મને તો અથાણું ખૂબ ગમે છે. ખાસ કરીને અથાણું શબ્દ. જો કે ભાષાકીય દ્રષ્ટિએ કે સાહિત્યિક અલંકારની દ્રષ્ટિએ અથાણું શબ્દમાં કશું જ વિશિષ્ટ નથી કે વિશેષ સુંદર પણ નથી. સ્ત્રીસામયિકોમાં જ્યારે ‘અવનવાં અથાણાં’, ‘શિયાળાનાં અથાણાં’, ‘ઉનાળાનાં અથાણાં’, ‘ચોમાસાનાં અથાણાં’, ‘ઉપવાસી અથાણાં’, ‘તેલ વિનાના અથાણાં’, ’મરચાં વિનાનાં અથા અવર ણાં’, ‘મોળાં અથાણાં’ વગેરે વગેરેની રીતો આવે છે. કોઈ કોઈ વાર તો આખાને આખા અંકો આવે ત્યારે એ જોઈને મને ખૂબ સંતોષ થાય છે. આમ તો મને એ રીતોમાં રસ નથી પડતો, હિંમતના અભાવે એ બનાવવાનું સાહસ પણ હું નથી કરતી પણ માત્ર જોવાથી, અથાણું શબ્દ વાંચવાથી જ મને જે આહલાદ મળે છે, જે આનંદ સાંપડે છે, આહાહાહા! એ તમને નહીં સમજાય. શ્બદોથી પર એવો, ભાષામાં ન સમાય એવો અદભૂત આનંદ મળે છે મને અથાણું શબ્દ વાંચવામાં. કેવો સુંદર શબ્દ છે ‘અથાણું’? એમાં ય એના છેલ્લા અક્ષર પરનો પેલો અનુસ્વાર કેવો મનોહર, કેવો સંગીતમય!
અલબત્ત અથાણું શબ્દની જેમ અથાણું પોતે પણ સારું જ હોય છે. ખાસ કરીને દર્શનમાં. ભક્તિની જે જુદી જુદી કક્ષાઓ હોય છે – દર્શન, શ્રવણ, નિદિધ્યાસન, વગેરે વગેરે – એમાં હું અથાણાંની ભક્તિ માત્ર ‘શ્રવણ અને દર્શન’ની કક્ષા સુધીની જ રાખું છું. અથાણું શબ્દ જો સુંદર છે તો એનું દર્શન પણ એવું જ સુંદર હોય છે ખાસ કરીને રસોડાના કબાટમાં કે જમવાના ટેબલ ઉપર એનું સામૂહિક દર્શન થાય ત્યારે એ ઘણું જ તૃપ્તિકર લાગે છે.
આ વાત સમજવી ઘટે. હમણાં અમે એક જણને ઘેર જમવા ગયા હતા. જમવાનું પિરસાયા પછી એ ગૃહિણીએ અમને અથાણું ભરેલી વાટકીઓ ભરેલો ડબ્બો આપ્યો. જેટલી વાનગીઓ જમવામાં હતી એનાથી દોઢી સંખ્યામાં અથાણાં ભરેલી વાટકીઓ હતી. છૂંદો નહીં હોં, માત્ર અથાણાં. જમવામાં છ વાનગીઓ હોય તો અથાણાં નવ, જમવામાં આઠ વાનગીઓ હોય તો અથાણાં બાર, એ રીતે. ‘લ્યો,લ્યો અથાણાં ચાખો. લ્યો, આ કેરીનું અથાણું છે. એની ડાબી બાજુ છે તે પણ કેરીનું જ છે પણ ગોળ નાખેલું. એની જમણી બાજુએ છે તે પણ છે તો કેરીનું જ પણ એમાં મેથી નાખી છે તે શેકયા વિનાની. પેલું વચ્ચે છે તે પણ કેરીનું જ છે પણ એમાં મરચાં નથી નાખ્યાં. પેલું ઘેરા કથ્થાઇ રંગનું અથાણું છે એમાં મસાલો કેરીનો છે પણ કેરી નથી નાખી. પેલું અથાણું છે ને તે અમે એપ્રિલમાં બનાવેલું. પેલું છેક જૂનમાં બનાવેલું વરસાદ આવ્યો ને એને આગલે જ દિવસે. આ જૂનમાં વરસાદ વહેલો થયો’તો ને? નહિતર હજી બીજા બે અથાણાં બનાવવાના હતાં. (અમને થયું સારું થયું વરસાદ વહેલો આવ્યો. અઠવાડિયું મોડો આવ્યો હોત તો અમારે હજી બીજા પાંચ અથાણાં ચાખવા પડત!)
