બાંગ્લા નાટક – અનાત્મજ
લેખક : નિરુપ મિત્ર
ગુજરાતી અનુવાદ : મલ્લિકા મુખર્જી
ચરિત્ર : સચિન,બિપાશા, અનિરુદ્ધ, સુહાસ
ભાગ-૧
(સમય- સવારના પાંચ વાગ્યાથી રાતના દસ વાગ્યા સુધીનો કોઈ પણ સમય. મંચ પર બાજુ-બાજુ માં બે રૂમ છે. વચ્ચે એક દીવાલ છે. સજેસ્ટીવ પણ હોઈ શકે. એ દીવાલની વચ્ચે એક દરવાજો છે, જે બંધ છે. ડાબી બાજુની રૂમ એ બેઠકરૂમ છે. એમાં એક અરીસા સાથેનું ડ્રેસીંગ ટેબલ છે. બીજું થોડું ફર્નિચર પણ છે. જમણી બાજુના રૂમમાં એક પલંગ છે. પલંગ પર ચાદર બિછાવેલી નથી. ઓશિકાના કવર પણ ચઢાવેલ નથી. એક નાનું કબાટ અથવા ખાના વાળું રેક છે. તેની એક દિવાલ પર ખીંટીએ એક બેલ્ટ લટકે છે. એક ખૂણામાં ટીપોય છે. તેના પર એક પાણીનો કુંજો અને તેના પર એક ગ્લાસ મુકેલો છે. સ્ટેજ પર કોઈ નથી. બંને રૂમના પ્રવેશદ્વાર અલગ અલગ છે. પરદો ખૂલે છે. થોડી જ વારમાં બિપાશા પ્રવેશે છે. ઉંમર બત્રીસ-તેત્રીસ વર્ષ. નાહીને આવી છે તેથી તેના વાળ ભીના છે. સાડી પહેરી છે. આવીને ડ્રેસીંગ ટેબલની સામે બેસે છે. માથું ટુવાલથી લૂછે છે. માથું ઓળે છે. પાંથીમાં સિંદૂર પુરવા જાય છે ત્યાં જ અનિરુદ્ધનો પ્રવેશ. દરવાજા પાસે ઊભો રહે છે.)
અનિરુદ્ધ :બિપાશા
બિપાશા: કોણ? (પાછળ ફરીને જુએ છે) ઓહ! અનિરુદ્ધ આવો.
અનિરુદ્ધ : (સોફા પર બેસતાં-બેસતાં) રસ્તો લાંબો હતો. થાકી ગયો છું. પહેલાં થોડીવાર બેસું.
બિપાશા:પણ વધુ વખત સુધી નહીં. અત્યારે પાંચ તો વાગી ગયા છે. થોડી વારમાં જ સચિન ઓફિસેથી પાછા આવશે.
અનિરુદ્ધ : આજે મને આવતા જરા મોડું થઈ ગયું નહીં?
બિપાશા: મને એમ કે આજે તમે આવશો જ નહીં.
અનિરુદ્ધ : તું મને પૂછ તો ખરી કે આજે મોડું કેમ થયું?
બિપાશા: ઘરે બેઠા બેઠા કેવી રીતે ખબર પડે કે કેમ મોડું થયું?
અનિરુદ્ધ : વિચાર તો કર, કોઈ ખાસ કારણ હોઈ શકે.
બિપાશા:તમે એક પુરુષ છો. તમારા મોડા આવવા માટેના કેટલાય કારણો હોઈ શકે અને ના આવવા માટેના પણ. હું તો ફક્ત રસ્તા પર નજર નાખીને રાહ જોઈ શકું. આશંકા કરી શકું… બસ બીજું કાંઈ નહીં.
(થોડી ક્ષણો માટે શાંતિ છવાઈ જાય છે)
અનિરુદ્ધ : સુહાસ ક્યાં છે? શું હજી સ્કૂલેથી પાછો નથી આવ્યો?
બિપાશા:ના. એના મિત્ર સાથે કહેવડાવ્યું છે કે સ્કૂલેથી આવતા મોડું થશે. કદાચ એના પેલા પ્રિય સાહેબને મળવા ગયો હશે.
અનિરુદ્ધ : બિપાશા, આજે તારો ચહેરો આમ ઉદાસ કેમ જણાય છે?
બિપાશા:કાલિખ લાગેલો ચહેરો તો આવો જ દેખાય ને?
અનિરુદ્ધ : તારી તબિયતતો સારી છેને બિપાશા?
બિપાશા : મારી તબિયત તો હંમેશા ઘોડા જેવી જ હોય છે. ભગવાનને ઘણી પ્રાર્થના કરું છું કે કોઈ મોટો રોગ મને લાગુ પડે. પણ આશ્ચર્ય! શરદી ખાંસી પણ થતી નથી.
