બાંગ્લા નાટક – અનાત્મજ
લેખક : નિરુપ મિત્ર
ગુજરાતી અનુવાદ : મલ્લિકા મુખર્જી
ચરિત્ર : સચિન,બિપાશા, અનિરુદ્ધ, સુહાસ
ભાગ-२
(લગભગ ૧૩ થી ૧૪ વર્ષનો છોકરો પગ દબાવતા બિલ્લી પગે ઘરમાં પ્રવેશે છે. હાથમાં બધાઈનામો છે. તે વિપાશાના ખોળામાં મૂકીને જોર થી બોલી ઊઠે છે.)
સુહાસ : મમ્મી જો તો ખરી… આજે શું થયું?
બિપાશા : અરે વાહ! ટ્રોફી, મેડલ, પુસ્તકો કોણે આપ્યું તને આ બધું?
સુહાસ : હું શા માટે કહું?
બિપાશા : પણ હું કહી શકું છું.
સુહાસ : તમે કહી શકો છો? બને જ નહીં ને. તમને કઈ રીતે ખબર પડે?
બિપાશા : મારો અંતરાત્મા જ કહી આપે છે, એટલે ખબર પડી જાય.
સુહાસ : ખાક ખબર પડે? બોલો જોઈએ? હું જોઉં તો ખરો.
બિપાશા : મને લાગે છે કે એક તો વાદવિવાદ માટે હશે.બીજું કવિતા પઠન માટે અને ત્રીજુ ક્લાસની પરીક્ષામાં ફર્સ્ટ આવવા માટે.
સુહાસ : અરે મમ્મી તમને તો બધી જ ખબર પડી ગઈ! મેં તો ધાર્યું હતું કે હું તમને ચોંકાવી દઈશ. જરૂર પેલા વિવેકે કહી દીધું હશે. એક નંબરનો ચુગલીખોર છે.
બિપાશા : ના રે ના. એણે મને કહ્યું જ નથી ને.
સુહાસ : તો પછી કોણે કહ્યું?
બિપાશા : પહેલા તું મને એ બતાવ કે કયું ઈનામકોના માટે મળ્યું છે?
સુહાસ : (ખુશ થઈને) જો આ પુસ્તકો છે ને, તે વર્ગમાં પ્રથમ આવ્યો એના માટે. આ મેડલ છે ને તે વાદ-વિવાદમાં પ્રથમ આવ્યો એના માટે, અને આ ટ્રોફી છે ને તે કવિતા-પઠન માં પ્રથમ આવ્યો તેના માટે મળ્યો છે. મમ્મી હવે તો તમે ખુશ છો ને?
બિપાશા : હું તો ખૂબ જ ખુશ છું બેટા, પણ એ તો કહે તેં કઈ કવિતા ગાઈ હતી?
સુહાસ : મમ્મી,એ તો બહુ મજાની વાત છે.મેં એ કવિતા જાતે જ બનાવીને ગાયેલી.
બિપાશા : શું વાત કરે છે? જાતે જ બનાવીને ગાઈ?કઈ કવિતા?
સુહાસ : અરે બહુ જ મજા પડી. કવિતા ગાતા પહેલાં મેં એક પ્રવચન પણ આપ્યું.
બિપાશા : પ્રવચન?
સુહાસ : હા, મેં કહ્યું કે કવિવર રવીન્દ્રનાથ કહી ગયા છે કે તારી જો હાંક સુણી કોઈ ના આવે તો એકલો જાને રે… પણ જો હાંક સુણીને બધા જ આવી જાય તો શું કરવું? એ વિશે તેઓ કશું કહી ગયા નથી. તેથી એ જ વિષય પર મેં આ કવિતા લખી છે, જે હું અહીંયા ગાઈ સંભળાવું છું.
બિપાશા : પછી તે શું ગાયું?
સુહાસ : હું ગાઈ બતાવું?
બિપાશા : હા…હા…ગા તો ખરો. હું પણ જરા સાંભળું.
સુહાસ : તારી જો હાંક સુણી બધા જ આવી જાય તો ક્યાં બેસવાનું કહીશ રે.. ક્યાં સુવા દઈશ અને શું ખાવાનું આપીશ રે.. બોલને ક્યાંબેસવાનું કહીશ રે..