એ બહેનને ત્યાંનાં અથાણાંનાં સ્વાદમાં કશો ફેર ન હતો. તો ય એ બહેને શ્રીખંડ ખાવાનો જેટલો આગ્રહ નહોતો કર્યો એટલો અથાણાં ખાવાનો કર્યો. શા માટે આટલો આગ્રહ કર્યો હશે? તમે સમજી શકશો. એ વખતે હતો ડિસેમ્બર મહિનો અને એપ્રિલમાં તો નવાં અથાણાં બનાવવાનો સમય થાય. આ બધા અથાણાં ખલાસ ન થાય તો? આવતે વર્ષે જૂનાનવાની બાર ને બદલે ચોવીસ વાટકીઓ થાત. અધધધ. શું દશા થશે આવતે વર્ષે એમને ઘેર જમવા જનાર મહેમાનની? વળી મૂડ થયો હોય અને શિયાળામાં ય અથાણાં બનાવ્યાં હોય તો? અથાણાંનો અન્નકૂટ લાગે!
આપણાં ગુજરાતી રસોડામાં અથાણું ખૂબ માનભર્યું સ્થાન ભોગવે છે. તરતની બનાવેલી રસોઈ ન હોય તો પણ ખૂબ જ કાળજીથી સાચવતી હોય, આનંદથી ખવાતી હોય અને સદા ય પ્રેમનું પાત્ર બનતી હોય તો આ એક જ વાનગી, અથાણું. અથાણું બનાવતાં આવડે એ સિદ્ધિ ગણાય, વધારે અથાણાં બનાવવાની શક્તિ પ્રશંસાને પાત્ર, ડબ્બામાં ઘણાં બધાં અથાણાં હોય એ ગૌરવ લેવા જેવી વાત. એક અથાણું બનાવવાની અનેક રીતો, અથાણાં બનાવવા સાથે સંકળાયેલી વિવિધ માન્યતાઓ, અથાણું કેટલું ખાવું ક્યારે ખાવું, ક્યારે ન ખાવું, કોણે કયું અથાણું ખાવું, કોને કયું અથાણું ન ખાવું, કયું અથાણું શેની જોડે ખવાય, કયું અથાણું જલ્દી બગડી જાય, બગડી ગયેલા અથાણાંને કેમ કરીને ‘ઠેકાણે પડાય’ વગરે વગેરે ગુજરાતી ગૃહિણીઓની વાતોનો કાયમનો મનગમતો વિષય હોય છે.
આ બધું તો સાચું પણ આપણા ગુજરાતી રસોડામાં અથાણાંનું આટલું ગૌરવ શા માટે? શા માટે આપણે અથાણાં આટલું બધું મહત્ત્વ આપીએ છીએ? શા માટે અથાણાં બનાવવાની પ્રવૃત્તિ ઉનાળામાં જ ધમધોકાર ચાલતી હોય છે?
