બાંગ્લા નાટક – અનાત્મજ
લેખક : નિરુપ મિત્ર
ગુજરાતી અનુવાદ : મલ્લિકા મુખર્જી
ચરિત્ર : સચિન,બિપાશા, અનિરુદ્ધ, સુહાસ
ભાગ-૪
સચિન : કોણ છે? (લાઈટ કરે છે)
સુહાસ : આવી ગયા પપ્પા તમે?
સચિન : તું ? તું આ રૂમમાં શું કરે છે?
(સુહાસ પગે લાગે છે)
રહેવા દે… મને આ પસંદ નથી. અહીં આ રૂમમાં કેમ બેસી રહ્યો હતો?
સુહાસ : મારી સ્કૂલમાં આજે પ્રાઈઝ ડિસ્ટ્રિબ્યુશન હતું પપ્પા.
સચિન : મારી વાતનો જવાબ આપ પહેલા. તું આ રૂમમાં શા માટે આવ્યો? વચ્ચેનો દરવાજો
કોણે ખોલ્યો?
સુહાસ : હું તમને પ્રાઈઝ બતાવવા આવ્યો છું. જુઓ તો ખરા, કેટલા બધા ઈનામ મળ્યા છે! મને
આ ટ્રોફી…
સચિન : મારે કંઈ સાંભળવું નથી. આ બધું લઈને તું અહીંથી ચાલ્યો જા.
સુહાસ : પપ્પા, મને ગીત ગાવામાં અને કવિતા પઠનમાં પણ પ્રથમ ઈનામ મળ્યું છે.
સચિન : મને એકાંતમાં રહેવા દે સુહાસ. તું જા અહીંથી.
સુહાસ : હું નહીં જાઉં પપ્પા.
સચિન : શું બોલ્યો? નહીં જાય?
સુહાસ : તમને છોડીને હું ક્યાંય નહીં જાઉં પપ્પા.
સચિન : તારે જવું પડશે.
સુહાસ : ના પપ્પા.. હવે હું તમને ક્યારેય એકલા નહીં રહેવા દઉં.
સચિન : તારે જવું જ પડશે.
સુહાસ : (રડમસ અવાજે) મારો શું વાંક છે પપ્પા? તમે મને પ્રેમ કેમ નથી કરતા?
સચિન : તું અહીંથી જાય છે કે નહીં?
સુહાસ : ના હું અહીંથી નહીં જાઉં.
(થોડી ક્ષણો વાતાવરણ તંગ બની જાય છે)
સચિન : હું છેલ્લી વાર પૂછું છું કે તું અહીંથી જાય છે કે નહીં?
સુહાસ : શા માટે જાઉં? મારો અપરાધ શું છે પપ્પા?
(અચાનક ખીંટીએ ટીંગાડેલ પટ્ટો લઈને સચિન, સુહાસ પર તૂટી પડે છે.)
સચિન : નહીં જાય? હવે… હવે જઈશ કે નહીં, બોલ? હવે જાય છે કે નહીં, બોલ? બોલ… જાય
છે કે નહીં?
(સુહાસ જરા પણ વિરોધ નથી કરતો. માર ખાતાં-ખાતાં દિવાન પરથી પડી જાય છે.
બિપાશા દોડતી ડાબી બાજુની રૂમમાંથી આવે છે. બે રૂમની વચ્ચેના દરવાજે ઊભી
રહીને ચીસ પાડી ઊઠે છે.)
બિપાશા : છોડી દો. છોડી દો એને.. આ શું કરો છો? તમે છોડી દો.. હવે ના મારશો પ્લીઝ. છોડી
દો એને…
(સચિન અચાનક થંભી જાય છે. સુહાસ રડે છે. બિપાશા રડવું રોકી રહી છે. સચિન બન્ને
તરફ એક નજર નાખીને પટ્ટો ફેંકીને, મોઢા પર હાથ મૂકી ને દિવાન પર બેસી જાય
છે, તેના પગ પાસે સુહાસ પડ્યો છે…. ધ્રુસ્કાં શમી રહ્યા છે.)
સચિન : આ મેં શું કર્યું? શું કર્યું મેં? હેં ….
સુહાસ : (સચિનના પગ પકડી લેતા) પપ્પા મને તમારી સાથે રહેવા દો.
સચિન : (બે હાથેથી સુહાસને પકડી લેતા) સુહાસ…સુહાસ… બેટા તને ખૂબ વાગ્યું નહીં?
સુહાસ : પપ્પા મને તમારી સાથે રહેવા દો…
સચિન : હું તને આટલો લડું છું, તને ધિક્કારું છું. તને દૂર હડસેલી દેવા માંગું છું, છતાં વારંવાર
તું આ મૃતપ્રાય વ્યક્તિ પાસે પાછો કેમ આવે છે?
