સવાર, બપોર,સાંજ, રાત – સમયના અલગ અલગ બિંદુઓને જેમતેમ જોડતી સુધા જીવનને પણ પાછું જેમ હતું તેમ ગોઠવવાની કોશિશ કરતી રહેતી. મંથન નામનું કેન્દ્રબિંદુ ખસી જવાથી પડતી અગવડ સ્વીકારવી અઘરી હતી છતાંય નવા રૂટિનમાં ધીરે ધીરે મંથનની ગેરહાજરી સ્વીકારાઈ ગઈ હતી. સુધાનું જીવન મંથનને બદલે હવે સમયના આયામો આસપાસ એકધારી ગોળાકાર ગતિએ વહ્યા કરતું. અમુક જુની આદતોનું સ્થાન નવી પ્રવૃત્તિએ લીધેલું. નોકરી કરવા જેવી આર્થિક સંકડામણ હતી જ નહિ. મંથન પૂરતી મરણમૂડી મૂકીને ગયો હતો. પણ મનનું શું? એ તો મંથનની આસપાસ એવું ગુંથાયેલું હતું કે એની ગેરહાજરીમાં નોંધારું થઈને આકુળવ્યાકુળ થયા કરતું.
‘અરે રે, કેવી સરસ જોડી ઈશ્વરે ખંડિત કરી?’
‘અને એ ય સાવ અચાનક.’
‘બિચારી સુધા…હજી તો ઉંમર જ શું કહેવાય એની?’
શરૂમાં સહાનુભૂતિનું કેન્દ્ર બની ગયેલી સુધા હવે બધાંની વ્યસ્તતામાં ક્યાંય ભુલાઈ ગયેલી. બંને છોકરીઓને પણ પોતાની અલગ દુનિયા હતી, જેમાં સુધાની વધુ પડતી દખલ એમને અકળાવતી. સુધા ય શું કરે? એની ધરી તો મંથનની આજુબાજુ જ ફરવા ટેવાયેલી હતી. મંથનની સવારની શૂગર લેસ કડક કોફી, એનું ડાયેટ ટિફિન, સાંજનું સ્પેશિયલ હર્બલ ફૂડ, સૂતા સમયે લેવાની દવાઓ…પિસ્તાલીસ વર્ષે પણ હેન્ડસમ દેખાતા મંથન પાછળ સુધાની સમયસરની કાળજી વધુ કારણભૂત હતી. ક્યારેક તો મંથનને આટલી અનહદ કાળજી કઠતી, પણ સુધા જેનું નામ!
આખો દિવસ મંથનના જ નામની માળા જપ્યા કરતી સુધાના હાથમાંથી એ નામ ધીરે ધીરે દૂર થતું ગયેલું અને એક દિવસ સાવ અણધાર્યું જ છટકી ગયું. ઓફિસથી પાછા ફરતાં કારને નડેલ જીવલેણ અકસ્માત ને બધું જ ખતમ. સુધાનું તો જીવન જ જાણે થંભી ગયું. જાતને વ્યસ્ત રાખવા કરાતી કારણ વિનાની ઘરની સાફ સફાઈ પણ હવે તો ગમતી નહોતી. ત્યાં જ નીલમે એને પોતાના બુટીકમાં સાથ આપવાનું કહ્યું. થોડી આનાકાની પછી સુધા ત્યાં જવા તૈયાર થઇ હતી.
બુટીકથી ઘર તરફ જતાં રસ્તામાં જ એક પાર્ક આવતો. પોતાના ઘરથી થોડેક જ દૂર આવેલા આ પાર્કમાં સુધા મંથન સાથે કાયમ આવતી. રાતનું ડીનર પતાવીને બંને લટાર મારવા નીકળતા અને બાંકડે બેસતાં. દિવસભરની વાતો થતી અને મોડે સુધી એકમેકનો સાથ માણતા બંને આખા દિવસના થાકને બાંકડે જ પોઢાડી રવાના થતાં. મંથનના ગયા પછી આજે પહેલીવાર સુધા આ પાર્કમાં આવી હતી.
અંદર પ્રવેશતાંની સાથે જ મંથન આખેઆખો વીંટળાઈ વળ્યો એને. પોતીકા સ્પર્શ વિહોણો જમણો હાથ મંથનના ડાબા હાથની ઉષ્મા અનુભવી રહ્યો હોય એમ મહોરી ઊઠ્યો. હાથને પસવારતી સુધા ત્યાં જ ઊભી રહી ગઈ. ક્ષણભરની આ અનુભૂતિને સુધા હજુ તો પૂરી માણે ત્યાં જ પાછળથી કોઈના અવાજે ખલેલ પહોંચાડી. ‘એક્સક્યૂઝ મી…’ મંથનનો એ સ્પર્શ ક્યાંય ઊડી ગયો ને મનોમન અકળાતી સુધા બાજુ પર ખસી ગઈ.
