વાત તો ત્રણેયે સ્વીકારી લીધી હતી. હા, ભલે સડકછાપ શાયરાના મિજાજમાં ઊતરી જઈને જ ભલે, પણ વાત ત્રણેયે સ્વીકારી લીધી હતી. એનું કારણ પણ સ્પષ્ટ હતું. એક તરફ રૂપાલી ગુમ થઈ ગઈ હતી, બીજી તરફ હિમાલી પરણી ગઈ હતી, ત્રીજી તરફ દીપાલી એના શેઠને જ વરી અમેરિકા ચાલી ગઈ હતી અને ચોથી તરફ વૈશાલીનો સંભવિત વર ને સાંપ્રત બોયફ્રેન્ડ તો પહેલવાન જીમ ટ્રેઈનર હતો. પરિણામે, વાત તો ત્રણેયે સ્વીકારી લેવી પડી હતી કે જીદ છોડવી પડશે, શર્ત તોડવી પડશે, ગમગીની પી જવી પડશે ને જિંદગી, ઝાલીમ જમાના વચ્ચે પણ આ જિંદગી જીવી જવી પડશે…
હકીકતમાં દાખલો ગણતા પહેલા જવાબની અવેજીમાં ધારવામાં આવતા એક્સની રકમ જ ખોટી મૂકાઈ ગઈ હતી. સ્વભાવની જક્કી ગમ્મત પ્રમાણે કપડાં પહેરાય, હેરસ્ટાઈલ કરાય, ફેશન મરાય, હરવાફરવા જવાય, દોસ્તીદુશ્મની પળાય, પણ જિંદગીના ચેઝબોર્ડ પર ધૂની વિચારોમાં પ્યાદાં પડતાં ન મૂકાય… એવી સમજ ચેસ રમ્યા વગર પણ સરેરાશ માણસો મેળવી લે છે.
એ સમયે આ ત્રણેયે નહોતી મેળવી. જોકે એ સમય પછીના સમયે એમણે વાતને સ્વીકારી લીધી હતી.
પહેલાંએ કહ્યું- શર્તભંગ માટે આપણે પસ્તાવોયજ્ઞ કરાવીશું.
બીજો- હા, પણ આ વખતે ગોરાઈમાં.
ત્રીજો- ના ભાઈ ના, મારા ઘરે જ.
પહેલો- બાટલીખર્ચ મારા માથે. નિવેદ તમારે લાવવા.
આ જનાબોની સર્વમાન્ય અપ્રકાશિત ડિક્શનરીમાં પસ્તાવોયજ્ઞ એટલે પ્યારુંપીણું, નમકીન ને પેલુંબધું. સેંકડોવારની જેમ ફરી એકવાર શર્ત ન પાળી શકવાનું દુઃખ ભૂલવા પસ્તાવોયજ્ઞ કરી લઈ-બૂમો પાડતાં-પાડતાં, કે, હે ખુદા! આ પસ્તાવો સ્વીકાર હો અમ પસ્તાવો સ્વીકાર હો-કહી અંતે, વાત તો ત્રણેયે સ્વીકારી લીધી હતી.
શર્તની વાત ઘણાં વરસો અગાઉથી શરૂ થઈ હતી. કેલેન્ડરનાં પાનાં પાછાં ફેરવો તો જોવા મળે કે એક સોનાના દિવસે, કોલોનીમાં શર્તોના બાદશાહ કહેવાતા વિકી, એના કટ્ટર શર્તસ્પર્ધીઓ પાર્થ અને મહાબલી દીપક વચ્ચે એક ભવ્ય શર્ત એની ચરમસીમાએ પહોંચેલી છે. સાથે ઊભેલા સુમિત અને બીજું ચિલ્લર આકુળવ્યાકુળ થાય છે.
પાર્થ બોલ્યો, નયનેશ
વિકી બોલ્યો, પ્રથમેશ
દીપક બોલ્યો, દિવ્યેશ
આ, વિજ્ઞેશ
એ, સંકેટશ
ઓલો, ત્ર્યંબકેશ,
એ… આ… ઓલો…
એ… ઓલો… આ…
-સર્વેશ
-ભદ્રેશ
-નિમેષ
-ફલાણોએશ…
-ઢીંકણોએશ…
-પૂછડોએશ…
-અને…
શર્ત તો સમજાઈ.
