‘પપ્પા…મમ્મી ક્યારે આવશે બોલોને? પપ્પા…’
પથારીમાં અડધા કલાકથી પાસા ફરતાં અને ઊંઘવાનો નિષ્ફળ પ્રયાસ કરતાં કાર્તિકને આ શબ્દો સતત કાનમાં પડઘાયા કરતાં હતાં. આખરે ઉભા થઈને તેણે બાજુનાં પલંગમાં સુઈ રહેલી પોતાની દીકરી પલક અને મા તરફ જોયું. મા હળવે હળવે પલકના માથામાં હાથ પસવારતી હતી. પલક લગભગ સુઈ ગઈ હતી.
કાર્તિકે ફરીથી સુવાનો પ્રયત્ન કરતાં પલંગમાં લંબાવ્યું. સીલીંગ ફેન તરફ જોતાં જોતાં અતીતમાં સરકી જવાયું.
‘કાર્તિક આપણા લગ્નને 10 વર્ષ થઈ ગયાં અને આ 10 વર્ષમાં આપણે બસ એક જ વાર ફરવા ગયા અને એ પણ મુંબઈ. 10 વર્ષનાં લગ્નજીવનમાં લોકો ક્યાં ક્યાં ફરી આવે અને આપણે ? ઉંઉઉં….મને ગોવા જવું છે તું ગમે તે કર પણ ગોવા જવાનું એડજસ્ટ કર.’
‘વિધિ થોડો ટાઇમ રોકઈ જા. તને ખબર છે ને આ મકાન માટે મેં લોન લીધી છે.
‘હા તો ?’
‘તો મહીને એનો સીધો 5000 હપ્તો સેલેરીમાંથી કપાઈ જાય છે. હજું એ લોન પૂરી નથી થઈ. ઉપરથી પલ્લુની સ્કુલ ફી નો ખર્ચ. બધું ખર્ચ થતાં માંડ મહિનો જાય છે અને તને ફરવા જવાની પડી છે. એકવાર બધું સેટલ થઈ જાય પછી ધીમે-ધીમે બધું થશે.’
‘કાર્તિક કેટલા વર્ષથી આ સાંભળી રહી છું. સેટલ થઈ જાય…., સેટલ થઈ જાય… તને મારી કશી પડી જ નથી કદી 800, 900 થી ઉપરની સાડી લઈ આપી છે તેં મને?’
‘હા તો તને 900 રૂપિયા ઓછા લાગે છે?’
‘કશું પણ ખરીદી કરો બજેટ નક્કી કરીને. ક્યાંય પણ જાઉં વધારાનાં કે ખોટા ખર્ચા ના થાય એનુંય ધ્યાન રાખવાનું. ક્યાં સુધી આમ ચુમઈ ચુમઈને જીવવાનું.’
‘હું કહું છુને વિધિ બસ થોડો ટાઈમ રહી જા.’
‘શું થોડો ટાઇમ…મારે ઈંગ્લીશ સ્પીકિંગનાં ક્લાસ પણ કરવા છે તોય હું નથી કરતી. પલ્લુ ને સ્કુલે મુકવા જાઉં ત્યારે બધા ઇંગ્લીશમાં વાતો કરતાં હોય છે. નો ડાઉટ.. બધું સમજાઈ તો જાય.,પણ એમના જેવું ફાંકડું ઈંગ્લીશ બોલતા તો ના જ આવડેને. એટલા પાંચ હજાર પણ તારાથી નથી નીકળતા.’
‘આમ આવ’
કાર્તિકે વિધિનો હાથ પકડી પોતાની નજીક બોલાવી કપાળ ચૂમી લઈ કહ્યું,
‘બસ થોડો ટાઈમ. પછી આપણા બધાં સપના પુરા કરીશું. હું ઓવરટાઈમ પણ કરું છુને. તું તો જાણે જ છેને પ્રાઇવેટ જોબમાં કામ વધારે ને સેલરી ઓછી હોય. આપણે થોડો ટાઈમ જ એડજસ્ટ કરવું પડશે.
‘પણ કાર્તિક?’
‘પ્લીઝ વિધિ થોડો વખત પછી હું બધું સારું કરી દઈશ અને કાલે તું ઈંગ્લીશ સ્પીકિંગમાં એડમીશન લઈ લેજે. બસ. ખુશ હવે ?’
આ વિચારોમાં ને વિચારોમાં કાર્તિકની આંખ મીંચાઈ તો સીધી સવાર પડી.