કોટનની સાડીને ખભે ઢાંકતાં એણે પાર્કની ડાબી બાજુ નજર દોડાવી. એ અને મંથન રોજ જે બાંકડે બેસતાં એ ખાલી નહોતો. સુધાનું મન ભરાઈ આવ્યું. આટલા દિવસે અહીં આવી અને બાંકડે બેસવા જ નહિ મળે? સુધાને આ બાંકડાનું ગજબ વળગણ હતું. મંથન સાથે જયારે અહીં આવતી ત્યારે આ જ બાંકડે બેસવો એવો એનો આગ્રહ રહેતો. મંથન ઘણી વાર અકળાઈ જતો. બીજા બાંકડે બેસવા કહેતો પણ સુધા ન જ માનતી.
“આજે તો મારે મ્યુનીસીપલ કોર્પોરેશનમાં અરજી કરી જ દેવી છે.” એક દિવસ આવી જ રીતે બાંકડો ખાલી ન મળવાથી ચાલતી થયેલી સુધા પાછળ જતાં મંથને કહેલું.
“શેની અરજી?”
“ એ જ કે કાલાવડ રોડ પર આવેલાં ભગતસિંહ પાર્કમાં દરવાજાની ડાબી બાજુના બીજા નંબરના બાંકડા પર સુધાદેવીના નામની તકતી લગાવી દો. શું છે કે બાંકડો ખાલી ન મળવાથી મેડમ પાર્કના ચક્કર લગાવવા લાગી જાય છે અને મારે ફરજીયાત એમની સેવામાં પાછળ દોરવાવું પડે છે.”
મનોમન હસીને સુધાએ બાંકડે બેઠેલી વ્યક્તિ સામે અછડતી નજર નાખી અને આગળ ચાલતી થઈ.
“જો, આ તારા ભગવાનની મીટીંગ તારે ઘેર જ પતાવી લેવી. અત્યારે મને છોડીને એને હાય હલ્લો કરવા નહિ જતી, સમજી?” પાર્કમાં જ આવેલા મહાદેવના મંદિર તરફ ઉપડેલા સુધાના પગ ત્યાં જ રોકાઈ ગયા. મંથન રોજ એને ટોકતો અને એ હસીને બહારથી જ મહાદેવને નમન કરી લેતી. અત્યારે પણ માથું નમાવીને એણે મનોમન મંથનને યાદ કરીને નમન કર્યા. પાર્કમાં ચાલતાં કે બાંકડે બેસીને વાતો કરતાં એ સમય દરમિયાન સુધા સતત મંથનની સાથે જ રહે એવો મંથનનો દ્રઢ આગ્રહ રહેતો. ક્યારેક કોઈ ઓળખીતું મળ્યું હોય ને સુધા એની સાથે બે ઘડી વાત કરવા રોકાઈ હોય તો પણ એ અકળાઈ જતો. અને આજે?છેલ્લા બે મહિનાથી સુધાને એકલી મૂકીને….
અચાનક ઊડેલા ઠંડા પાણીની છાલકે સુધાની આંખની ભીનાશને રોકી લીધી. આંખને ખૂણે અટકી ગયેલું આંસુ લૂછીને એણે સામે નજર કરી. રંગબેરંગી ફૂલોથી શોભતો નાનો એવો ફૂવારો આજુબાજુના વાતાવરણને ઠંડક આપતો ત્યાં ઊભો હતો. અહિયાં તો બાળકોના હીંચકા,લપસીયા ને બીજા ઘણા રમતગમતના સાધનો મૂકેલા હતાં. એ બધું હટાવીને અહીં ફૂવારો બનાવી દીધો? કેટલું બધું બદલાઈ ગયું? પોતે ય કેટલા વખતે અહીં આવી! મંથનને સમય જ ક્યાં રહેતો? ઇન્ટીરીયર ડિઝાઈનનો નવો બિઝનેસ ભાગીદારીમાં ચાલુ કરેલો એણે. મંથનના ભાગે દેશ વિદેશના નામી-અનામી ચિત્રકારોના ચિત્રો પસંદ કરીને પહોંચાડવાનું આવેલું. બિઝનેસ ખૂબ સરસ રીતે આગળ વધી રહ્યો હતો. નવા કામમાં વ્યસ્ત મંથનના સમયનું કોઈ ઠેકાણું જ રહ્યું નહોતું. પાર્કમાં જવાનું સદંતર બંધ જ થઈ ગયેલું.