અનિરુદ્ધ : મને લાગે છે કે આજે તું મને આઘાત આપ્યા સિવાય વાત જ નહીં કરે. એક વાત પૂછું? તને વાત-વાતમાં આમ ગુસ્સો કેમ આવે છે?
બિપાશા : ગુસ્સો? હું ક્યાં ગુસ્સે થાઉં છું? કોના પર ગુસ્સો કરું? (થોડી ક્ષણ ચૂપ રહે છે) ગુસ્સો નથી અનુ, ડર…. મને ડર લાગે છે. મારું હૃદય હર પળ એક અજાણ્યા ડરથી ધ્રુજયા કરે છે. તમને ખબર છે? છેલ્લા થોડાક સમયથી સચિન અને સુહાસ વચ્ચે અવાંછિત બનાવો બન્યા કરે છે. મને…મને ચોક્કસ ખબર છે કે એક દિવસ એ ભયંકર ક્ષણ આવશે. ત્યારે હું શું કરીશ અનિરુદ્ધ?
અનિરુદ્ધ : હું છું ને બિપાશા. હંમેશા તારી સાથે જ છું. શું હજી પણ તને મારામાં વિશ્વાસ નથી?
બિપાશા :(ઉત્તેજિત થઈ જાય છે) ના. મને વિશ્વાસ નથી. મારી મુગ્ધાવસ્થામાં તમારી એ પ્રવંચના….. એક ક્ષણ માટે પણ કોઈએ ભૂલવા દીધી નથી. એ વખતે મને તમારામાં અગાધ વિશ્વાસ હતો, છતાં તમે તમારી જવાબદારીમાંથી આબાદ છટકી ગયા હતા. હું તમારા બાળકની મા બનવાની છું એ જાણવા છતાં તમે ભાગી ગયા હતા. જેમ તેમ કરીને બધાએ સચિન સાથે મારા લગ્ન પતાવ્યા. મારા પાપની એ જ્વાળાથી મે સચિનને પણ ભસ્મ કરી નાખ્યા.
(થોડી ક્ષણો શાંતિ છવાઈ જાય છે)
અનિરુદ્ધ : કોણ જાણે કેમ, આજે બધું જ બેસુરું થતું જાય છે.(ઉભો થાય છે) હું જાઉં છું.
(દરવાજા તરફ જાય છે. બિપાશા તરત જ ઊઠીને પાછળ દોડે છે અને અનિરુદ્ધનો હાથ પકડી લે છે.)
બિપાશા : (વિનમ્રતાથી) જતા ના રહેશો પ્લીઝ. આ રીતે ના જાઓ. તમે એ તો કહ્યું જ નહીં કે આજે તમારે આવતા મોડું કેમ થયું? બોલો તો ખરા, કેમ મોડું થયું?
અનિરુદ્ધ :(રૂંધાયેલા અવાજે) તે મને સાંભળવાની જિજ્ઞાસા જ ક્યાં બતાવી?
બિપાશા :અત્યારે તો પૂછું છું ને. બેસો, પ્લીઝ બેસો ને.
(બંને જણા પાછા આવીને બેસે છે.) ચા પીશો?
અનિરુદ્ધ : ના.
બિપાશા : કેમ? ચા તો તમને ખૂબ જ પ્રિય છે.
અનિરુદ્ધ : સચિનના આવવાનો સમય થઈ ગયો છે.
બિપાશા : ઠીક છે. ચા ના પીતા, પણ આજે મોડું કેમ થયું એ તો કહો.
અનિરુદ્ધ : મારા પાડોશી નો દીકરો બાબુ છે ને, એની પાસેથી મેં સાંભળ્યું હતું કે આજે એની સ્કૂલમાં પ્રાઇઝ ડિસ્ટ્રીબ્યુશનછે. સુહાસ અને બાબુ એક જ ક્લાસમાં ભણે છે.
બિપાશા : એમ? પણ સુહાસે તો મને કંઈ જ નથી કહ્યું.
અનિરુદ્ધ : મને લાગે છે કે એ તને સરપ્રાઈઝ આપવા માંગતો હશે. બાબુએ કહ્યું છે કે સુહાસને ત્રણ પ્રાઇઝ મળ્યા છે. વર્ગ પરીક્ષામાં પહેલું ઇનામ મળ્યું છે. કવિતા-પઠન અને વાદ-વિવાદમાં પણ પહેલું ઇનામ.
બિપાશા :(હસીને) સાચે જ? કેટલો જબરો છે! મને તો એને કશું કહ્યું જ નથી. આવવા દો એને. શેતાન નહીં તો.
અનિરુદ્ધ : એક વાત કહું? મોટો થઈને સુહાસ જરૂર નામના મેળવશે. એ કોઈ સાધારણ છોકરો નથી.
