ભૂતકાળ અને ભવિષ્ય વચ્ચે ગોથાં ખાતાં ઘડિયાળના લોલકને ક્યારેય ધ્યાનથી જોયું છે? પોતાની સાચી ઓળખ ફક્ત ને ફક્ત વર્તમાન જ છે એ જાણવા છતાં એ સતત વીતેલાં અને આવનાર સમય વચ્ચે અટવાતું જ રહે છે. કૈંક આવી જ મનોસ્થિતિમાંથી અત્યારે હું પસાર થઈ રહ્યો છું. ભૂતકાળની એક ધૂંધળી યાદમાં અટવાયેલું મારું મન ભવિષ્યના કોઈ જ એંધાણી વિનાના પ્રસંગ માટે વિચલિત થઈ રહ્યું છે. ગઈકાલ એકદમ ઝાંખી છે,આવનારી ક્ષણ અનિશ્ચિત. ભૂતકાળમાં વારેવારે ડોકિયું કરવા છતાં એ ચોક્કસ ઘટનાની બંધ બારી અધખૂલી જ રહે છે. ભવિષ્યના અથાગ દરિયામાં ડૂબકી લગાવવા છતાં ય ખાલી હાથે પાછા ફરવું પડે છે. સમય સાથેની આ રમતમાં હું મારો વર્તમાન દાવ પર લગાવીને બેઠો છું. ‘એ આવશે?’ ઉત્તર વિનાનો આ પ્રશ્ન સાવ સ્થગિત એવા સમયને પણ વિચારવા મજબૂર કરી દે છે. આ પ્રશ્નની શોધમાં હું બારી બહાર અનિમેષ જોયા કરું છું. મળવાનું કહેણ પણ એના તરફથી જ છે છતાં આ અવઢવ પીછો જ નથી છોડતી. વહેલાં જવાથી જવાબ મળી જશે એવી બેવકૂફીભરી સમજે મને એક અઠવાડિયા પહેલાં જ અહીં આવવા મજબૂર કરી દીધો છે. આ ઓરડો અને બારી બહારની આ લાંબી સડક…રોજ અહીં આ જ જગ્યાએ, આ જ સમયે આવીને અચૂક બેસી જાઉં છું. આ જગ્યાએ ફરી પાછું આવવું પડશે એવું કયારેય વિચાર્યું પણ નહોતું. એવું નથી કે મને આવવું ગમ્યું નથી. પરંતુ જે કારણથી આવવું પડ્યું એ કારણ ખટક્યા કરે છે.
સમયની થપાટે આ જગ્યા પણ બદલાઈ હશે એવી ધારણા પહેલાંથી હતી જ, પણ આવો ધરખમ ફેરફાર જોવા મળશે એવી તો કલ્પના જ નહોતી કરી! એક સમયના જાજરમાન અને આલિશાન ‘રંગ-ઉપવન’ને આજે ફિક્કી નીરસતાએ ચારે બાજુથી ઘેરી લીધેલું. ગામની ભાગોળે લીલીછમ વનરાજી વચ્ચે ગર્વભેર ઉન્નત મસ્તકે ઊભેલું ‘રંગ-ઉપવન’ ક્યારેક રંગવિહીન ખંડેર જેવું બની જશે એવું તો ધાર્યું જ નહોતું!. નિર્જીવ લાગતી વસ્તુઓને પણ અવસ્થા નડતી હશે કે કેમ?