મને લાગે છે કે ઉનાળામાં જ બનાવવામાં આવે છે તેનું એક ખાસ કારણ છે. આપણે માનીએ છીએ કે કેરીઓ ઉનાળામાં જ આવે એટલે અથાણાં જે મુખ્યત્વે કેરીનાં જ હોય છે તે ઉનાળામાં જ બને. ખરેખર એવું નથી. મારું માનવું છે કે ઉનાળાનો દિવસ લાંબો. ઊંઘ આવ્યા કરે. ગરમીમાં ઊંઘવું ફાવે નહીં. આળસ આવ્યા કરે. તો કરવું શું? એટલે આપણે શોધી કાઢ્યું અથાણું. એ શોધનારને મનોવિજ્ઞાનમાં નોબલ પ્રાઈઝ આપવું જોઈએ. સ્ત્રીઓને કામમાં રાખવાનો સરસ ઉપાય એણે શોધ્યો. ઉનાળાના લાંબા દિવસોમાં સ્ત્રીઓ નવરી બેસી રહે તો શું થાયને શું ન થાય? એટલે એણે સ્ત્રીઓને કામમાં રાખવાનો ઉપાય કર્યો. ‘જુઓ બહેનો, આ કેરીઓ છે. આપણા જેવા થોડા જ દેશોમાં, થોડા જ ભાગ્યશાળી દેશોમાં કેરીઓ જેવું ઉત્તમ ફળ થાય છે અને તે પણ માત્ર ઉનાળામાં જ. એવા ઉત્તમ ફળને બારે મહિના સાચવી રાખવા શું કરશો? એના અથાણાં બનાવો. એ રીતે બારે મહિના કેરીઓ ખવાશે અને ઉનાળામાં વખત જશે. વળી તમારા પતિદેવની પ્રશંસા અને પ્રેમ પણ મળશે. (બને ત્યાં સુધી તેલ કેટલું વપરાયું તે કહેવું નહીં!) પણ જોજો કેરીનું અથાણું ખૂબ ધ્યાનથી બનાવજો. નહીં તો અથાણું બગડયું એનું વરસ બગડયું. ભોળી બિચારી ગુર્જરનારીઓ માની ગઈ અને પરિણામે અથાણાંની બાર અથવા વધારે વાટકીઓનું સુભગ દર્શન સાંપડ્યું આપણને ગુજરાતીઓને.
અથાણાંનું આ કારણે મહત્ત્વ છે. વળી બીજા એક કારણે પણ અથાણાંનું મહત્ત્વ છે. ધારો કે, આ તો ધારવાનું જ છે અમલમાં મૂકવાની ઉતાવળ નહીં કરવાની. ધારો કે આપણે અથાણાંને અથાણું ન કહીએ તો શું? ગુજરાતમાં એકની એક વસ્તુને જુદાજુદા ઠેકાણે જુદા જુદા નામે ઓળખાય છે. જેમ કે દાંતિયો, કાંસકો, કાંગસો વગેરે. રકાબી, તાસક, ઢાંકણું વગેરે. પણ અથાણું ગુજરાત આખામાં અથાણું જ કહેવાય છે. એને બીજા કોઈ નામે બોલાવાતું હોય એવી મને જાણ નથી. ધારો કે ને તમને કોઈ પરભાષી વ્યક્તિ પૂછે, ‘ વોટ ઈઝ અથાણાં?’ તો તમે શું કહેશો? અથાણું બનાવવાની રીત વર્ણવશો તો પેલો મૂંઝાઇ જશે. તમારે કહેવું પડશે, ‘યુ ડોન્ટ નો અથાણું? ઈટ ઈઝ અવર ગુજરાતી સ્પેશલ થિંગ. અથાણાં મીન્સ ધેટ અથાણાં ઈઝ… અથાણાં ઈઝ… અથાણાં એટલે… યુ નો અવર ગુજરાતી પીપલ મેક ઈટ. ધીસ ઈઝ… યુ સી ધીસ થિંગ? ઈટ ઈઝ રેડ, ઈટ ઈઝ કૉલ્ડ અથાણાં.’ આપણા ઉત્તમ કક્ષાના વ્યાકરણના સર્વ નિયમોને અથાણાંના મસાલામાં ભેળવીને બનાવેલા, સ્વાદિષ્ટ, સુગંધી અંગ્રેજીમાં અપાયેલા ભાષણથી પેલો કશું નહીં તો છેવટે એટલું તો સમજશે જ કે ‘અવર ગુજરાતી પીપલ મેક ઈટ. ધીસ થીંગ ઈઝ કૉલ્ડ અથાણાં.’ આમાં અથાણાંનું ગૌરવ કેટલું વધશે?