જો કોઈના માંગે અરે.. અરે..ઓ અભાગી,
જો કોઈના માંગે તને છોડીને જવા રે….
બિપાશા : (હસતાં હસતાં) અરે બાપરે, તું તો બહુ જબરો હોં. જા હવે હાથ-મોં ધોઈને નાસ્તો કરી લે.
સુહાસ: મમ્મી સ્કૂલમાં અમે ખાધું છે, જરાય ભુખ નથી.
બિપાશા : આ જો તો ખરો સુહાસ, આ ઘડિયાળ કેટલી સુંદર છે!
સુહાસ : હાથમાં ઘડિયાળ લઈને વાહ! ખુબ સુંદર ઘડિયાળ છે. કોણે આપી મમ્મી?
વિપાશા : આ છે ને વિદેશી ઘડિયાળ છે. તારું બીજું એક ઈનામ.
સુહાસ : પણ કોણે આપી એ તો કહે?
બિપાશા : એ… એ તો તારા કાકા એ આપી છે. ફેન્સી માર્કેટમાંથી ખરીદી લાવ્યા છે.
સુહાસ : કોણે આપી છે?
બિપાશા : કાકાએ… અનિરુદ્ધ કાકાએ…
(સુહાસ તરત જ ઘડિયાળ ટેબલ પર મૂકી દે છે)
શું થયું? ના ગમી તને?
સુહાસ : મારે નથી જોઈતી.
બિપાશા : કેમ હમણાં જ તો તેં કહ્યું કે ઘડિયાળ ખૂબ સુંદર છે.
સુહાસ : (કંટાળો વ્યક્ત કરતાં) મને અનિરુદ્ધ કાકા જરાય ગમતા નથી.
બિપાશા : છી… એવું ના કહેવાય બેટા. અનુ કાકા તને કેટલો પ્રેમ કરે છે.
સુહાસ : પણ હું ક્યાં કહું છું કે તેઓ મને પ્રેમ કરે.(અચાનક યાદ આવતા) મમ્મી, પપ્પાના કપડાંસુકાઈ ગયા?
બિપાશા : હા, મેં એમના બધા કપડાં એમની રૂમમાં મૂકી દીધા છે.
(સુહાસ ઝડપથી બહાર નીકળી જાય છે. બિપાશા નિસાસો નાંખતા બધા જ ઈનામો અને ઘડિયાળ લઈને અંદર જાય છે. થોડી ક્ષણો માટે સ્ટેજ ખાલી છે. જમણી બાજુના રૂમમાં સુહાસ પ્રવેશે છે. લાઇટ ચાલુ કરે છે. એના પપ્પાના કપડા ગોઠવે છે. હેંગરમાં ઝભ્ભો લટકાવે છે,ધોયેલી ચાદર પલંગ પર પાથરે છે. ઓશિકાના કવર લગાવે છે. બિપાશા જમણી બાજુના આ રૂમમાં પ્રવેશે છે.)
સુહાસ : જો મમ્મી, બધું બરાબર ગોઠવાઈ ગયું ને?
બિપાશા :તેં તો બહુ સરસ ગોઠવી દીધું. ચાલ હવે જઈએ. તારા પપ્પા આવતા જ હશે.
સુહાસ : ઊભાં રહો મમ્મી, આ કુંજામાં પાણી ભરવાનું બાકી છે.(ખાલી કુંજો લઈને બહાર જાય છે.) બિપાશા ફરીથી ચાદર જરાસરખી કરે છે. સુહાસ પાણી ભરીને લાવીને કુંજાને ટિપોઈ પર મૂકીને ઉપર ગ્લાસ મૂકે છે.)
મમ્મી આજે તો પપ્પા ચકિત થઈ જશે નહીં?
બિપાશા : રોજ રોજ આટલા અપમાન, આટલી અવહેલના, આટલી બધી ગાળાગાળી સાંભળ્યા પછી પણ તું તારા પપ્પા માટે આટલું બધું કેમ કરે છે સુહાસ?