આકર્ષક આકૃતિઓ અને અનેકવિધ રંગોથી સજીવ થઈ ઊઠતા આ મહેલની જગ્યાએ ઈંટ-પથ્થરોથી બનેલ મકાન માત્ર જોઈને હું લગભગ હબક ખાઈ ગયેલો. ‘રંગ-ઉપવન’ – મારી ચિત્રકળાની આરાધનાનું સ્થળ. આજે પોતાના અસ્તિત્વ માટે ફાંફા મારતું માંડ ટકી રહ્યું હતું. આ તો જાણે મારી જ પ્રતિકૃતિ! ઘડીભર એ એક સમયના આલીશાન મહેલની જગ્યાએ મને મારો સફળ ભૂતકાળ દેખાયો ને હજી તો એને મન ભરીને જોઉં ત્યાં ઠેર ઠેરથી અવહેલના સહીને રંગ ઊખડી ગયેલ દીવાલોમાં મને મારું આજનું પ્રતિબિંબ નજરે ચડ્યું. એ જ ઘડીએ ત્યાંથી નાસી જવાની પ્રબળ ઈચ્છાને માંડ રોકી મેં એનો તોતિંગ દરવાજો હડસેલ્યો. અંદર પ્રવેશતાં જ કાને પડતું મિત્રોનું હાસ્ય પગ નીચે કચડાતાં સૂકા પાંદડાના કર્કશ આવાજ વચ્ચે ક્યાંય દબાઈ ગયેલું લાગ્યું. મન કૈક અજીબ લાગણીઓથી ઊભરાઈ રહ્યું હતું. રંગ-ઉપવનની આ દુર્દશા ફક્ત મારે કારણે જ થઈ છે, એવી લાગણી મારા પર હાવી થઈ રહી હતી. બેબાકળો થઈને હું આખાય મકાનમાં ફરી રહ્યો હતો. કદાચ, કોઈક નજરે ચડી જાય! શૂન્યતાનો પડછંદ ઓછાયો મારા પર હાવી થઈ રહ્યો હતો ને હું એનાથી બચવા એક પછી એક બારણાઓ ખોલવાનો નિરર્થક પ્રયાસ કર્યે જતો હતો. ક્યાંક કોઈક જીવિત વ્યક્તિની હયાતી હાથ લાગે ને મને આ નિર્જીવ શૂન્યતાથી છૂટકારો મળે. મારી એકલતા ને અસહાયતાથી બચવા તો હું અહીં આવ્યો હતો ને અહીં પણ એ જ! મદદની એક છેલ્લી આસ પણ છેતરામણી નીકળશે કે શું ? મારી બધી જ હિંમત પડી ભાંગી હતી ને ત્યાં જ..
લાંબી એવી ઓસરીની સાવ છેવાડે આવેલું એક બારણું મારા ધક્કાથી ખૂલ્યું. વર્ષો પહેલાંની પરિચિત સુવાસ વીંટળાઈ વળી. હારબંધ ગોઠવાયેલી લાકડાંની બેંચ વચ્ચેથી રસ્તો કરતો હું સામેની બારી પાસે પહોંચ્યો. આ તો એ જ… લોખંડના કટાઈ ગયેલા ત્રણ સળિયાવાળી એ બારી જોતાં જ અનેક યાદો પૂરપાટ વેગે ધસી આવી. એક ઝાપટે શૂન્યતાનું પેલું કાળું વાદળ હટી ગયું. હું ત્યાં બેસીને બારી બહાર જોતો જ રહ્યો, ક્યાંય સુધી. અહીં આવ્યો એ પહેલાંની મનની બધી જ અવઢવ શાંત થઈ ગઈ. એ આવશે જ, એને આવવું જ જોઇશે એવી ખાતરી થઈ ગઈ મને.