શબ્દાંતે એશ આવતાં નામોની સામસામે ફેંકાફેંક ચાલી રહી હતી ને છેલ્લે નામ વગર હારી જનારા પર હારનો ભાર લદાવવાનો હતો. નરેશ, રમેશ, જયેશ, સુરેશ વગેરે વગેરે જેવાં સડકો પર રખડતાં મળે એવાં સામાન્ય એશધારી નામોની રમઝટ તો ક્યારની બોલી પરવારી ગઈ હતી ને હવે વધી હતી જાતે નામો ઉપજાવી કાઢવાની સ્પર્ધા. ભાષાના સારા ખેલાડી મનાતા સુમિતને એ લોકોએ સાથે ઊભો રાખ્યો હતો, જે દરેક નામને સત્તાવાર સાચું જાહેર કરતો ને ઉપજાવી કાઢેલું નામ ખોટું હોય તો એ નામ રદબાતલ કરતો. દરેક નામો વિકી-દીપક-પાર્થના નામે નોંધતો જતો, જેથી ફરી એકનું એક નામ કોઈ ન બોલે.
એક રાત પડી, પણ નામોનો છેડો ન આવ્યો, વિકીએ ટેસ્ટમેચની જેમ બીજે દિવસે અનુસંધાન સાધવાનો પ્રસ્તાવ આપ્યો, સહુએ સ્વીકાર્યો. રાતે ત્રણેય ખેલાડી ઘરમાં પ્રાપ્ત ચોપડીઓ-અખબારોમાં એશધારી નામો ભેગાં કરવાં લાગી પડ્યાં ને બીજે દિવસેય રમઝટ જામી. એશાએશનાં નામોની બઘડાટી એવી તો બોલી કે બે દિવસો કે અઠવાડિયા જ નહીં, બે મહિના વટાવી એ વરસની દિવાળી સુધી શર્ત ખેંચાઈ ગઈ. દિવાળીમાં નાઈટક્રિકેટ રમવાની મજા માણવા માટે કોલોનીકર્મીઓએ પહેલાં આ શર્તનો નિવેડો આવે ત્યાં સુધી રાહ જોવાનું નક્કી કર્યું. એ શર્તની મજા કહો કે ખ્યાતિ, એ એવી જામી હતી કે બીજી બધી રમતો મૂકી મુગ્ધ ભાવકો આ ત્રણેયની નામખેંચની એશાએશને જોવા ભેગા થઈ જતા. ત્યારે તો રોજનો સમય પણ નક્કી કર્યો હતો, રાતે 8થી 10ના બે અમૂલ્ય કલાક આ કાર્યક્રમ માટે ફાળવી દેવામાં આવ્યા હતા. એમ કરતાં-કરતાં દિવાળી આવી ત્યારે તો સહુને થવા લાગ્યું કે ભઈ આ રમઝટ પતશે કે નહીં? નામો નોંધતાં-નોંધતાં ત્રણેયનાં નામની એક-એક નોટબૂક ભરાવવા આવી હતી.
બે મહિના ઉપરના બે અઠવાડિયે બધાની પ્રતિક્ષા પૂરી થઈ. આવી પહોંચ્યો એ અંતિમ દિવસ પણ.
વિકી જીતી ગયો. પાર્થને છેલ્લે એશાંતવાળું નામ ન મળ્યું. દીપક તો એ પહેલા પટકાઈ ગયો હતો.
શર્ત પૂરી થઈ. પાર્થના મનમાં દાઝ રહી ગઈ, એને એમ થયું કે પૂરતી તક મળી હોત તો હજી ઘણાં નામ શોધી લાવત, દીપક ધૈર્યવાન હતો. એણે અહીં નમતું જોખી બીજીવાર મોટો દાવ મારવાનો ભિષ્મસંકલ્પ, અલબત્ત મનોમન, કરી લીધો હતો. એ સમજતો હતો કે આ શર્ત પૂરી કરી બીજી શર્ત પર ઊતરી આવવાનો સમય હતો.