અમે અથાણાં ને બીજા કોઈ નામે બોલાવવા પ્રયત્ન કરી જોજો. જેમ કે આપણે અથાણાં ને ચટણી કહીએ તો કેવું લાગે? ઝીણી નાની અમથી, પૂરતું અજવાળું ન હોય તો થાળીમાં પડેલી દેખાય પણ નહીં એવી ચટણી. અથાણું એવું હોય? અથાણાંને એવું ન બનાવાય. તો પછી અથાણાંને કચુંબર કહીએ તો? ઝીણું ઝીણું સમારેલું. ખૂબ બધું હોય તો પણ વધારે લેવાય નહીં. રોજ રોજ બનાવતા કંટાળો આવે અને ખાતાં આવે એ તો જુદો. રેફરીજરેટરમાં ન રાખીએ તો બીજે દિવસે બગડી જાય એવું. અથાણું એટલું અલ્પજીવી? કચુંબર શબ્દ સાથે અથાણાંની સાચી ભાવના જ નથી આવતી નહીં? તો પછી એને રાઈતું કહીએ તો કેવું? કેરીનું રાઈતું, ગુંદાનું રાઈતું, મરચાંનું, રાઈતું, લીંબુનું રાઈતું… ઠીક તો લાગે છે નહીં? ચાલે તો ખરું. પણ પછી રાઈતાની બાબતમાં રાઈ ચઢવી, ચઢાવવવી વગેરેના શ્લેષ કરીને એકબીજાને મહેણાં મારવા ‘સંભાળવવા’ ની મહાન સાંસ્કૃતિક મનોરંજન પ્રવૃત્તિ તો વરસમાં એક જ વાર થઈ શકે. વારે વારે ઘરમાં બહુ બધા લોકો જમવાના હોય ત્યારે ‘ આજે રાઈતાને રાઈ કોણે ચડાવી છે? કોકિલામામીનો હાથ લાગે છે. એમાં જ આંખમાં પાણી આવી ગયાં!’ એવું દર બળેવે, દશેરાએ, લગ્નપ્રસંગે, વાસ્તુ વખતે કહેવાનું નહીં બને. રાઈતું શબ્દ અથાણાં માટે ખોટો નથી પણ રાઈતું શબ્દ રાઇતા માટે જ વધારે સારો છે. માટે એને એમ જ રહેવા દઈએ.
હજી ય સમસ્યા તો ઊભી જ છે. અથાણાંને અથાણું ન કહીએ તો શું કહીએ? અથાણાંને બીજા કયા નામે બોલાવી શકાય એ તો ભાષાશાસ્ત્રના સંશોધનનો વિષય. આપણે અથાણાંને અથાણું જ કહીએ તો ય ખોટું તો નથી. મને તો અથાણું શબ્દ ગમે છે. મને ગમે છે માટે એ સારો છે એવું નથી. પણ અથાણું એ અથાણું જ છે એને બીજા કોઈ નામે બોલાવવાથી એનાં રૂપ, રંગ ગંધ નથી બદલાવાનાં પણ આપણને ગુજરાતીઓને મોટી ખોટ પડશે. પેઢીઓથી આપણે ત્યાં બોલાય છે, ‘અમારે ત્યાં તો દસેક અથાણાં ઓછામાં ઓછાં’, ‘અમારે ત્યાં તો અથાણાં વિના કોઈ થાળી પર ન બેસે’, ‘મને તો જાતજાતના અથાણાં બનાવવાનો ખૂબ્બ જ શોખ’, આવું બધું બોલવામાં જે લિજ્જત આવે છે તે બીજો કોઈ શબ્દ હોય તો આવે ખરી? અથાણું એટલે કશુંક અનુપમ, અદ્ભુત, અનોખું, અદ્વિતીય એવી લાગણી અથાણાં શબ્દથી જ થાય છે. અથાણું જે છે તે જ સારું છે અને છેવટે તો અથાણું ઈઝ, યુ નો અથાણું ઈઝ અવર ગુજરાતી સ્પેશલ થીંગ!
* લેખિકાના હાસ્યલેખ સંગ્રહ ‘આરસીની ભીતરમાં’ માંથી