બસ ત્યારથી હું રોજ અહીં આવીને બેસું છું, અચૂક. આંખો થાક્યા વિના બારી બહારના એ રસ્તાને તાક્યા જ કરે છે. ભર ઉનાળે ય લીલી ચાદર ઓઢીને લહેરાયા કરતો આ રસ્તો આજે તો સાવ સુકો નીરસ બનીને સુસ્ત પડ્યો છે. આજુબાજુના ઝાડ પણ હવે તો જીવનની સંધ્યાએ પર્ણ વિહીન એકલાં અટૂલા ઊભા છે. જીવનના બધાં જ રંગીન અનુભવો પોતાનામાં સમાવીને શાંત ચિત્તે દૂર દૂર સુધી પથરાયેલો આ રસ્તો ભૂતકાળની બધી જ ઘટનાઓને મારી નજર સમક્ષ લાવ્યા જ કરે છે. આ બારી મારા ભૂતકાળ અને વર્તમાને જોડતી એક કડી બની ગઈ છે. નાનપણથી લઈને અત્યાર સુધીની લગભગ બધી જ ઘટનાઓ હું ફરી એક વાર અનુભવી ચૂક્યો છું, ફક્ત એક ને બાદ કરતાં. બસ એ એક નાની એવી ઘટનાનો તાગ મેળવવા જ હું રોજ અહીં આવું છું.
સફળતા કઈ બલાનું નામ છે એ પણ જ્યારે ખબર નહોતી ત્યારે મારા ચિત્રોનું પ્રદર્શન યોજાયેલું, અને એ પણ અમદાવાદ જેવા મોટા શહેરમાં. ‘મહેસાણાનું હીર અમદાવાદમાં ઝળક્યું’ મોટા અક્ષરે લખાયેલા મારા નામ અને ફોટાવાળું છાપું મેં આજે પણ સાચવીને રાખ્યું છે. મારી ઓળખ પોતાના વિદ્યાર્થી તરીકે કરાવતી વખતે ગુરુજીનો ખુશીથી છલકતો ચહેરો મને હજીય યાદ છે. ‘મારો પ્રિય શિષ્ય છે તું, ધનંજય. તને શ્રેષ્ઠ ચિત્રકાર બનાવવો એ મારું એકમાત્ર સપનું છે.’ એક સમયે ગુરુજીની આ જ વાત પર હું કેટલો પોરસાયો હતો? પોતાના સપનાને સાકાર કરવા માર્ગમાં આવતાં બધાં જ અવરોધો ગુરુજી દૂર કરતાં ગયા, ને હું મૂરખ એમ જ માનતો રહ્યો કે મારામાં શ્રેષ્ઠ ચિત્રકાર બનવાની બધી જ આવડત છે. મારી આટલી પ્રચંડ પ્રસિદ્ધિ પાછળ મારી આવડત સિવાયનું બીજું પરિબળ વધારે કારણભૂત હતું એ મને બહુ મોડે મોડે ખબર પડી. વાતો તો સંભળાતી પણ એની પાછળનો ખરો અર્થ સમજવા જેટલી બુદ્ધિ ત્યારે નહોતી. ધીરે ધીરે સમજણનો વિસ્તાર વધતો ગયો એમ યાદોના પડળ ખૂલતાં ગયા. સાવ ધૂંધળો થઈ ગયેલો એક ચહેરો આંખો સમક્ષ દ્રશ્યમાન થવા લાગ્યો. કેટલીય મધુર યાદો જોડાયેલી હતી એની સાથે, પણ સફળતાના નશામાં એ બધી જ વિસરાઈ ગયેલી.