સચિન : પપ્પા તમે મારા પિતા છો.
સચિન : ના… નહીં, આ ખોટી વાત છે. તદ્દન ખોટી વાત છે. આનાથી મોટું કોઈ જુઠાણું નથી. હું
તારો પિતા નથી. તું મારો પુત્ર નથી.
(બિપાશા ના કહેવા માટે બે હાથથી વિનંતી કરે છે)
સુહાસ : શું હું તમારો પુત્ર નથી?
સચિન : ના…ના… તું મારો પુત્ર નથી, સુહાસ.
(સુહાસ નો હાથ પકડીને બાજુની રૂમમાં મૂકેલ ડ્રેસિંગ ટેબલ પાસે લઈ જાય છે.)
જોવું છે તારે? જો બરાબર જો…. આ અરીસામાં. આપણે બંને બાજુ- બાજુમાં ઊભા
છીએ. મારામાં હું નથી અને તારામાં હું નથી. બિંદુ માત્ર પણ સમાનતા નથી. તારી
આંખો, નાક, કાન, ચહેરો, ક્યાંય મારી છબી નથી.
બિપાશા : (દિગ્મૂઢ થઈને) આ શું કરો છો? તમે શું કહો છો? તમે એને…હેં…?
સચિન : માત્ર સત્ય કહું છું. સુહાસ, તારામાં મારું લોહી નથી. તારા સર્જનમાં મારી કોઈ ભૂમિકા
નથી અને તું મારો પુત્ર નથી.
બિપાશા : સચિન, તમે મને વચન આપ્યું હતું. તમે મને ભિક્ષા આપી હતી.
સચિન : ભૂતકાળમાં આપેલ કોઈ વચન આજે મને રોકી નહીં શકે. હું બોલીશ. આજ સુધી ચૂપ
રહેવાથી જ મારો દમ ઘૂંટાઈ રહ્યો છે. મારે સત્ય કહેવું જ પડશે.
સુહાસ : (આર્ત સ્વરે) પપ્પા, હું તમારો પુત્ર નથી?
સચિન : ના સુહાસ, તું મારો પુત્ર નથી.
સુહાસ : મારા શરીરમાં તમારું લોહી નથી?
(સચિન ચૂપ થઈ ગયો. બિપાશા સ્તબ્ધ. થોડી ક્ષણો શાંતિ.)
મારા શરીરમાં તમારું લોહી નથી?
(સચિન માથું ઝુકાવી લે છે. બિપાશા લથડીયા ખાતા ખાતા સુહાસને પકડી લે છે.) બિપાશા : સુહાસ મારી પાસે આવ બેટા.
સુહાસ : પપ્પા, હું તમને અત્યંત ચાહું છું. છતાં હું તમારો કોઈ નથી?
(વાતાવરણમાં સ્તબ્ધતા. સુહાસ રૂમ છોડીને ચાલ્યો જાય છે. બિપાશા અવાજમાં ધ્રૂજારી
સાથે)
બિપાશા : ખૂનીને પણ માફી મળી શકે, માત્ર મને જ કોઈ માફી નહીં.
(સચિન માથાના વાળ ખેંચીને ચૂપ રહે છે. પછી અચાનક…)
સચિન : ક્ષમા? મને કોણે ક્ષમા આપી? કયા અપરાધની મને આવી સજા મળી? હૈ…?
બિપાશા : બધો વાંક મારો છે. હું સ્વીકારું છું. સ્ત્રી તરીકેનું કોઈ પ્રાપ્ય સન્માન પણ મેં માંગ્યું
નહોતું. માત્ર દીકરા માટે થોડો આશ્રય… તમે મને વચન આપ્યું હતું. તે વચન તમે
આજે તોડી નાખ્યું.
સચિન : મારું કશું જ તૂટયું નથી. કશું જ નહીં.
બિપાશા : (સ્તબ્ધ થઈ જાય છે) હું અહીંથી ચાલી જાઉં તો તમે સુખી થશો?
સચિન : ક્યાં જઈશ તું?
બિપાશા : આખી જિંદગી વીતી ગઈ, આશરો તો મળ્યો જ નહીં. ગમે ત્યાં જઈશ. તમે ફરીથી
લગ્ન કરીને….
સચિન : લગ્ન? ફરીથી? હા… હા… એકવાર વિષ પીધું, ખબર પડી કે વિષપાનની કેવી બળતરા
હોય. ફરીથી લગ્ન કરું?
બિપાશા : ફક્ત આઘાત અને આઘાત! આઘાત પહોંચાડવામાં જ તમે માનો છો. મારી સાથે દરેક
સ્ત્રીની સરખામણી ન કરશો. એક જાણે અપરાધ કર્યો હોય તેથી આખી સ્ત્રી જાત ને
બદનામ ન કરાય.