’.
‘એમ?’
‘રોજ ત્રણ વાગ્યાની બસમાં ગામમાં જાય છે. એક દહાડો રફુચક્કર થઈ જશે જોજો.’
‘હશે.’
‘તમે જાણતા નથી. બહુ જબરી છે! તે તમે એને રોજ ત્રણ વાગે બસસ્ટેન્ડે ઊભેલી નથી જોતાં?’
લીલાબેનનો બંગલો રસ્તા પર અને સામે બસસ્ટેન્ડ. બસની રાહ જોતાં, ચડતાં-ઉતરતાં લોકો ઘરમાંથી દેખાય. અહીં મારાથી એક ભૂલ થઈ ગઈ. મેં કહ્યું,‘હા, કોઈ છોકરી હોય છે તો ખરી.’
તાળી પાડીને લીલાબેન બોલ્યાં,‘ એજ ગીતા. જોજો, એક દિવસ ધડાકો થાશે.’
મને ખબર નહોતી કે એ ધડાકો મારા પર થશે. થોડા દિવસ વીત્યા. આ દરમ્યાન લીલાબેનની વાતો સાંભળીને આસપાસના અજાણ્યા લોકો વિષે જ્ઞાન મેળવવાનો ઉપક્રમ ચાલતો હતો. એક દિવસ હું બહારનું એક કામ પતાવીને પાછી વળતી હતી. બસમાંથી ઉતરીને ઘર પાસેની એક દુકાને કશું લેવા રોકાઈ. એક બહેને, જે ગીતાની મમ્મી છે, એવું જ્ઞાન મને મળી ગયેલું એમણે, મને રોકી.
‘મેં તમને આવાં નહોતાં ધાર્યા.’ એમણે રોષે ભરાઈને કહ્યું.
‘કેમ શું થયું?’
‘આવાં ભણેલાં થઈને તમે મારી દીકરીનું ભૂંડું બોલો છો?’
‘હું?’ મેં પૂછ્યું.
‘જુઓ હોશયારી નો મારો. તમે જ લીલાબેનને કહેલું ને કે ગીતા રોજ બપોરે બસસ્ટેન્ડે ઊભીને ઊભી રહે છે. એના લક્ષણ સારાં નથી.’
‘પણ…’
‘પણ પણ શું કરો છો? તમે તો એમને એ ય કહેલું કે ગીતા કોઈની હારે નાસી જાવાની છે.’ ગીતાની મમ્મીનો ઉશ્કેરાટ વધતો હતો. આસપાસ ઉભેલા બેચારને ઉદ્દેશીને એ બોલ્યા,‘જુઓ તો ખરા…’
‘હા, એ ખરું કોઇની દીકરીની આવી વાતો ન કરાય.’ એકે કહ્યું.
‘કુંવારી દીકરી વિષે વાત કરતાં વિચાર કરવો જોઈએ.’ બીજાએ કહ્યું
‘આપણે વગર લેવેદેવે કોઇની વાત કરવી જ શું કામ જોઈએ?’ ત્રીજાએ ડહાપણ ડોહળ્યું.
‘શી ખબર, આપણે કાંઈ નો જાણીએ.’ ચોથું બોલ્યું અને ચાલવા માંડ્યું.
‘પણ આવું મેં કહ્યું છે એવું તમને કોણે કહ્યું?’અચાનક હુમલાથી ચકિત થયેલી મેં માંડ હિંમત ભેગી કરીને પૂછ્યું.
‘કોણે તે લીલાબેને. એમણે જ મને કહેલું કે તમે પૂછતા’તા કે રોજ બપોરે ગીતા બસસ્ટેન્ડ પર એકલી એકલી કેમ ઊભી રહે છે?’
‘લીલાબેને કહ્યું?’ મેં પૂછ્યું.
‘તે કાંઈ મારા ઘરની વાત તમને બનાવીને કહું છું? જુઓ આ સારું નથી થતું હોં. સમજયા ને?’ ગીતાની મમ્મીએ ગર્ભિત ધમકી આપી.
ત્યાં દુકાન પાસે બીજા ત્રણ-ચાર જણાં આવ્યાં. ‘શું થયું? શું થયું?’પૂછતાં.
‘અરે જાવા દ્યો ને, આમના જેવું કોણ થાય? કાંઇ કહેવા જેવી વાત નથી.’ કહીને ય ગીતાનાં મમ્મીએ વાત તો કરી જ.
વળી થોડા લોકો મારી સામે તાકી રહ્યા. માંડ માંડ હું એ હુમલામાંથી છૂટીને ઘેર આવી. બંગલાને ઝાંપે જ લીલાબેન ઉભેલાં. ગુસ્સો કાબૂમાં રાખીને મેં કડક અવાજે એમને પૂછ્યું,‘પેલી ગીતાની વાતમાં તમે મારું નામ કેમ લીધું?’
‘ ગીતા? એ કોણ?’ લીલાબેને મને સામું પૂછ્યું.
એ જ સાંજે અમે નવું ભાડાનું ઘર શોધવા નીકળી પડ્યા. ભાડું વત્તા ટેક્સ માઇનસ લીલાબેન હોય એવું!
***********************************
લેખિકાના હાસ્યલેખ સંગ્રહ ‘આરસીની ભીતરમાં’માંથી