*
સૂર્યના કિરણોથી ઓસરીમાં મુકેલા તુલસીના કુંડાની ભીની માટી ચમકતી હતી. વહેલી સવારે કાર્તિકે પૂજા કરી ઘરનાં ગોખલે સળગાવેલી અને બહાર તુલસીનાં કુંડામાં ખોસેલી અગરબત્તીમાંથી પ્રસરતી મોગરાની સુવાસથી આખું ઘર અને આંગણું મહેકતું હતું.
‘ધડામમ્મ્મ્મ…..’ અવાજ આવતાં જ કાર્તિક રસોડામાંથી ડ્રોઈંગ રૂમમાં દોડ્યો.
‘મમ્મી તને ના નથી પાડી ઉભા થવાની. કેટલીવાર કહું ઉભા થવું હોય તો મને બોલાવ. આ એક પગે તો ફેક્ચર થયું છે હવે શું બીજા પગે પણ કરવાનું છે?’
‘પણ દીકરા મને એમ કે તું કામમાં હોય એટલે, એનાં કરતાં જાતે જ ઉઠીને પેપર લઈ લઉં.’
‘પણ મમ્મી તને ડોકટરે કહ્યું છેને કે મહિનો બે મહિનાં રેસ્ટ કરવાનું છે અને સ્ટીલની આ ઘોડી શું હું ઘરમાં શોભા માટે લાવ્યો છું? હવે બેસી જા અહીં ખુરશી પર. હું ચા-નાસ્તો લાવું.’
કાર્તિકે ડાઈનીંગ ટેબલ પર ચા નાસ્તો મુક્યો. માએ ગરમ ચા ઠંડી થાય એ માટે કપમાંથી રકાબીમાં કાઢી ને થોડું ખચકાઈને બાજુની ખુરશી પર બેઠેલા કાર્તિકને પૂછ્યું.,
‘અઅઅ…દીકરા તું…ગઈકાલ પોલીસ સ્ટેશન ગયો હતો કે નહિ?’
‘નથી જવું મારે ક્યાંય જે થવું હોય એ થશે.’
‘પણ દીકરા….’
‘મમ્મી શું તું સવાર સવારમાં આ વાત લઈને બેસી ગઈ.’
‘સારું તને નહી ગમતું હોય તો નહિ કહું કંઈ…પલ્લુને તૈયાર કરી કે નહિ?’
‘હા થઈ ગઈ છે. લે આ આવી ગઈ’
‘ચલ પલ્લુ ચા પી લે’
‘ઉઉઉ…પપ્પા…મારી માથાની રીબીન ખુલી ગઈ છે નથી બંધાતી.’
‘અહીં આવ દાદી પાસે., હું બાંધી દઉં’
થોડીવાર પછી કાર્તિકે પલકની સ્કુલબેગ તૈયાર કરી.
‘પલક જા બુટ પહેરી લે.’
‘ચાલ મમ્મી, અમે જઈએ હવે., ચલ તને બહાર ઓસરીમાં પલંગ પર બેસાડી દઉં. જમવાનું અહીં ટેબલ પર જ મુક્યું છે. ટાઈમસર જમી લેજે’
‘સારું, તમે લોકોએ ટીફીન લીધું?’
‘હા મમ્મી લીધું. જો હમણાં વિનુ આવે તો કહેજે કે બધાં વાસણ પાછળ ચોકડીમાં મૂકી દીધાં છે અને હું સાંજે પલ્લુને સ્કુલેથી લઈને 5.30 સુધીમાં આવી જઈશ હો’
‘હા દીકરા’
‘ચાલ પલક’
‘પપ્પા વેઈટ.. મારાં બુટની દોરી ખુલી ગઈ.’
‘ઉભી રહે બાંધી દઉં’
‘હા પણ મમ્મી જેમ બાંધે છે એમ એકદમ ટાઈટ બાંધજો.’
કાર્તિકે વળીને મા સામે જોયું ને થોડું ખચકાઈને બુટની દોરી બાંધી.
‘મમ્મી જયશ્રી કૃષ્ણ’
‘હા બેટા…જયશ્રી કૃષ્ણ.’
‘બાય દાદી…’
‘બાય…બાય..બેટા…’
*
‘વિનુઉઉઉ’
‘હા માસી શું?
‘કાર્તિકને ફોન કરને કેમ હજુ આવ્યા નથી? પોણા છો થવા આવ્યાં.’