આજે આ બદલાયેલો પાર્ક જોઇને સુધાને અણગમો થઈ આવ્યો. એક ચોક્કસ માળખામાં જીવાતી જિંદગીથી એને સંતોષ થતો. બદલાવ એને ગમતો નહિ. પણ બધું ધાર્યું ક્યારેય થાય છે ખરા? મંથન પણ બદલાઈ જ ગયો હતો ને? સુધાએ પણ ધીરે ધીરે એ બદલાવ સ્વીકારી જ લીધેલો ને? હશે, મને બધું જેમનું તેમ ગમે એવું એને ય ગમે એવું થોડું છે? આવા વિચારે એણે તદ્દન બીજા છેડાના મંથનને ય સ્વીકારી લીધેલો. માણસ જેવો માણસ બદલાય તો આ તો એક નિર્જીવ વસ્તુ! એમાં તો બદલાવ આવે જ ને?
મંદિરની બરાબર સામે રહેલી બોરસલ્લીને જોઈને આજે સુધાને કાયમના ભીના સ્મરણોને બદલે નાની એવી વીતી ગયેલી ઘટનાનો ખરબચડો અનુભવ યાદ આવી ગયો. સુધાએ પોતાના બેડરૂમમાં બોરસલ્લીના ઢગલોએક ફૂલોનું એક મોટું ચિત્ર લગાવેલું, ડબલ બેડના પલંગની એકદમ ઉપર. મંથનની વ્યસ્તતામાં સહજીવનની સુગંધી રાતો તો ક્યાંય ખોવાઈ ગયેલી, પણ સુધા એ સફેદ પુષ્પોની ઝાંય આંખોમાં આંજીને રોજ મંથનની રાહ જોયા કરતી. રાતના અંધકારમાં એ ધવલ પુષ્પો સુધાને અજવાશની આશા બંધાવ્યા કરતાં અને સુધા એ ચપટીક આશના સહારે આખી રાત વિતાવી દેતી. એટલે જ જયારે એક દિવસ એ ચિત્રને બદલે આડા ઊભા લીટા દોરેલ કોઈ ભડકીલા રંગોનું ‘એબ્સ્ટ્રેકટ’ ચિત્ર ત્યાં લાગેલું જોયું ત્યારે ભાગ્યે જ ઊંચે આવજે બોલનારી સુધા ગુસ્સે થઇ ગયેલી. ‘આને કહેવાય ચિત્રકળાનો ઉત્તમ નમૂનો. ફૂલોના ચિત્ર તે કંઈ ચિત્ર હોતાં હશે?’ કાયમ આંકડા સાથે પનારો પાડનારા મંથનને ચિત્રકળામાં રસ લેતો જોઈને સુધાને નવાઈ લાગેલી. છતાંય મંથનની નારાજગી વહોરી લઈને સુધાએ એ ચિત્ર પાછું ઉતરાવેલું. કોઈ પરિધિ નામની ચિત્રકારે દોરેલું એ ચિત્ર મંથને પછી પોતાની ઓફિસમાં લગાવી દીધું હતું. ખબર નહી કેમ પણ એ દિવસ પછી પેલાં શ્વેત પુષ્પો ય અંધારામાં વિલીન થઈ ગયેલા.
આગળ જવાનું માંડી વાળી સુધા પાછી ફરી. પેલો બાંકડો હજી પણ ખાલી નહોતો થયો. સલવાર કમીઝ પહેરેલી કોઈ સ્ત્રી ત્યાં બેઠી હતી. સુધા પણ એના એક છેડે જઈને બેઠી. અનાયાસ જ ડાબો હાથ બાંકડાની કીનારને પસવારી રહ્યો.ડૂચો વાળીને મનના ખૂણે ધકેલી દીધેલી એક ઘટનાની પોપડીઓ ઉખડવા લાગી.
“સુધા એક સ્ત્રી છે મારા જીવનમાં. પરિધિ નામ છે એનું. બહુ જ સારી ચિત્રકાર અને એટલી જ સારી વ્યક્તિ. હું પ્રેમ કરું છું એને.” મંથને અહીં જ આ જ બાંકડે બેસતાં કહેલું. અઠવાડિયા પહેલાં જ જયારે મંથન સુધા સાથે પાર્કમાં આવવા તૈયાર થયેલો ત્યારે અનુભવેલી ખુશી ક્યાંય ઊડી ગયેલી.
“મંથન, તમે આ શું બોલો છો?” મૂળ સોતી કોઈએ ઉખાડીને ફેંકી દીધી હોય એમ સુધા બાંકડે બેસી પડી.
“ સુધા, માનું છું કે આ બધું સહેલું નથી. પણ હવે હું આ બેધારી જિંદગીથી કંટાળી ગયો છું. પરિધિ પ્રત્યે પણ મારી જવાબદારી બને છે. તું સમજે છે ને?”