સુહાસ : એ ભલે ને મને ગાળો આપે. ગમે તેમ તોય એ મારા પપ્પા છે. મમ્મી તને ખબર છે? પપ્પા ખૂબ જ એકલા છે. એકલા રહી રહીને તેઓ આવા બની ગયા છે. તમારી સાથે વાત નથી કરતા. ખબર નહીં કેમ, મારા પ્રત્યે તો એમને સખત તિરસ્કાર છે.
(બિપાશા વેદનાથી આંખો મીંચી દે છે.)
મમ્મી, મને લાગે છે કે પપ્પાના મનમાં જરૂર કોઈ મોટું દુઃખ છુપાયેલું છે.
બિપાશા : તને કઈ રીતે ખબર પડી?
સુહાસ : મેં ઘણીવાર પપ્પાને એકાંતમાં રડતા જોયા છે.
બિપાશા : બેટા, તું બીજી કોઈ વાત કર.ચાલ, પેલા રૂમમાં જઈએ. અહીં મને બીક લાગે છે.
સુહાસ : શું થયું મમ્મી?
બિપાશા : (પોતાની જાતને સંભાળતા) ના… કંઈ નહીં… એમના આવવાનો સમય થઈ ગયો છે. ચાલ, આપણે જઈએ. અહીં આપણને જોશે તો એમનો ગુસ્સો બેકાબૂ બની જશે. તને તો ખબર જ છે.
સુહાસ : (બિપાશાના ખભે માથું મૂકીને) આજે પપ્પા નહીં લડે. તમે જો જો તો ખરા.
બિપાશા :(સુહાસના માથે હાથ ફેરવતા) બેટા, જો ક્યારેક તને એવી ખબર પડે કે તારી મમ્મી
બહુ ખરાબ છે તો તું શું કરીશ? મને ધિક્કારીશ?
સુહાસ: (વિપાશાને ભેટી પડતાં) ખાલી ખાલી આવા પ્રશ્નો કેમ પૂછે છે મમ્મી? મને જરાય નથી
ગમતું.
બિપાશા :(અચાનક નજર પડતા) હેં… અરે બેટા તારા ગળા પર આટલા બધા નહોર કોણે માર્યા?
સુહાસ : બિલ્લુ જોડે ઝઘડો થયો હતો.
બિપાશા : વારેવારે તારે બિલ્લુ જોડે ઝઘડો કેમ થાય છે દીકરા? ગયા વખતે પણ તું…
સુહાસ : તે મારા પપ્પા વિશે ખરાબ ખરાબ બોલે છે. મજાક કરે છે. ટોણા મારે છે.
બિપાશા : મજાક કરે છે? શું મજાક કરે છે? બોલ શું મજાક કરે છે?
સુહાસ : (મોઢા પર આંગળી દબાવી) ચુપ! (કાન માંડીને સાંભળે છે.. ધીમા સ્વરે) મમ્મી, પપ્પા આવતા લાગે છે.
બિપાશા : હેં…ચાલ બેટા, પેલા રૂમમાં જતા રહીએ. (બંને જણ ઊભા થઈને બાજુની રૂમમાં આવી જાય છે. સુહાસ ઉત્સુકતાથી ઊભો છે. બિપાશાના ચહેરા પર ભયની લાગણી છે. થાકેલા, મૂરઝાયેલા, રૂક્ષ ચહેરા સાથે સચિન જમણી બાજુની રૂમમાં પ્રવેશે છે. ચારે તરફ ચમકીને જુએ છે. ધીમેથી પલંગ પર બેસે છે.બૂટ કાઢે છે. પલંગ નીચેથી સ્લીપર કાઢીને પહેરે છે. શર્ટ ખોલીને હેંગર પર મૂકવા જતા ચમકે છે.)
ફરી…ફરીથી મારા રૂમને કોણે સજાવ્યો? કોણે મારા કપડાં ધોયા? ચાદર બદલી.. મારી અનુમતિ વિના કોણ મારા રૂમમાં આવ્યું હતું?
(ફરીથી પલંગ પર બેસે છે.)
દયા…હેં…દયા! મારા પ્રત્યે આટલી બધી દયા, લાગણી બતાવવાનું કારણ શું છે? મારે કોઈની દયાની, કોઈની લાગણી ની જરૂર નથી.