‘હા કરું માસી’
‘દા…..દી……’
‘આ લો આવી ગયા કાર્તિકભાઈ’
‘દાદી જુઓ મને ડ્રોઈંગમાં 5 સ્ટાર મળ્યાં. જુઓ વિનુ કાકા…’
‘અરે વાહ…તો તો આજે આપણે આઈસ્ક્રીમ ખાઈશું. જા વિનુ આઈસ્ક્રીમ લઈ આવ. તું પણ મોઢું મીઠું કરીને પછી ઘરે જા.’
માએ પલકને ગોદમાં બેસાડી અને વિનુને 100ની નોટ આપી.
‘વિનુકાકા મારાં માટે બટરસ્કોચ લાવજો’
‘હા…હોં…’
‘શું કર્યું આખો દિવસ મમ્મી?’
કાર્તિકે હાથની ઘડિયાળ કાઢી ટેબલ પર મુકતા કહ્યું,
‘કંઈ નહિ બેટા વિનુએ થોડું કામ પતાવ્યું ને પછી અમે જમ્યા અને વિનુએ વટાણા ફોલી રાખ્યા છે હો… ફ્રીજમાં મુક્યા છે. જોઈ લેજે.’
‘હા મમ્મી’
‘દીકરા, વિનુને ક્યાં સુધી આમ આખો દિવસ નોકરી પર રાખીશ? 20,000 પગારમાં આટલું બધું નાં પહોંચી વળાય. 5000 લોનનાં અને 5000 વિનુનો પગાર. સીધા 10,000 જતાં રહે છે. બાકી વધે એમાંથી પલ્લુંની ફી ભરવાની ને ઘર ચલાવવાનું કેમનું પહોંચી વળાય બેટા. મારાં ફેમીલી પેન્શનનો બહુ તો 1000 રૂપિયા ટેકો થાય.’
‘બસ આ એક જ મહિનો મમ્મી. પછી તો પહેલાની જેમ એ ખાલી વાસણ માટે જ આવશે’
‘પણ દાદી મમ્મીને લઈ આવોને પછી આપણે વિનુકાકાને આખો દિવસ રોકવાની જરૂર જ નહી ને’
કાર્તિક અને મા ક્ષણિક એકબીજાને જોઈ રહ્યાં. એટલામાં વિનુ આઈસ્ક્રીમ લઈને આવ્યો,
‘ચાલો આઈસ્ક્રીમ આવી ગઈ…’
કાર્તિકે પલકને માની ગોદમાંથી લેતા કહ્યું,
‘ચાલો ચાલો વિનુકાકા આવી ગયા હવે આપણે બધાં આઈસ્ક્રીમ ખાઈશું.’
*
‘બાય પપ્પા..સાંજે જલ્દી લેવા આવજો.’
‘હા…તું અહીં જ ઊભી રહેજે આ ગેટની બહાર નહી આવતી. હું વહેલો આવી જઈશ.’
‘ઓકે પપ્પા…બાય…’
‘બાય બેટા…’
‘પલક….’
પલકે પોતાનાં નામની બુમ સાંભળી. પાછળ વળી જોયું.
‘મિતાલી…’
‘પલક નાઉ તું સ્કુલે થોડી જલ્દી આવે છેને કંઈ? નહિ તો પહેલાં તો એકદમ ટાઈમ ટૂ ટાઈમ જ આવતી. ના વહેલું કે ના મોડું. ઈલેવન કલોક એટલે રાઈટ ઈલેવન કલોક જ’
‘યસ…મારાં મમ્મી છેને નાની બીમાર છે એટલે બરોડા ગયા છે. તો હવે પપ્પાને ઓફીસ જવામાં લેટ ના થાય ને એટલે એ મને વહેલા સ્કુલે મુકવા આવે છે.’
‘ઓકે… તે તાન્યા ટીચરે આપેલું હોમવર્ક કર્યું છે?
‘હા કેમ?’
‘કંઈ નહિ એમ જ પૂછું છું. હવે આપણું 5th સ્ટાન્ડર્ડ ખતમ થશે અને ફાઈનલ એક્ઝામ આવશે તો હોમવર્ક તો કરવું પડશેને. નહિ તો ટીચર A+ નહી આપે.’
સાંજનાં 5 વાગ્યા હતાં. કાર્તિક સ્કુલની બહાર પલકની રાહ જોઈ રહ્યો હતો.
‘પલક……’
કાર્તિકે પલકને જોતાં જ ઉમળકાભેર ગોદમાં લઈ લીધી પણ આજે પલકમાં કોઈ ઉમળકો દેખાયો નહી.
‘શું થયું બેટા કેમ આજ આમ સાવ ઢીલી ઢીલી છે.?’