‘રંગ-ઉપવન’માં એનો પ્રવેશ જ મારા થકી થયેલો. છોટુ, નિર્દોષ ભાવવાહી આંખો સાથે હાથમાં પીંછી પકડીને ઊભેલો એક છોકરો મારી નજર સામે રમી રહ્યો. એ જાતભાતના અવનવાં ચિત્રો બનાવતો. રંગ સંયોજન તો એવું અફલાતૂન કરતો કે જોનારા એના ચિત્રના પ્રેમમાં પડ્યા વિના ન રહે. પણ એ અચાનક જ ક્યાંક ગાયબ થઇ ગયો! ખબર નહિ કેમ પણ એ દિવસે શું બન્યું એ યાદ જ નથી આવતું. છોટુનો એ ચહેરો અને એની સાથે સંકળાયેલી એક ઘટના… ઘટના તો શું, ફક્ત થોડી મિનિટની એક ક્ષણ જ કહી શકાય. કેટલીય વાર એ ક્ષણ ફરી વાર દ્રશ્યમાન થાય એવી કોશિશો કરી જોઈ છે મેં. પરંતુ દર વખતે ગુરુજીના પગે પડી આજીજી કરતાં છોટુના ચહેરાની ઝાંખી રેખાઓ જ નજરે ચડે છે. શરૂઆતમાં મનના એક નાના એવા ખૂણે સંતાઈને બેસેલી આ ઘટનાએ હવે તો સંપૂર્ણ મન પર સ્થાન જમાવી દીધું છે. મારું નામ વિસરી જાઉં એટલી હદે મન એનું નામ જપ્યા કરે છે. ‘છોટુ…છોટુ’ ક્યાં છે એ? આખરે ખરેખર શું બન્યું હતું એ દિવસે? હું રોજ એ એક જ બનાવને વારંવાર જોવાની ઘેલછા રાખતો આ બારી પાસે આવીને બેસી જાઉ છું.
એ ક્ષણમાત્રનો બનાવ મારા મનને છિન્નભિન્ન કરીને મને સાવ પાંગળો બનાવી દેશે એવી તો ધારણા જ ક્યાંથી કરી હોય? મારી પ્રસિદ્ધિની સાથે સાથે ‘છોટુ’નું નામ પણ ચર્ચાવા લાગેલું. એના નામની વાહવાહી હું મારે નામે ચડાવી રહ્યો હોઉં એવી અપમાનજનક લાગણીથી મારું મન તૂટી પડતું. મને મારું નામ, ખ્યાતિ, વાહવાહી – આ બધું જ ઊછીનું લાગવા લાગેલું. આત્મગ્લાનિના બોજ તળે હું ગૂંગળાવા લાગ્યો હતો. આ બધાંની અસર મારા કામ પર પડવા લાગી. હંમેશાં શ્રેષ્ઠ જ આપવાનો આગ્રહી હું ક્યારે નબળું ને કંગાળ પ્રદર્શન કરવા લાગ્યો એની મને જ ખબર ન રહી. વિખ્યાત ને ખ્યાતનામ ચિત્રકાર તરીકેની મારી ઓળખ બહુ જલ્દી ભૂંસાઈ રહી હતી. હું વ્યાકુળ બનીને મારી એ ઓળખ ટકાવવા હવાતિયા મારતો. ફરી એક નવું ચિત્ર ને ફરી એ જ નામોશી. જે હાથોએ મને શ્રેષ્ઠ ચિત્રકારની નામના આપી એ જ હવે મારું એ નામ ભૂંસી રહ્યા હતા. સફળતાના ટોચેથી છેલ્લા પગથીયે પહોંચેલી મારી કારકિર્દી સાવ તળિયે બેસે એ પહેલાં જ એક પત્ર આવ્યો. અજાણ્યા નામવાળા એ પત્રને સહારે મારી જૂની ઓળખ ફરી તાજી કરવા હું નીકળી પડ્યો. છોટુ નામની એ ખૂટતી કડી વિષે એ પત્રમાં ઉલ્લેખ હતો. મારી રૂંધાતી કારકિર્દીને રાહતના થોડા શ્વાસ ફક્ત છોટુ જ આપી શકે એમ હતો. મારી ખોવાયેલી કળા છોટુ જ મને પાછી આપી શકે એમ હતો. છેલ્લા સાત દિવસથી અહીં એની માહિતી લઈને આવનારની રાહ જોઈને બેઠો છું.
‘શું લાગે છે? એ આવશે?’ મન હજીય ચિંતાગ્રસ્ત છે.