આવી વિવિધ શર્તના નશામાં આળોટતી આ કોલોનીમાં ખંધો ખિલાડી હતો દીપક. કાબેલ હતા ભલે વિકી-પાર્થ, પણ દીપક ભારે ચાલાક. દીપક-પાર્થ-વિકી એ કોલોનીની ક્રિકેટ ટીમની જ જેમ શર્તના મેદાનમાં પણ સચીન-દ્રવિડ-ગાંગુલી ગણાતા. એશાંતવાળા નામોની શર્તમાં પાર્થને હારી જવાનો વસવસો રહી ગયો હતો તો દીપકને ન ટકી શકવાની ખીજ ચડી હતી. દીપક-પાર્થની કમનસીબી વિયાઈ હોય એમ એશાંતવાળા નામોની શર્ત અત્યાર સુધીના કોલોની-ઈતિહાસની સૌથી લાંબી ને નામચીન શર્ત બની ગઈ હતી, એનો વિજયોન્માદ વિકીને નામે લખાયો હતો. અગાઉ નાનીમોટી શર્તોમાં વિજેતા બન્યા છતાં દીપક-પાર્થને આવી ખ્યાતિ નહોતી મળી. હવે દીપક-પાર્થને એક ડુંગર વધુ ચડવાની ધૂન સવાર હતી.
થોડા જ સમય પછીની વાત છે કે શિયાળાની એક રાતે સાઈકલ પાર્કિંગના ખૂણે આબાધૂબી રમતાં ફેંકેલો પ્લાસ્ટિકનો દડો ખોવાઈ ગયો. એ શોધવાના કલાકેક લાંબા સર્ચ-ઓપરેશનને નિષ્ફળતા મળતાં ત્યાં જ અનૌપચારિક બેઠક જામી ગઈ. દીપક તો નવી કોઈ તેજાબી શર્તની તલાશમાં જ હતો. કોલોનીમાં હિમાલી-દીપાલી-વૈશાલી-રૂપાલી એ ચાર એકસરખાં લાગે એવાં નામવાળી છોકરીઓ હતી એમાંથી કોઈ એકની વાત ચાલી એટલે બીજીના ઉલ્લેખ આવ્યા. અગાઉના વિજેતા વિકીથી બોલી જવાયું, ચલો. હિમાલી. છે કોઈ સામે બોલનારું?
ગત યુદ્ધમાં હારેલા સિંહ પાર્થે પણ તરત બૂમ પાડી, એમ?! દીપાલી. બોલો છે કોઈ સામે હજી?
એક જ ક્ષણમાં બધાએ રમતની નાભિ પકડી લીધી, પણ દીપક ચૂપ હતો.
વિકીની ત્રાડ, વૈશાલી.
પાર્થનો હૂંકારો, રૂપાલી.
કોલોનીનાં ચારેચાર અલીધારી નામ પતી ગયાં. મગજની ફળદ્રુપતાને પડકાર ફેંકાયા. શોધ ચાલી વધુ અલીધારી નામોની. વિકી-પાર્થ બન્ને નવાં નામ સાથે તૈયાર લાગતા હતા ત્યાં જ વચ્ચે દીપક ડબક્યો, પણ આ વખતે શર્ત કંઈ મોટી હોવી જોઈએ? જીતે એને શું ને હારે એને શું?
ભૂમ્મમમ. અચાનક સન્નાટો છવાઈ ગયો.
દીપકે કહ્યું, સાંભળો આમ માત્ર સામસામે નામોની શર્ત તો અગાઉ પણ ચાલી છે. સાવ બબૂચકગીરી. હવે આપણે બચ્ચા નથી રહ્યા. ડિગ્રીકોલેજમાં આવ્યા યાર. હવે તો કંઈક વધારે ચેલેન્જિંગ જોઈએ. હજી આવી બચ્ચાઓની શરતો જ રમ્યા કરીશું? કંઈ નવું કરો? આજે શર્તનો મિજાજ હું બદલીશ. હું આજે, અહીં આ આપણી નવરાઓની સભામાં, પ્રતિજ્ઞા કરું છું કે પરણીશ તો જેના નામના અંતે આવો અલી શબ્દ આવતો હશે એવી છોકરીને જ… બોલો છે કોઈ પડકારનારું?