“શું સમજું હું મંથન? વીસ વર્ષોનો આપણો સંબંધ તરછોડી તમે કોઈ અજાણી સ્ત્રીની જવાબદારીની વાત કરો છો? તમને ખબર છે લોકો આપણાં સુખી લગ્નજીવનના દાખલાઓ આપે છે. હજી ગઈ કાલે જ બધા પાર્ટીમાં કહેતા હતા કે…”
“ તારી આ દર વિકેન્ડની પાર્ટી હવેથી બંધ. મને ઘેર રાખવા તું કોઈ ને કોઈ બહાને પાર્ટીઓ કરે છે એ મને ખબર છે. પણ હવે નહીં.”
“ મંથન…. આપણી દીકરીઓ મોટી થઈ ગઈ છે. એ શું વિચારશે આપણાં વિશે?”
“આપણાં વિશે? સુધા, હવે આપણાં વચ્ચે આપણું કહી શકાય એવું કંઈ બચ્યું છે ખરા? પતિ પત્ની નામનો કોઈ સંબંધ રહ્યો જ નથી આપણી વચ્ચે. આ વાત તું જેટલી જલ્દી સમજે એટલું સારું.” બાંકડાને સજ્જડ પકડી રહેલા સુધાના હાથ પર મંથને બે ક્ષણ પોતાનો હાથ દાબ્યો. એ બેયની નજર મળી ન મળી, ને મંથન ત્યાંથી નીકળી ગયો.
અઠવાડિયા પહેલાની આ ઘટનાનો ભાર ફરી એક વાર અનુભવી રહી સુધા. મંથન સાથેનું આદર્શ લગ્નજીવન અને ‘મેઇડ ફોર ઈચઅધર’ ના મથાળા હેઠળ ચણેલો સુખનો મહેલ – સુધાએ બહુ જતનથી એને મનના એક ખૂણે સાચવી રાખ્યો હતો. મંથન અને પોતાની વચ્ચેના તણાવની બીજાને ગંધ પણ ન આવે એવી ખાસ તકેદારી રાખતી સુધા બધાને એ મહેલ જ દેખાડતી અને પોતે ય ખુશ થતી.
કાશ, એ અહીં ન આવી હોત! કાશ, મંથને એને કંઈ કહ્યું જ ન હોત. કાશ …..
ઓહ….કેટલી અનિશ્ચિતતા! સુધાની સામે મંથનના બે અલગ રૂપો આવીને ઊભા રહી ગયા. એક મંથનમાં એને દેખાયો પ્રેમાળ પતિ અને એટલો જ જવાબદાર પિતા. બીજો મંથન સાવ જ અજાણ. ઓળખી ય ન શકાય એટલો અપરિચિત. આ બંનેમાંથી સાચું કોણ? એ મંથન કે જેની સાથે એણે વીસ વર્ષોનો સહવાસ માણ્યો હતો, કે એ મંથન જે કોઈ પરિધિ નામની વ્યક્તિને ચાહે છે? કે પછી મંથનના બંને વ્યક્તિત્વ આભાસી હતા?
‘પોતે શા માટે આટલું વિચારે છે? કોને ખબર પડવાની છે કે મંથન કોઈ બીજી સ્ત્રી સાથે…. .’
સુધાને ખબર હતી કે બીજું કોઈ જાણે કે નહીં, એને પોતાને પરિધિના હોવાથી ફેર પાડવાનો હતો. મંથનની પોતે મનમાં કંડારેલી આદર્શ જીવનસાથીની ધૂંધળી થઈ ગયેલી છબી હવે સાવ જ ખરડાઈ ચૂકી હતી. સુધાની ગમે એટલી દ્રઢ આશ હવે એ છબીને કે પેલાં ડગમગતાં સ્વપ્ન મહેલને બચાવી શકે એવી શક્યતા જ નહોતી રહી.
એણે છેલ્લી વાર એ બાંકડાની કિનારને મૃદુતાથી પસવારી. મંથનની યાદમાં આંખને ખૂણે અટકી ગયેલું આંસુ નીચે ખરી પડ્યું. કોઈ જોતું નથી ને એની ખાતરી કરવા એણે આસપાસ નજર ફેરવી ને બાંકડાને સામે છેડે બેઠેલી સ્ત્રી સાથે એની નજર ટકરાઈ. મ્લાન હસી એ ત્યાંથી ઊભી થઈ. પાર્કમાંથી બહાર નીકળતી વખતે પાછળ પણ જોયા વિના એ મક્કમ પગલે ઘર તરફ વળી.
સુધાના ગયા બાદ પેલી સ્ત્રી ઊભી થઈ. સુધાની ખાલી પડેલી જગ્યા પર બેસી એણે બાંકડાની કિનાર પર સ્પર્શ કર્યો. આંખ ભરાઈ આવી એની ય. મોટી ભાવવાહી આંખને ખૂણે અટકેલું આંસુ ખરીને સુધાના આંસુ સાથે ભળી ગયું.