એણે આવવું જ જોઈએ. આજના જ દિવસે તો મળવાનું નક્કી કર્યું હતું. બારી બહાર અનિમેષ તાકી રહેલી મારી નજરે એક કાર પાર્ક થતી નોંધી. ‘એ જ હશે?’ ધડકતા હ્રદયે હું એ અજાણ્યા વ્યક્તિને કલ્પી રહ્યો. ‘છોટુના સગડ મળશે એની પાસેથી? કોઈ ફોન નંબર અથવા તો એડ્રેસ? બસ, એક વાર એનો પત્તો લાગી જાય. પછી હું…’
“મિ. ધનંજય?” એ આગંતુક ક્યારે અંદર આવીને મારી પાસે ઉભો રહી ગયો ખબર જ ન પડી!
“ઓહ.. હા. તમે?”
“હેલ્લો સર, તમારા માટે આ પાર્સલ છે.” એક મોટું બધું પાર્સલ મારી સામે રાખતાં એણે કહ્યું. “અને આ લેટર. હેવ અ ગુડ ડે સર.”
“અરે પણ તમે કોણ છો? તમને કોણે મોકલ્યા?” હું ઊભો થાઉં એ પહેલાં તો એ બહાર નીકળી ગયો.
“લેટર ખોલીને નહીં વાંચો મિ. ધનંજય?” એક રહસ્યમય સ્મિત ફરકાવતો એ જતો રહ્યો. છોટુ વિશે જાણવાની તાલાવેલી એટલી હતી કે મેં એને રોક્યો પણ નહીં. લેટર ખોલીને વાંચવો શરુ કર્યો.
“ધનંજય,
હજી ય ત્યાં જ બેઠો છે ને? એ જ બારી પાસે? નવાઈ લાગી? આવડા મોટાં ચિત્રકારને તુંકારે બોલાવી શકું એટલી ગાઢ ઓળખાણ છે આપણી. યાદ છે આપણી દોસ્તી કે ભૂલી ગયો? હું પણ આ શું પૂછું છું નહીં? ક્યાં શ્રેષ્ઠ ચિત્રકાર મિ. ધનંજય અને ક્યાં હું? મારા જેવા માણસોને યાદ ન રાખવાના હોય. બરાબર ને? ખેર છોડ એ વાત. તારે છોટુ વિશે માહિતી જોઈતી હતી ને? તે દિવસે, આ ઓરડાની બારી પાસે બેસીને તે જે જોયેલું એ સત્ય હતું કે ફક્ત એક ભ્રમ?
એ સત્ય હતું, સો ટકા સત્ય. ઇતિહાસ હંમેશાં પુનરાવર્તિત થાય છે ધનંજય. તે દિવસે ફરી એક વાર ધનંજયને શ્રેષ્ઠ સાબિત કરવા એકલવ્યની બલિ ચડાવાઈ હતી. પોતાના પરિવારને બચાવવા છોટુએ પોતાની કળાને ગુરુજીના ચરણોમાં સમર્પિત કરી દીધી.
આ વાત ત્યાં જ સમાપ્ત થઈ ગઈ હોત, પણ આજે ફરી વાર ધનંજયને બેઠો કરવા એકલવ્યની જરૂર પડી છે, બરાબર ને? મને આ રંગોનું ઘેલું લગાડનાર મારો એક સમયનો ગાઢ મિત્ર ભલે મને ભૂલી જવાનો ડોળ કરીને બેસે, પણ એનું એ ઋણ તો મારે ઉતારવું જ રહ્યું ને! આ સાથે એક ચિત્ર મોકલું છું. તારી ડૂબતી નૌકાને સહારો મળી જ રહેશે.
એ જ…
એકલવ્ય (ઉર્ફ છોટુ)”
સમય સ્થિર થઈ ગયો જાણે. સામે પડેલા ચિત્રમાંથી એકલવ્યની નજર મને આરપાર વીંધી રહી હતી. હું મોં ફેરવીને ફરી બારી બહાર જોવા લાગ્યો. ઇતિહાસ બદલી શકાતો હોત તો!