ઠેનટેડેન.
બસ, પછી તો વિકીએ સભા ગજવી, ‘તો ભલે. દીપક પહેલાં હું એવી છોકરી શોધીને પરણી બતાવીશ.’ પાર્થ તો પાછો પડે એમ હતો જ નહીં, એણે પણછે ચડાવેલા બાણને અણનમ રાખતા એલાન કર્યું, ‘આ બે ઓપનર્સ કરે એ પહેલાં હું વન-ડાઉન આવીને પણ સેન્ચુરી ફટકારીશ. કરીને બતાવીશ અલીવાળી છોકરી સાથે લગન. બોલો સિયાવર રામચંદ્ર કી જય!’
જય હો ભઈ જય. સભામાં જયજયકાર થઈ ગયો. પા વરસ સુધી નામાંતે ઈશ શબ્દધારી નામો બોલવાની શર્તમાં ઝઘડેલા આ ત્રણેય અભરખાના અવતારો, હવે નામાંતે અલી શબ્દધારી છોકરીને પટાવવામાં લાગી ગયા. વાત પ્રસરી ગઈ. લી-ટોળકીની ચારેય છોકરીઓને પણ ખબર પડી ગઈ. ચિંતામાં તો એ ચારેયનાં માતાપિતા મૂકાઈ ગયાં, કારણ કે આ ત્રણ ફુગ્ગેશ્વરોની બજારમાં તો પાવલીય પડે એમ નહોતી. ભૂલથી કોઈ એકાદ અલીને પટાવી પરણી ગયું તો બિચારીને રામ ભરોસે મૂકવી પડે.
અલબત્ત, ચારેય અલીઓના આવવા-જવાના સ્થળ-સમય-આયોજનો, ટ્યુશન-ક્લાસીસ-રમતો, એમના દૂર-નજીકી વર્તુળનાં પશુ-પક્ષી-બાળમાનવો ઈત્યાદિ બધી બાબતોની નોંધ લેવાતી થઈ ગઈ. ત્રણેય યૌદ્ધા વિધવિધ યોજનાઓ અમલમાં મૂકતા ગયા. લાંબા સમય સુધી દીપાલી-હિમાલી-વૈશાલી-રૂપાલીને મળવા-વાત કરવા-હરખાવવા-મનાવવાના પ્રચંડ પ્રયાસો ચાલ્યા. ઘણી બૌદ્ધિક-ઈમોશનલ કૂસ્તી જામી પણ પરિણામ, ઝેડ…ઈ…આર…ઓ… ઝીરો.
દીપકને એમ હતું કે દીપાલીનું નામ એના નામ સાથે બંધબેસતું છે એટલે એનો નંબર લાગી જશે, પણ રામરામ.
વિકીને એમ હતું કે અત્યાર સુધી શર્તોમાં મારી એવરેજ બેસ્ટ છે ને અહીં તો ચાર-ચાર ઓપ્શન છે એટલે ઈઝીલી.
પાર્થ બહુ લાંબું વિચારી તો નહોતો શકતો, પણ એ ચારેય લીની પસંદગીઓની યાદી બનાવી એને અનુરૂપ કર્મકાંડ ગોઠવવા બહુ આશાઓ માંડી મથતો.
આવુંબધું થયું.
આખી કોલોની આ એક જ કિસ્સામાં એટલી મસ્તમગ્ન બની ગઈ કે બીજા એકેય ઉત્સવો ઉજવવાની જરૂર જ ન હતી, છતાં ઉત્સવો તો ઉજવાયા. હોળીના રંગો, ગણપતિના અભંગો, ઉતરાયણની પતંગો, નવરાત્રિના નૃત્યસંગો અને દિવાળીના દીપઉમંગો. બધાંય અંગોમાં શર્તિલી ત્રિપુટી, ચતુર્અલીને ખુશ કરવામાં લાગી પડી હતી. વરસ. બે વરસ. ત્રણ વરસ. ત્રણ વરસ ત્રણ મહિના ને ત્રણ વરસ છ મહિના વીત્યા. આ તબક્કે તો કોલેજની ધૂળ ખંખેરી ત્રિપુટી ગળે સી.વી.-ડિગ્રી લટકાવી નોકરીની શોધમાં પડી હતી છતાં શર્ત માટે અડીખમ રહી.