બિપાશા :(દીર્ઘ નિસાસો નાખતા) એ સાધારણ નથી માટે જ તો મને બીક લાગે છે, અનિરુદ્ધ. મને ચોક્કસ ખબર છે કે કોઈ પણ સત્ય લાંબો સમય સુધી એનાથી છુપાવી શકાશે નહીં. એ ભયંકર દિવસની કલ્પનાથી જ હું ધ્રૂજી ઊઠું છું. તમને ખબર છે? આજે સ્કૂલે જતા પહેલા એણે એના પપ્પાના રૂમની સાફ-સફાઈ કરી. એમના કપડાં, ઓશિકાના કવર, ચાદર બધું જ ધોયું. આજે એ એમ કહેતો હતો કે પપ્પાને ચકિત કરી નાખીશ. સચિન એને જેટલો દૂર ધકેલી રહ્યો છે એટલો જ એ એમની નજીક જવા માટે મરણિયો થઈ રહ્યો છે.
(અનિરુદ્ધ ચૂપ રહે છે. લગભગ સાંજ થઈ ચુકી છે. અનિરુદ્ધ ઊઠીને લાઇટ ચાલુ કરે છે. જમણી બાજુના રૂમમાં અંધારું છે. બિપાશા બંધ દરવાજાની આગળ આવીને ઊભી રહે છે.)
બિપાશા: અનુ…કેટલા વર્ષો નો એક યુગ બને છે?
અનિરુદ્ધ : કદાચ બાર વર્ષનો. ચોક્કસ ખબર નથી.
બિપાશા :(કલાન્તસ્વરે) તો તો એક યુગથી પણ વધુ સમયથી આ દરવાજો બંધ થઈ ગયો છે. એક યુગથી પણ વધુ સમય વીતી ગયો છે. આ બંધ દરવાજાની આ તરફ બેસીને હું આંખોમાંથી આંસુ વહાવું છું અનિરુદ્ધ, તો પણ પેલી તરફ રહેલા માણસના દિલની આગ બુઝાવી શકી નથી.
અનિરુદ્ધ : (વાતને બદલવાનો પ્રયત્ન કરતાં) આજે મોડું કેમ થયું ખબર છે? ફેન્સી માર્કેટમાં સુહાસ માટે એક પ્રેઝન્ટ ખરીદવા ગયો હતો. જો તો ખરી, એક વિદેશી ઘડિયાળ લાવ્યો છું.. જો.
(ખિસ્સામાંથી ઘડિયાળનું બોક્સ કાઢે છે.)
બિપાશા : વાહ! ખરેખર ખૂબ સરસ છે. સુહાસ જરૂર ખુશ થશે.(ઘડિયાળ નો ટાઈમ જોતાં) અરે!આ શું? સાડા પાંચ વાગી ગયા છે. હવે તમે જાઓ. સચિન હમણાં આવતા જ હશે.
અનિરુદ્ધ :(ઊભો થતાં) જાઉં છું. પણ સુહાસની ઘડિયાળ…
બિપાશા : એ તો હું એને આપી દઈશ.
અનિરુદ્ધ : (દરવાજા તરફ જાય છે)
બિપાશા : અનુ….(અનિરુદ્ધ ઉભો રહે છે) હું તમને વાતવાતમાં ખૂબ દુઃખ પહોંચાડું છું નહિ?
અનિરુદ્ધ : એ તો મારો હક છે.
બિપાશા : શું કરું? આખો દિવસ મનમાં એક અજાણ્યા આતંકનો ભાર લઈને ફર્યા કરું છું. તમે આવો છો ત્યારે બધો જ ગુસ્સો તમારા પર ઠાલવું છું.
અનિરુદ્ધ :(બિપાશાના ખભે હાથ દઈને) જાણું છું. વિપા… જો આનો કોઈ ઉપાય હોત તો…
બિપાશા : હવે તમે જાઓ. હવે તમને વધારે વખત સુધી રોકી રાખવાનું સાહસ મારામાં નથી.
અનિરુદ્ધ : એક અનુમતિ આપીશ?
બિપાશા :શાની અનુમતિ?
અનિરુદ્ધ : આજે હું હજી એક વાર આવીશ. સચિન નાહીધોઈને બહાર નીકળશે ત્યારે…આજે સુહાસને મળવાની ખૂબ જ ઇચ્છા છે.
(બિપાશા થોડીક વાર ચૂપ રહે છે) આવજો, પણ સચિન જો ઘરમાં હોય તો ના આવતા.
(અનિરુદ્ધ ચાલ્યો જાય છે. બિપાશા આવીને ડ્રેસિંગ ટેબલના સ્ટૂલ પર બેસે છે. માથા પર સાડીનો છેડો ઓઢીને આમતેમ ચહેરો ફેરવીને જુએ છે, પછી તરત જ માથા પરથી પાલવ હટાવી લે છે. સ્વગત)
શું થશે? કોના માટે? એ તો મારી તરફ નજર સુદ્ધાં નાંખતા નથી.