પલક પોતાના જમણાં હાથની પહેલી આંગળીનો નખ મોઢામાં નાખતા સાવ ધીમા સ્વરે બોલી.,
‘કંઈ નહી.’
પલક કંઈ બોલી નહી ને ચુપચાપ એક્ટીવા પર બેસી ગઈ. કાર્તિક તેને લઈ ઘરે આવ્યો.
‘મમ્મી જોને આજ પલ્લુ સાવ ઢીલી ઢીલી છે કંઈ બોલતી નથી’
કાર્તિકે પલક ને ગોદમાંથી ઉતારી માની ગોદમાં બેસાડી.
‘પલ્લુ શું થયું બેટા કેમ કંઈ બોલાતી નથી ? તાવ તો નથી તને., તો કેમ આમ ઢીલી થઈ ગઈ છે?’
પલક કંઈ બોલી નહી.
‘મમ્મી…અઅઅ…..સ્કુલમાં કંઈ અણછાજતું તો નહી બન્યું હોયને?’
‘એક કામ કર બેટા., બસસ્ટેન્ડ પાસે રીચા શાહનું દવાખાનું છે ત્યાં લઈ જા.’
કાર્તિક તેને દવાખાને લઈ ગયો તેમ છતાં પણ તે કંઈ બોલી નહિ.
‘જુઓ કાર્તિકભાઈ મેં ચેકઅપ તો કર્યું પણ કંઈ અણછાજતું બન્યું હોય એમ લાગતું નથી., તે છતાં પણ તમે કાલે એનાં સ્કુલ ટીચરને એકવાર મળીને વાત કરી જોજો.’
‘હા સારું ડોક્ટર’
કાર્તિક પલકને લઈને ઘરે આવ્યો.
‘મમ્મી…ડોકટરે ના પાડી એવું કંઈ જણાતું નથીં’
‘મમ્મી…..અઅઅઅ……કદાચ આટલા દિવસથી એણે વિધિને જોઈ નથી એટલે જ તો આમ…’
‘થઈ શકે દીકરા હજું તો કુમળું બાળક જ છેને. ચાલ આપણે જમી લઈએ. આજ વિનુ જોડે રસોઈ કરાવી દીધી છે. પલકને થોડું ખવડાવ ને પછી સુવાડી દે અને આજે એને હોમવર્ક ના કરાવતો.’
‘હા મમ્મી’
રાતનાં 10 વાગવા આવ્યા હતાં. કાર્તિક પથારીમાં સુતી પલકના વાળમાં હળવે હળવે હાથ ફેરવતો હતો. મા પેપર વાંચતા હતાં એવામાં અચાનક પલકની આંખ ખુલી ગઈ. કાર્તિકે એને પૂછ્યું.,
‘શું થયું બેટા..?’
થોડીવાર આમતેમ જોયા પછી ધીમાં સ્વરે બોલી.,
‘પપ્પા મને ખબર છે’
‘શું?’
‘હવે મમ્મી કદી નહિ આવે. તાન્યા ટીચર ચૈતાલી ટીચરને કહેતાં હતાં કે મમ્મી ભાગી ગઈ છે ઈંગ્લીશ ટ્યુશનથી.’
‘તું સુઈ જા બેટા’
કાર્તિક અને મા બન્નેની આંખો ભરાઈ આવી. તે ચુપચાપ એકબીજાને જોઈ રહ્યાં. તે રાત્રે કાર્તિક અને મા બન્નેમાંથી કોઈને ઊંઘ ના આવી. આખી રાત એમ જ વીતી ગઈ.
*
‘કાર્તિક હવે પલકની સ્કુલ બદલાવી દે દીકરા’
‘વિચારીશ મા. કંઈ નહિ. એમ પણ આજ કે કાલ પલ્લુને ખબર તો પડવાની જ હતીને. ભલે આમ તો આમ.’
‘પલ….ક…બેટા ચાલ જલ્દી કર સ્કુલે લેટ થઈ જઈશ.’
ઓસરીમાં બેઠેલા કાર્તિકે પલકને બુમ પાડી.
‘હા ચાલો પપ્પા…એક મિનિટ પપ્પા’
‘પાછું શું થયું?’
‘આ જુઓ તમારાં બુટની દોરી ખુલી ગઈ છે વેઈટ હું બાંધી દઉં. નહી તો તમે પડી જશો., ’
પલકે કાર્તિકનાં બુટની દોરી બાંધી.
‘હમમમમ..હવે બરોબર. લેટ્સ ગો, પપ્પા’
કાર્તિક અને મા પલકને શૂન્યમનસ્ક થઈ જોઈ રહ્યાં.