ત્રણ વરસ આઠ મહિના અને ત્રણ વરસ નવ મહિના પૂરા થવા આવ્યા છેક ત્યારે ત્રિપુટીને હતાશા અનુભવાવા લાગી, કારણ કે હવે એક પછી એક ‘લી’ઓ અનુપલબ્ધ થવા લાગી હતી. સૌથી પહેલા દીપાલી પરણી ગઈ. ટેરેસ પર ગોઠવાયેલી એની મેરેજપાર્ટીમાં બધાએ મોળા મોંએ મીઠી કેક ખાવી પડેલી. ઉંદર જેવો કાળોડિબાંગ વર એણે પસંદ કરેલો, ઘણોમોટોય હતો એનાથી, હા સરકારી અધિકારી હતો એ વેઈન્ટેજવાળી વાત ખરી, પણ એમાં શું થઈ ગયું. બીજી ત્રણ અલીઓની પણ, પહેલાં જ જણાવ્યું એમ, મેરેજ આલબમની તસવીરો નક્કી થઈ ગઈ હતી. ખેર, હવે આ ત્રણેય વીરો વિચારતા હતા કે આવી અલીતોડ મહેનત કંઈ કામધંધો કરવામાં કે પૂરું ભણવામાં કરી હોત તો કદાચ, આ ચારમાંથી એક જ અલી નહીં, ચારેચાર હાથ ઉલાળતી પાછળ દોડી આવત… પણ અબ પછતાયે ક્યા હો જબ ચૂહે ખા ગએ કેક.
આખરે ગાંગુલી-દ્રવિડ-સચીને પણ રિટાયર થવું પડ્યું હતું એમ આ ત્રણેયે પણ વાત સ્વીકારી લીધી હતી.
એમને શર્તોમાં ઉત્સાવતા કોલોનીના કુથલકો હવે એમને સહારો આપવા કે દિલાસા આપવા નહોતા આવતા. આ ને તે કરવામાં એમણે બીજું કશું નહોતું કર્યું. જ્ઞાનીઓ અઘરીઅઘરી ભાષામાં જે કહી ગયા એ આ ત્રિપુટીએ રીક્ષાપાછળ કોતરાયેલા એક જ વાક્યમાં તાત્પરી લીધું- ઝાલીમ ઝમાના, મતલબ કી દુનિયા.
ત્રણેયે સ્વીકારી લીધું હતું કે ભઈ નામાંતે અલી શબ્દધારી છોકરી સાથે તો લગ્ન થઈ રહ્યા, પણ જો હવે સમયસર ચેતી નહીં જઈએ તો ભણતર તો બગડ્યું સાથે કામધંધોય નહીં મળે ને પછી અલી તો શું એકેય શબ્દધારી છોકરી સાથે લગ્નના વાંધા થઈ જશે.
બસ, ત્રણેય પસ્તાવોયજ્ઞ પાર પાડી ગંભીર બની કામે વળગ્યા. જોકે શર્ત જેમ હજી કોઈ જીત્યું નહોતું એમ જ, હાર્યું પણ નહોતું. તનોતન ભલે એ ત્રણેય જિંદગીની રેસમાં લાગી ગયા હતા, પણ મનોમન હજી રસાકસી જામેલી હતી. ત્રણેયના મનના ઊંડાઊંડા કોઈક ખૂણે પેલી મહત્વાકાંક્ષા તો પડી જ હતી કે ગમે તે થાય, પણ આ બેમાંથી કોઈ પરણે એ પહેલાં હું જ પરણી લાવીશ નામાંતે અલી શબ્દધારી કોઈ છોકરીને… કોલોનીમાં એવી ચાર જ છોકરી હતી, પણ જગત કાંઈ આવડીઆ કોલોની જ છે?
જોકે આવી એમના મનના ખૂણાની દશા હતી. અહીં વાસ્તવિક જગતમાં તો જીવનગાડું ગબડતું રહ્યું. પછી તો પસ્તાવાનાં કારણો વગર પણ પસ્તાવોયજ્ઞ યોજાતા રહ્યા. વધુ વરસો વીત્યાં એટલે મળ્યા એ કામધંધે વળગાયું ને ત્રણેયનાં ભવિષ્ય સોસાયટીમાંથી નીકળી, એકદમ એટલે એકદમ જુદીજુદી દિશામાં ફંટાઈ ગયા.
આ બધા સમયે તો મોબાઈલ ફોન અવતર્યા નહોતા. કોઈ ફોઈબાએ ઈન્ટરનેટનું નામ પાડ્યું નહોતું. સોશિયલ મિડિયા આપણા સૌરમંડળમાં બારમા ગ્રહ જેવી અકલ્પનીય બાબત હતી.
જોકે હવે એવું નથી ને આ બધું છે.
સૉ ધેન. ફેસબૂકના માધ્યમથી જૂના કોલોનિયા મિત્રોની ગોઠવાયેલી એક ગેટટુગેધર ઈવેન્ટમાં આ ત્રણેય મહાવીરો, દીપક-વિકી-પાર્થ ફરી સામસામે અથડાઈ પડ્યા. ત્રણેય પાસે એક-એક પત્નીઓ અને એક-એક-બે-બે નંગ સંતાનો હતાં. સીધીઆડી નજરે ત્રણેય કંથો એકબીજાંની કામિનીઓ સામે જોઈ રહ્યા, જાણે ચહેરા પરથી એમનાં નામ વંચાવવાનાં હોય.
ધીમેધીમે ચાસણીવાળી વાતો ઉછળી,
‘સી, માય લવિંગ બૅટરહાફ.’
‘મીટ માય જાન…’
‘હિયર ઈઝ માય સ્વીટહાર્ટ!’
-પણ અરે! આ તેણીત્રયીનાં નામ તો જણાવો? ના રે. કોઈ જલદી નામ બોલવા તૈયાર નહોતું.
‘નામ બોલ રોકડું નામ’
‘તું બોલને બોલતો હોય તો પહેલા’
‘પહેલા તું તારીવાળીનું કહે…’
‘પહેલા તું મોઢું ફાડ. મોટો શૂરવીર હતોને શર્તોનો…’
‘બક તો ખરો પહેલો… દીપકે શરૂ કરેલુંને. તો એ પહેલો.’
પત્નીઓને પણ ખયાલ આવ્યો કે કંઈ પ્રાચીન ગડબડ લાગે છે આ ભાઈઓ વચ્ચે એટલે તેશ્રીઓ પણ મૂંગું મલકતી રહી ને તમાશો જોતી રહી.
‘બબ્બ. દીપાલલઈઈ. ના, દીપાલી નહીં, હિમાલી.’ હોઠ ફફડાવી દીપકે જવાબ તો આપ્યો.
‘વૈશાલી’ પાર્થ તરત તાળી પાડી બોલ્યો.
‘વિકીજી? અબ દો જવાબ.’ મૂંગા વિકીને ધબ્ભા મારી દીપક-પાર્થે એકસાથે કહ્યું.
‘પહેલા તું નક્કી કર દીપક. તારી પત્નીનું નામ દીપાલી છે કે હિમાલી.’
‘દીપાલી નહીં, હિમાલી. કહ્યુંને.’
‘ઓકે, તો મારી વાઈફનું નામ છે દીપાલી! પડી મૌજ?’
-અને પછી તો એ ટોળકી, હાથમાં પકડેલા ગ્લાસમાંથી પસ્તાવોરસ ઉછાળી-ઉછાળી ખડખડાટ હસતી રહી મોડે સુધી, ઘણે મોડે સુધી, મોડેમોડે સુધી.